સેનેટ સભ્ય ભરતસિંહ જાડેજા અને જયકિશન ઝાલાની સફળ રજૂઆત
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કોન્ટ્રાકટ બેઈઝ કર્મીઓના ખાતામાં છેલ્લા દોઢ વર્ષથી પીએફ જમા ન થતાં છેલ્લી સિન્ડીકેટમાં પીએફ જમા કરાવવા ઠરાવ થયો હતો. તેમ છતાં મંગળવારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સેનેટ સભ્ય અને યુવા ભાજપના કાર્યકર્તા ભરતસિંહ જાડેજા અને જયકિશન ઝાલાએ કુલપતિને ઉગ્ર રજૂઆત કરી હતી ત્યારે કુલપતિએ અંતે ઝુંકવું પડ્યું હતું અને આગામી ૧૫ દિવસમાં કોન્ટ્રાકટ બેઈઝ કર્મીના પીએફ તેમના બેંક ખાતામાં જમા થશે તેવી લેખીતમાં બાહેધરી આપી હતી.
ઉલ્લેખનીય છે કે, યુનિવર્સિટીમાં ફરજ બજાવતા ૩૫૦ જેટલા કોન્ટ્રાકટ બેઈઝ કર્મીના પગારમાંથી ગત તા.૧-૯-૨૦૧૮ થી પીએફના નાણા કાપવામાં આવતા હતા. કર્મીઓના ખાતામાંથી ૧૨ ટકા કાપ્યા બાદ યુનિવર્સિટી દ્વારા પીએફ ઓફિસમાં જમા કરાવવાના થતાં બીજા ૧૨ ટકા પણ જમા થતાં ન હતા. આ મામલે છેલ્લી સિન્ડીકેટમાં ઠરાવ થઈ ગયો હતો. તેમ છતાં પણ કોઈ લેખીત બાહેધરી ન મળતા મંગળવારે યુવા ભાજપના કાર્યકર્તા અને સેનેટ સભ્ય ભરતસિંહ જાડેજા અને જયકિશન ઝાલાએ વીસીને રજૂઆત કરી હતી. ત્યારબાદ વીસીએ લેખીતમાં બાહેધરી આપી હતી કે, આગામી ૧૫મી જુલાઈ સુધીમાં તમામ કર્મીના બેંક ખાતામાં બાકી પીએફ જમા થઈ જશે અને કર્મીઓના પીએફનો પ્રશ્ર્ન સેનેટ સભ્ય ભરતસિંહ જાડેજા અને જયકિશન ઝાલાની રજૂઆતથી સફળ બન્યો હતો.