‘મારે પોલીસ વિરૂધ્ધ રજૂઆત છે’ કહી પોલીસ કંટ્રોલ રૂમમાં દેકારો કર્યો
એક સપ્તાહ પર્વે ગોંડલ ચોકડીએ કાર પર ચડી તમાસો કરી ટ્રાફિક પોલીસની ફરજમાં રૂકાવટ કરી’તી: કારમાંથી ધોકો મળ્યો
એક સપ્તાહ પૂર્વે ગોંડલ ચોકડીએ કાર પર ચડી તમાસો કરી લાંબો સમય સુધી ટ્રાફિક જામ કરી તમાસો કરનાર સામે પોલીસની ફરજમાં રૂકાવટ કર્યા અંગેનો ગુનો નોંધાયા બાદ ગઇકાલે બપોરે પોતાની સગીર પુત્રી સાથે પોલીસ કમિશનર કચેરીએ આવી કંટ્રોલ રૂમમાં ‘પોતાને પોલીસ વિરૂધ્ધ રજૂઆત’ હોવાનું ગોકીરો કરી પી.એસ. આઇ.ની ફરજમાં રૂકાવટ કર્યાનો ગુનો નોંધાયો છે. પ્રૌઢની કારમાંથી ધોકો મળી આવતા કબ્જે કરાયો છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ પી.એસ.આઇ. એમ.જે. રાઠોડ, પી.એસ.આઇ. બી.જે. કડછા, કોન્સ્ટેબલ કે.ડી. ઝાલા અને પી.એમ.ઝાલા સહિતના સ્ટાફ પોલીસ કંટ્રોલ રૂમ ખાતે ફરજ પર હતા ત્યારે આંબેડકરનગરમાં રહેતા ભૂપતભાઇ પીઠાભાઇ કંટારીયા તેની ૧૬ વર્ષની પુત્રી ચાર્મી સાથે પોલીસ કમિશનર કચેરી ખાતે બપોરે બે વાગે આવી પોતાને પોલીસ વિરૂધ્ધ રજુઆત હોવાનું કહ્યું હતું.
આથી મહિલા પીએસઆઇ બે.જે. કડછાએ જે કંઇ રજૂઆત હોય તે લેખિતમાં આપવાનું જણાવતા ભૂપતભાઇ કંટારીયા ઉશ્કારેયા હતા અને મોટા અવાજ સાથે ગોકીરો કરતા તેને સમજાવવા પી.એસ.આઇ. એમ.જે.રાઠોડ જતા તેમની સાથે પણ ઝઘડો કરી પોતાની સગીર પુત્રી ચાર્મીને મોબાઇલમાં વીડિયો રેકોર્ડીંગ કરવાનું જણાવ્યું હતું.
આથી ભૂપતભાઇ કંટારીયા સામે પોલીસની ગાડીમાં બેસાડી પ્ર.નગર લઇ જવા પ્રયાસ પોલીસ દ્વારા કરાયો ત્યારે તેને પોલીસની ગાડીમાં નહી પોતાની કારમાં પોલીસ મથકે આવશે તેમ કહેતા પોલીસ દ્વારા તેની કારની તલાસી લેતા ભૂપતભાઇ કંટારીયાની કારમાંથી ધોકો મળી આવ્યો હતો. પી.એસ.આઇ. એમ.જે.રાઠોડે ભૂપતભાઇ અને તેની સગીર પુત્રી સામે ફરજમાં રૂકાવટ અંગેનો ગુનો નોંધી પ્ર.નગર પોલીસે તપાસ હાથધરી છે.
ભૂપતભાઇ કંટારીયાએ એક સપ્તાહ પૂર્વે પણ ગોંડલ ચોકડી પાસે પોતાની કાર ઉપર ચડી ટ્રાફિક પોલીસ સાથે માથાકૂટ કરતા ફરજમાં રૂકાવટ કર્યા અંગેનો ગુનો નોંધાયો હતો. એક સપ્તાહ પૂર્વે નોંધાયેલા ગુના અંગે ભૂપતભાઇ કંટારીયા રજૂઆત કરવા આવ્યા ત્યારે ફરી માથાકૂટ કર્યાનું બહાર આવ્યું છે.