રાષ્ટ્રસંત પૂજય નમ્રમુનિ મહારાજ સાહેબના મુખેથી રોયલપાર્ક સ્થાનિક જૈન સંઘમાં પ્રવચન અને વાંચણીનો આજથી શુભારંભ
રોયલપાર્ક સ્થા.જૈન સંઘ-સી.એમ.પૌષધશાળા, ઓમાનવાલા ઉપાશ્રયના આંગણે ગુજરાત રત્ન પૂજય સુશાંતમુનિ મ.સા., રાષ્ટ્રસંત પૂજય નમ્રમુનિ મ.સા.નાં સાંનિઘ્યે સમુહ ચાતુર્માસ ઉપલક્ષે પધારેલ ૭૫ સંત-સતીજીઓના ભવ્ય ચાતુર્માસ પ્રવેશ બાદ આજ રાષ્ટ્રસંત પૂજય ગુરુદેવના શ્રીમુખેથી સવારથી ૭:૧૫ થી ૮:૧૫ પ્રવચન અને ૧૦:૧૫ થી ૧૧:૦૦ વાંચણીની શ્રૃંખલાની શરૂઆત થતા રોયલ પાર્કના અનેક ભાવિકોએ આત્મહિતકારી વાણીનો લાભ લીધો હતો.
ચાતુર્માસના પ્રથમ દિવસનાં વ્યાખ્યાનની શરૂઆત કરતાં પૂજય ગુરુદેવ નમ્રમુનિ મ.સા.ના મુખેથી શબ્દો સર્યા કે આજનું દ્રશ્ય ભવિષ્યનાં દ્રશ્યનું પ્રતિબિંબ છે. આજનું બીજ કાલનું વૃક્ષ બનશે. આ પ્રવચન નહીં પરંતુ સમવશરણમાં જવાના બીજ વાવવા આવ્યા છો. આજનું સદગુરુનું સાનિધ્ય ભવિષ્યનું સમવશરણ અપાવે. જેને પ્રભુનું શરણ ન મળવાનો અફસોસ હોય એ જ કાલે પ્રભુના શરણને પામી શકે છે માટે પરમાત્માને પ્રાર્થના છે કે આજે ભલે મારા નસીબમાં તમારું સમવસરણ નથી પરંતુ કાલે તમારું સમવસરણ મળે એનો પ્રયત્ન હું આજથી શરૂ કરું છું માટે હે પ્રભુ મારી મુમુક્ષુતા પ્રગટાવો.
જીવન સુધરે તે આ ચાતુર્માસનાં પગથિયા છે પરંતુ જીવ સુધરી જાય, તે આ ચાતુર્માસની મંઝીલ છે. જીવન સુધારનારા અનેક ધર્મ હોય પરંતુ જીવ સુધારનાર આંતરિક શુદ્ધિ કરાવનારો ધર્મ મહાન છે. ડોકટર કે એન્જીનીયર બનનારા વર્ષોથી પ્લાનીંગ કરે તેમ સિદ્ધ બનવા માટેનું પ્લાનીંગ આ ચાતુર્માસમાં કરવું છે. ચાતુર્માસમાં સંતોને સાંભળે તો મોક્ષ થાય કે ન થાય પણ જો વ્યકિત સ્વને સાંભળતી થઈ જાય તો મોક્ષ થશે જ. પોતાનો અવાજ સાંભળનાર જગતથી પર થયાં વગર રહેતો નથી એમ સમજાવી રાષ્ટ્રસંત પૂજયએ આ ચાતુર્માસમાં ઈનર વોઈસ સાંભળવાનું લક્ષ આપ્યું હતું. પ્રવચન દરમ્યાન રાષ્ટ્રસંત પૂજયએ પથ્થર અને શિલ્પીનાં ઉદાહરણથી સમજાવ્યું હતું કે, પથ્થરની અંદર પ્રતિમા સમાયેલી જ હોય છે. પથ્થર જયારે શિલ્પીના હાથમાં સોપાય છે ત્યારે શિલ્પી માત્ર તેના વધારાના ભાગને દુર કરે છે એવી જ રીતે આત્મતત્વ તો સર્વની અંદર વસેલું છે, સદગુરુ માત્ર તેમના વધારાના અનાત્મતત્વને દૂર કરે છે. બધાની અંદરમાં યોગ્યતા હોય છે, યોગીનું કનેકશન તેને ભવિષ્યમાં અયોગી એટલે સિદ્ધ બનાવે છે.
વિશેષમાં શુક્રવાર તા.૨૭ જુલાઈના ચાતુર્માસિક પાખીના અવસરે આદ્ય ગુરુવર આચાર્યદેવ નિદ્રાવિજેતા પૂજય ડુંગરસિંહજી મ.સા.ની પૂણ્યતિથિ તથા ગાદીપતિ પૂજય ગિરીશમુનિ મ.સા. પુણ્યતિથિ ઉપલક્ષે અનેકવિધ કાર્યક્રમો સાથે તા.૨૬ જુલાઈ ૨૦૧૮ અને ૨૭ જુલાઈ ૨૦૧૮ છઠ્ઠ તપની આરાધનાનું આયોજન કરવામાં આવ્યું છે. રવિવાર તા.૨૯ જુલાઈ ૨૦૧૮ ગુરુપૂર્ણિમાના અવસરે હજારો ભાવિકો ગુરુચરણે શ્રદ્ધા, ભાવ અને ભકિતની ભેટ ધરશે. આ અવસરે શેઠ ઉપાશ્રયમાં બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે તેમ સંઘ પ્રમુખ ચંદ્રકાંતભાઈ શેઠની યાદીમાં જણાવ્યું છે.