ઘર પાસે અપશબ્દ બોલવાના પ્રશ્ર્ને છરી મારી હત્યા કર્યાની કબુલાત
મૂળીના વાલ્મીકીવાસમાં બે દિવસ પહેલા ટ્રક ચાલક યુવાનની થયેલી હત્યાના ગુનામાં સંડોવાયેલા મૃતકના મીત્રની પોલીસે ધરપકડ કરી પૂછપરછ કરતા તેને ઘર પાસે અપશબ્દ બોલવાની ના કહેવા છતા જાહેરમાં અપશબ્દ બોલતો હોવાથી છરીના ઘા મારી હત્યા કર્યાની કબુલાત આપી છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ મૂળીના વાલ્મીકીવાસમાં રહેતો ટ્રક ચાલક ધર્મેન્દ્ર ઉર્ફે લાલો કિશનભાઈ વાઘેલાની પાડોશમાં જ રહેતા તેના મિત્ર લાલો પ્રેમજી ઝાલાએ છરીના ઘા મારી હત્યા કર્યાની નિવૃત સફાઈ કામદાર કિશનભાઈ વાઘેલાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.
હત્યા શા માટે કરી તે અંગે પોલીસને કોઈ કડી મળી ન હતી પોલીસે હત્યા કરી ભાગી છૂટેલો લાલો પ્રેમજી ઝાલા મૃતકનો મિત્ર હોવાથી તેને ગઈકાલે ઝડપી લીધો હતો.મૃતક ધર્મેન્દ્ર સોમવારે સાંજે પોતાના ઘરે જમીને પાડોશીના ખબર અંતર પૂછવા જવાનું કહીને નીકળ્યા બાદ લોહી લુહાણ હાલતમાં પરત આવ્યો હતો ત્યારે ઘટના સ્થળે ટોળુ એકઠુ થઈ ગયું હતુ ગંભીર રીતે ઘવાયેલા ધર્મેન્દ્ર ઉર્ફે લાલાએ પોતાના જોડીનાર લાલો પ્રેમજી ઝાલાએ છરી માર્યાનું પોતાના પિતા કિશનભાઈ વાઘેલાએ જણાવ્યું હતુ તે દરમિયાન તેનું મોત નિપજતા પોલીસે લાલો પ્રેમજી ઝાલાની સામે હત્યાનો ગુનો નોંધી ઝડપી લીધો હતો તેની પૂછપરછ દરમિયાન ધર્મેન્દ્ર વાઘેલા ઘર પાસે અપશબ્દ બોલતો હોવાથી તેને છરી મારી હત્યા કર્યાની કબુલાત આપી છે.
હત્યાના ગુનામાં લાલો પ્રેમજી ઝાલાની પોલિસે ધરપકડ કરી તેની પાસેથી મુદામાલની છરી કબ્જે કરી છે લાલા ઝાલાએ આપેલી કબુલાત પોલિસના ગળે ન ઉતરતા હત્યા પાછળ સાચુ કારણ શું છે તે બહાર લાવવા પોલીસે તેની પુછપરછ હાથ ધરી છે મૃતક અને આરોપી બંન્ને સાથે જ ટ્રક ચલાવતા હોવાથી અપશબ્દ બોલવા જેવી બાબતે હત્યા થાય તે બાબતને પોલિસ શંકાસ્પદ ગણાવી રહી છે.