- રાજકોટ પોલીસની કાબિલેદાદ કામગીરી
- કર્ણાટકના આસારામ આશ્રમમાં સાધક બનીને અમૃત પ્રજાપતિ હત્યા કેસના આરોપીને દબોચ્યો
- ક્રાઇમ બ્રાન્ચની ટીમે ત્રણ દિવસનું ગુપ્ત ઓપરેશન પાર પાડી આરોપી કિશોર બોડકેને ઉઠાવી લીધો
રાજકોટમાં વર્ષ 2014માં બનેલી ચકચારી અમૃત પ્રજાપતિ હત્યા કેસના આરોપીને રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે છેક કર્ણાટકથી દબોચી લીધો છે. ક્રાઇમ બ્રાન્ચની ટીમ કર્ણાટક સ્થિત આશારામ આશ્રમમાં ત્રણ દિવસ સુધી વેશપલટો કરી સાધક બનીને રોકાઈ હતી અને ત્યારબાદ મોકો મળતા જ આરોપી કિશોર બોડકેને દબોચી લીધો હતો. ઉલ્લેખનીય બાબત છે કે, આશારામના યૌન શોષણ કેસમાં વૈદ્ય અમૃત પ્રજાપતિ મુખ્ય સાક્ષી હતા. નોંધનીય છે કે, કિશોર બોડકે આશારામનો અનુયાયી હતો અને આશારામને ભગવાન માનતો હતો જેથી તેના વિરુદ્ધ બોલનાર અંદાજિત 300 લોકોનું હિટ લિસ્ટ બનાવી તેમનું મોઢું કાયમી બંધ કરાવી દેવાનું કાવતરું ઘડવામાં મહત્વપૂર્ણ ભાગ ભજવનાર કિશોરને ઝડપી લેવામાં આવ્યો છે.
મામલામાં મળતી માહિતી મુજબ રાજકોટ ક્રાઇમ બ્રાન્ચની ટીમે વેશપલટો કરી આશ્રમમાં પ્રવેશી રેકી કરી બાદમાં આરોપી કિશોર બાલકૃષ્ણ બોડકે (ઉ.વ.37)ની ધરપકડ કરી છે. આ અગાઉ પોલીસે આ કેસમાં કુલ 3 આરોપીની ધરપકડ કરી હતી, જયારે હજુ 7 આરોપી પોલીસ પકડથી દૂર છે. અત્રે ઉલ્લેખનીય છે કે, દુષ્કર્મ કેસમાં આસારામને સુપ્રીમ કોર્ટે વચગાળાના જામીન આપ્યા છે. વર્ષ 2013ના દુષ્કર્મ કેસમાં સુપ્રીમ કોર્ટે 31 માર્ચ, 2025 સુધીના વચગાળાના જામીન આપ્યા છે.
પોલીસની કામગીરી અંગે ડીસીપી ક્રાઇમ પાર્થરાજસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, રાજકોટના બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં 23 મે 2014ના રોજ રાજકોટના પેડક રોડ ઉપર ઓમ શાંતિ આરોગ્ય ધામમાં દર્દીના સ્વાંગમાં આવેલા શાર્પ શૂટરે અમૃત પ્રજાપતિ પર ફાયરિંગ કર્યું હતું. ફાયરિંગમાં પ્રજાપતિને ગળામાં ગોળી ઘૂસી જતા ગંભીર ઇજા થઇ હતી. પહેલા સ્થાનિક હોસ્પિટલ અને બાદમાં તેમને અમદાવાદની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા, જ્યા સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નીપજતા બનાવ હત્યામાં પલટાયો હતો. આ કેસમાં 10 વર્ષ બાદ રાજકોટ ક્રાઈમ બ્રાન્ચે ગુપ્ત રીતે ઓપરેશન પાર પાડી વેશપલટો કરી કર્ણાટક સ્થિત આસારામના આશ્રમમાં રેકી કરી બાદમાં વધુ એક આરોપી કિશોર બાલકૃષ્ણ બોડકે (ઉ.વ.37)ની ધરપકડ કરી છે.
વૈદ્ય અમૃત પ્રજાપતિ અગાઉ આશારામના અમદાવાદ આશ્રમના પ્રમુખ વૈદ્ય હતા પરંતુ મોટેરા આશ્રમમાં કિશોર વયના બે સાધકો દિપેશ-અભિષેકના શંકાસ્પદ અપમૃત્યુ પછી અમૃત પ્રજાપતિએ આસારામ સાથે છેડો ફાડયો હતો અને આસારામની વિરુદ્ધમાં બોલતા હતા. જેથી, તેમનું નામ આસારામના વિરોધીઓના લિસ્ટમાં આવી જતા આસારામના સમર્થકે અમૃત પ્રજાપતિની હત્યા માટેનો પ્લાન ઘડ્યો હતો. પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે, હત્યા માટેનો પ્લાન બનાવવામાં આરોપી કિશોર બાલકૃષ્ણ બોડકે (ઉ.વ.37)ની ભૂમિકા છે અને હાલ તે કર્ણાટકના કાલા બગુડી જિલ્લામાં આવેલ આશ્રમમાં છે, જેથી પોલીસની ટીમ આશ્રમ ખાતે પહોંચી હતી.
ક્રાઇમ બ્રાન્ચ પીઆઈ એમ આર ગોંડલીયા, પીઆઈ એમ એલ ડામોરના માર્ગદર્શનમાં પીએસઆઈ એ એન પરમારની ટીમના એએસઆઈ જલદીપસિંહ વાઘેલા, હેડ કોન્સ્ટેબલ સુભાષભાઈ ઘોઘારી, વિજયરાજસિંહ જાડેજા તથા પોલીસ કોન્સ્ટેબલ અર્જુન ડવ અને સંજય ખાખરીયા 1200 કિલોમીટરનું અંતર કાપી કર્ણાટક સ્થિત કાલા બગુડા જિલ્લામાં આવેલ આસારામના આશ્રમ ખાતે પહોંચ્યા હતા. અહીંયા પહોંચી તેઓ પ્રથમ એક દિવસ સાધક બની દર્શન કર્યા હતા અને આરોપી ઉપર વોચ રાખવાની શરૂ કરી હતી. એક દિવસની રેકી બાદ આરોપી વિશે ભાળ મળી જતા તેને ઝડપી પાડ્યો હતો અને સતત નોનસ્ટોપ કર્ણાટકથી પરત 1200 કિલોમીટર રાજકોટ લાવવામાં આવ્યો છે.
ઝડપાયેલો શખ્સ એસિડ એટેક સહિતના ગુનાનો આરોપી
પોલીસની પ્રાથમિક તપાસમાં આરોપી આસારામનો અનુયાયી હતો. જે લોકો આસારામની વિરુદ્ધ બોલે તેમનું લિસ્ટ તૈયાર કરી તેમના વિરુદ્ધ હત્યા, હત્યાની કોશિશ સહિત ગુનામાં સંડોવાયેલ હોવાનું સામે આવ્યું છે. જેમાં સુરત ખાતે ઉમરા, અડાજણ અને ખાટોદર પોલીસ સ્ટેશનમાં અલગ-અલગ ગુનામાં આરોપી પોલીસ ચોપડે ચડી ચુક્યો હોવાનું સામે આવ્યું છે. આરોપી ભૂતકાળમાં એસિડ એટેક, છરી વડે હુમલા જેવા ગંભીર ગુના પણ આચરી ચૂક્યો છે.
આશારામ વિરુદ્ધ સુત્રોચાર કરવાથી માંડી વિરોધ કરનાર 300થી વધુનું હિટ લિસ્ટ બનાવાયું’તું
ઝડપાયેલા કિશોર બોડકે અને તેની ટીમે આશારામ વિરુદ્ધ બોલનાર 300થી વધુ લોકોનું નામ હિટ લિસ્ટમાં મૂક્યું હતું અને ત્યારબાદ આ તમામ લોકોની સોપારી શાર્પ શુટરોને આપી મોતને ઘાટ ઉતારી દેવાનું કાવતરું ઘડવામાં આવ્યું હતું. જે કાવતરાના ભાગરૂપે કિશોર બોડકેએ સુરતમાં અલગ અલગ ત્રણ લોકોની હત્યાનો પ્રયાસ કર્યો હતો જે મામલે ગુના પણ દાખલ થઇ ચુક્યા છે તેમજ અમૃત પ્રજાપતિ પણ એ જ હિટ લિસ્ટમાં હતા ત્યારે તેમની ગોળી મારી હત્યા નીપજાવી દેવામાં આવી હતી.
હત્યા કેસના સાત ફરાર આરોપીઓના નામ
- મનોજ ઉર્ફે મની ઉર્ફે સૂર્ય દેવેન્દ્ર નાગરકોટી
- અંકિત ઉર્ફે સૂરજ રામસાગર
- નીરજ ઉર્ફે મોનુ મામચંદ જાટ
- ભરત ડ્રાયવર
- લોકેશ
- નરોત્તમ પેઇન્ટર
- આશિષ