અનેક રાજ્યોમાં ગંભીર ગુનાઓ આચરનારાઓને આર્થિક અને સામાજિક રીતે પણ તોડી પાડવામાં આવી રહ્યા છે. ગુનેગારોની મિલકતો ઉપર બુલડોઝર ફેરવી દેવામાં આવે છે. આમ માત્ર સજાથી ન ડરતા આરોપીઓ પણ આવી કડક કાર્યવાહીથી માપમાં રહે છે. ત્યારે ગુજરાતમાં પણ તંત્ર સંકલન રાખીને આ પ્રકારે કાર્યવાહી કરે તે સમયની માંગ છે.
હરિયાણાના મેવાત-નુહમાં 31મી જુલાઈએ બ્રિજ મંડળ શોભાયાત્રા કાઢવામાં આવી હતી. આ દરમિયાન યાત્રા પર પથ્થરમારો થયો હતો. થોડા જ સમયમાં તે બે સમુદાયો વચ્ચે હિંસામાં ફેરવાઈ ગયું હતું. અનેક કારને આગ ચાંપવામાં આવી હતી. સાયબર પોલીસ સ્ટેશન પર પણ હુમલો કરવામાં આવ્યો હતો. બદમાશોએ પોલીસકર્મીઓ પર પણ હુમલો કર્યો હતો. નૂહ બાદ સોહનામાં પણ પથ્થરમારો અને ગોળીબાર થયો હતો. વાહનોને આગ ચાંપવામાં આવી હતી. આ પછી હિંસાની આગ નૂહથી ફરીદાબાદ-ગુરુગ્રામ સુધી ફેલાઈ ગઈ હતી. નૂહ હિંસામાં બે હોમગાર્ડ સહિત 6 લોકોના મોત થયા છે.
હરિયાણાના મેવાત-નૂહમાં હિંસા બાદ હવે પોલીસે સફાળી જાગી છે અને ગેરકાયદેસર ઘૂસણખોરો વિરુદ્ધ મોટી કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ સાથે જ પોલીસે ગેરકાયદેસર કબજા અને ઘૂસણખોરો પર બુલડોઝર ચલાવ્યું છે. પ્રારંભિક તપાસમાં સામે આવ્યું આ લોકો હિંસામાં સામેલ હતા. સુત્રોમાંથી મળતી માહિતી અનુસાર કહેવામાં આવી રહ્યું છે કે આ રોહિંગ્યાઓએ હરિયાણા અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટીની જમીન પર ગેરકાયદે કબજો જમાવ્યો હતો. આ ઉપરાંત પ્રારંભિક તપાસમાં આ લોકો હિંસામાં સામેલ હોવાનું જણાયું હતું. આ સ્થિતિમાં પોલીસે સાંજે ગેરકાયદેસર કબ્જા પર બુલડોઝર ફેરવી દીધું હતું. બીજી તરફ તાજેતરમાં અમદાવાદમાં જે અકસ્માત સર્જાયો તેમાં નબીરા અને તેના પિતાની ધરપકડ કરવામાં આવી, બાદમાં સરકારે મૃતકોને સહાય પણ જાહેર કરી ત્યારે સોશિયલ મીડિયામાં નાગરિકોએ એવી બુલંદ માંગ પણ ઉઠાવી કે આરોપીઓની મિલકત વેચીને મૃતકોને સહાય ચુકવવામાં આવે.
હરિયાણામાં હિંસાના આરોપીઓ સામે પોલીસે કાર્યવાહી તેજ કરતા અત્યાર સુધીમાં 5 જિલ્લામાં 93 એફઆઈઆર નોંધી છે આ સાથે જ 176 લોકોની ધરપકડ કરવામાં આવી છે. એકલા નૂહમાં 46 એફઆઈઆર નોંધાઈ છે. સોમવારે નૂહમાં નિકળેલી શોભાયાત્રા પર પથ્થરમારો થયા બાદ જ બે સમુદાયો વચ્ચે હિંસા ફાટી નીકળી હતી. નૂહ સિવાય ફરીદાબાદમાં 3, ગુરુગ્રામમાં 23, પલવલમાં 18, રેવાડીમાં 3 એફઆઈઆર નોંધવામાં આવી છે. પોલીસે સોશિયલ મીડિયા પર સર્ક્યુલેટ થયેલા 2300 વીડિયોની ઓળખ કરી છે. પોલીસનું માનવું છે કે આ વીડિયોએ હિંસા ભડકાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.
પોલીસને અત્યાર સુધીની તપાસમાં જાણવા મળ્યું છે કે હિંસા પ્લાનિંગ હેઠળ કરવામા આવી હતી. પકડાયેલા મોટા ભાગના આરોપીઓની ઉંમર 19 થી 25 વર્ષની હોવાનું કહેવાય છે. ધરપકડ કરાયેલા આરોપીઓએ પૂછપરછ દરમિયાન ખુલાસો કર્યો છે કે તેઓ ભીડમાં સામેલ થઈને ગેરકાયદેસર હથિયારોથી ફાયરિંગ કરતા હતા. એટલું જ નહીં આરોપીઓએ જણાવ્યું કે તેઓ ભીડમાં જોડાયા અને હથિયારો, ઈંટો, પથ્થરો, લાકડીઓ અને લાકડીઓથી હુમલો કર્યો. હિંસા કર્યા બાદ આરોપીઓએ પોતાના હથિયાર, લાકડીઓ અને સળિયા છુપાવી દીધા હતા. આરોપીઓએ પૂછપરછ દરમિયાન પોલીસને જણાવ્યું કે હિંસા કર્યા બાદ ઘણા આરોપીઓ મેવાતની પહાડીઓમાં, રાજસ્થાનના જયપુર-ઉદયપુર, ઉત્તર પ્રદેશના મેરઠ-આગ્રા-અલીગઢમાં છુપાઈ ગયા હતા.