ટેક્નોલોજીના અયોગ્ય ઉપયોગ અને આધુનિક સુવિધાઓએ બાળકોને વહેલા અયોગ્ય પરિપક્વ કર્યા જે પરિપક્વતા માત્ર શારીરિક જરૂરિયાત અને વાસના નોતરે છે: ડો. ધારા દોશી
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવિજ્ઞાન ભવનના હેડ યોગેશ જોગશન અને પ્રો. ધારા દોશીએ કરેલો સર્વે
તાજેતરમાં જ રાજકોટમાં બનેલ એક બળાત્કારની કોશિશનો બનાવ કે 12 વર્ષના કિશોરો એ 13 વર્ષની કિશોરી પર બળાત્કારની ચેષ્ઠા કરી. સાંભળીને આઘાત સાથે હજારો સવાલ ઉભા થાય કે એ ઉંમર જ્યાં બાળક હજુ પરિપક્વ બન્યું નથી. જ્યાં હજુ તેના શરીર, તેના આવેગો, લાગણીઓને સમજી નથી શક્યું, જ્યાં હજુ તેની રમવાની ઉંમર છે, ત્યાં એ ક્યાં રસ્તે જઈને ઉભું રહે છે? એક હીંચકારી કૃત્ય એ કરી રહ્યું છે જેની અસર, જેના પડઘા વિશે પણ એને ખબર હશે? આવા વિચારો અને પ્રશ્નો એ સામાજિક વ્યવસ્થા, કૌટુંબિક વ્યવસ્થા પર થાય. બાળકો વિરુદ્ધ વધતા જતા બાળકોના જાતિય શોષણના કિસ્સાઓ રોજબરોજ વધતા જાય છે, દરરોજ દેશના કોઈને કોઈ ભાગમાંથી આવા સમાચાર સાંભળવા મળે છે. માતાપિતા અથવા તેમના બાળકને ખબર નથી હોતી કે તેઓ ક્યારે અને કેવી રીતે કોઈની વાસનાનો ભોગ બને છે. કિશોરવયના બાળકો દ્વારા જે રીતે ગુનાહિત બનાવ બની રહ્યા છે તે વિચારવાનો વિષય છે. કિશોર ગુનાની ઘટનાઓ આપણા બધાને વારંવાર પુછે છે કે કાચી માટીથી બનેલા બાળકો ખરેખર આ બનાવો માટે જવાબદાર છે કે ક્યાંક આપણા વાલીપણા અને સામાજિક વાતાવરણમાં કોઈ ઉણપ છે. આજે, આપણી સામે સવાલ ઉભો થાય છે કે, સંભવિત સંજોગોમાં બાળકો, કિશોર વયે બાળકોને ગુનાઓ માટે કોણ ઉશ્કેરતા હોય છે? આવા ખોટા કૃત્યો કરવા માટે બાળકોને કોના તરફથી પ્રેરણા મળે છે? બાળકોના માતા-પિતાના ઉછેરમાં કોઈ અભાવ હતો? શું તે કુટુંબના સભ્યો, કુટુંબના મિત્રો, બાળકોના શિક્ષકોના શિક્ષણના અભાવને કારણે છે, જેના કારણે કેટલાક બાળકો ખોટા માર્ગે આગળ વધે છે.
આ ઉપરાંત પોર્ન સાઇટ પણ આ બધી બાબતો માટે ખૂબ જવાબદાર છે. માતા પિતાએ આપેલ વધુ સગવડો હવે બાળક ને ક્યાંય અવળે માર્ગે લઈ જાય છે. દરેક વ્યક્તિ પૈસા કમાવાની દોડમાં એટલા વ્યસ્ત થઈ ગયા છે કે લોકો તેમના બાળકોને બાળપણમાં યોગ્ય સમય આપી શકતા નથી. બાળકોની વ્યક્તિગત સ્વતંત્રતામાં અતિશય વધારાને લીધે, આજે કેટલાક બાળકોમાં નૈતિક મૂલ્યોનો ખૂબ ઝડપથી નાશ થવા લાગ્યો છે, અતિશય સ્પર્ધાની સાથે કિશોરોમાં તણાવ પેદા થયો છે. આજે, બાળકો જે મોબાઇલ ફોન, કમ્પ્યુટર અને ઇન્ટરનેટ ધરાવે છે તે સરળતાએ તેમને એકલતામાં જીવવા અને કુટુંબ અને સમાજથી અલગ થવાનું શીખવ્યું છે. જેના કારણે દેશમાં તણાવ અને હતાશાને લીધે ખૂબ જ ઝડપી બાળકો ગુનામાં સામેલ થઈ રહ્યા છે.અશ્લીલ સામગ્રીનો વધતો જતો ઉપયોગ બાળકોનું જીવન બરબાદ કરવાનું શરૂ કરે છે. આ સામગ્રી નાની ઉંમરે વ્યસન જેવું કામ કરે છે. શરૂઆતમાં, પછી ભલે કોઈ થોડા સમય માટે તેને જોવાનું શરૂ કરે, પરંતુ વ્યસની બન્યા પછી, તે એટલો સમય અને પૈસા લે છે કે જીવન બગાડવાનું શરૂ કરે છે. આમ તે આલ્કોહોલ અને ડ્રગના વ્યસન સમાન છે જે ધીરે ધીરે બાળક ના બાળપણને કોરી ખાય છે. બાળ પોર્નોગ્રાફીનું વિતરણ અશ્લીલતા ઝડપથી ફેલાવે છે. બાળક અજાણતા બીભત્સ વેબસાઈટ ખોલે છે અને પોર્ન નો ભોગ બની બેસે છે. સમાજમાં વિવિધ પ્રકારની અશ્લીલ સામગ્રીની હાજરીને લીધે બાળકો, કિશોરો અને યુવાનોને પ્રતિકૂળ અસર થઈ રહી છે.નર્તકો-ગાયિકા-અભિનેત્રીઓનો યુવાન છોકરીઓ પર ખૂબ પ્રભાવ છે. તેઓ ફિલ્મના નાયક અને નાયિકાને પોતાના રોલ મોડેલ માની તેના જેવું વર્તન કરવા પ્રેરાય છે. સાચા ખોટા નો વિવેક આ બાળક ને હોતો નથી. અનુકરણ દ્વારા આ વર્તનમાં વધારો થાય છે. લોકડાઉન દરમિયાન અમને એક બાળકનો ફોન આવેલ કે બપોરે સુઈ જવુ જોઇએ? મારા મમ્મી પપ્પા તો તેમના રૂમમાં હસતા હોય અવાજ કરતા હોય છે? એવું શું કરતા હશે કે તેઓ સુવા બદલે વિચિત્ર અવાજ કરતા હશે? આ સવાલ વાલીઓને બાળઉછેર ના અપરાધી બનાવી દે છે.
બાળકો દેશનું ભવિષ્ય છે અને કિંમતી રાષ્ટ્રીય વારસો છે માટે ખૂબ જ મોટી જવાબદારી પૂર્વક તેની પરવરિશની કરવી જોઇએ. સરકાર, સમાજ, માતાપિતા, વાલીઓ તરીકે, આપણા બધાની નૈતિક ફરજ છે કે સર્વગ્રાહી વિકાસ માટે બાળકોને તંદુરસ્ત સામાજિક-સાંસ્કૃતિક વાતાવરણમાં ઉછેરવાની તક પૂરી પાડવી. જેથી તેઓ દેશના જવાબદાર નાગરિક, માનસિક વિદ્વાન અને દેશના જવાબદાર નાગરિક તરીકે નૈતિક રીતે યોગ્ય બનીને પોતાની જવાબદારીઓ યોગ્ય રીતે નિભાવી શકે. માતાપિતાની ફરજ છે કે બાળકોને વિકાસ માટે સમાન સારી તકો પ્રદાન કરે. આ સાથે, સમાજમાં પ્રવર્તીતી અસમાનતાને ઘટાડવા માટે તમામ બાળકોના અધિકારોનું રક્ષણ કરવાની જવાબદારી સમાજે લેવી જોઈએ.
12 થી 16 વર્ષની કિશોરાવસ્થાની ઉંમર બાળકો માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે, તે સમય દરમિયાન, તેમના વ્યક્તિત્વના નિર્માણ અને સર્વાંગી વિકાસનો નક્કર પાયો નખાય છે. આવી સ્થિતિમાં, તેમની કિશોર વયે તેમના પર વિશેષ ધ્યાન આપવું ખૂબ જ મહત્વપૂર્ણ બની જાય છે. કારણ કે આ તે સમય છે જ્યારે બાળકના ખોટા માર્ગે ચાલવાની શરૂઆત થઈ શકે છે. મોટાભાગના બાળકો તેમના માતાપિતા, સામાજિક અને સરકાર દ્વારા બનાવેલા નિયમોનું પાલન કરે છે, પરંતુ કેટલાક બાળકો શિસ્ત અને નિયમોનું પાલન કરતા નથી. આમાંથી, કેટલાક બાળકો ધીરે ધીરે ગુનાહિત પ્રવૃત્તિઓમાં ભાગ લે છે. જેના કારણે તે સમાજમાં કિશોર અપરાધ થતા જોવા મળે છે છે. આજે ભારતીય સમાજમાં બાળ ગુનાઓનું પ્રમાણ દિવસેને દિવસે વધી રહ્યું છે, તેની પ્રકૃતિ પણ જટીલ બની રહી છે. આપણે યાદ રાખવું જરૂરી છે કે કોઈપણ બાળક જન્મજાત અપરાધી નથી. તેને મળેલ વાતાવરણ, તેના સંપર્ક માં આવેલ બાબતો, તેને સાંભળેલ અને જોયેલ બાબતો અને અયોગ્ય માનસિક આવેગો તેને અપરાધી બનવા તરફ પ્રેરે છે.
કિશોર અપરાધ અટકાવવા માટે ધ્યાનમાં લેવા જેવી બાબતો
મનોવૈજ્ઞાનિક દ્રષ્ટિએ જોઈએ તો બાળકનું મન એ કોરી પાટી જેવું છે. જે આપણે લખીએ એની એક અમીટ છાપ એ બાળ માનસ પર રહેતી હોય છે. શિક્ષણ માત્ર શિક્ષક જ નથી આપતા. સમાજ, કુટુંબ, માતા પિતા બધા સીધી કે આડકતરી રીતે બાળકને કઈક શીખવે છે. કિશોર કે બાળ અપરાધને અટકાવવા માટે બાળકોની સારી સંભાળ લેવી અને તેમના વર્તનમાં થતા પરિવર્તનની નોંધ રાખવી, તેના વર્તનમાં જો કઈ પરિવર્તન આવે તો તેના મૂળ સુધી પહોંચવું એ દરેક માતાપિતાની જવાબદારી છે. જો બાળકની વારંવાર શાળાએથી ફરિયાદ આવે છે તો ચેતવું જરૂરી છે. તેના મિત્રો કેવા છે તેના વિશે પણ માહિતી રાખો.બાળકો ખોટા મિત્રો સાથે બેસતા હોય, કોઈ પણ એક કાર્ય પર ધ્યાન કેન્દ્રિત ન કરતા હોય, લોટરિંગ, મોબાઈલ અને ઇન્ટરનેટ પર હંમેશા વળગી રહેતા હોય તો આ બધા લક્ષણો જોયા પછી, તે સમજવું જોઈએ કે બાળકની વર્તણૂક બદલાવાની શરૂઆત થઈ છે અને હવે તેના પર ઘણું ધ્યાન આપવાનો સમય આવી ગયો છે. આવી સ્થિતિમાં, બાળકોને સમય આપવો ખૂબ જ મહત્વપૂર્ણ બની જાય છે, તેઓને બહાર લઈ જવા જોઈએ, તેમની સાથે જુદી જુદી રમતો રમવી જોઈએ, તેમની સાથે વાત કરીને તેમની સમસ્યાઓનું સમાધાન કરવું જોઈએ, બાળકોનું મન ખૂબ નરમ છે, તેથી તેમને જરૂર છે તમારી હૂંફ અને લાગણીની, ઘરમાં બીભત્સ શબ્દો ટાળવા, માતા પિતાએ બાળકની સામે અમુક વર્તન જેમકે પતિ પત્ની તરીકેનું અમુક વર્તન કરતા વિચારવું. અતિશય લાડ અને પ્રેમ પણ બાળક ને બગાડે છે એ યાદ રાખવું. જ્યાં એક જ બાળક હોય તેને બધા જ પ્રકારની છૂટ આપતા પહેલા વિચારી લેવું જોઈએ કે ક્યાંક આ છૂટછાટ નો તે ગેર ઉપયોગ ન કરે.