ગુજરાતમાં ડિજિટલ ઇન્ડિયા લેન્ડ રેકર્ડ્ઝ મોર્ડનાઇઝેશન હેઠળ ખેતીની જમીન રિસર્વે કરવાની કામગીરી સમગ્ર 33 જિલ્લામાં હાથ ધરાઇ હતી. આ રિસર્વે બાદ સૌરાષ્ટ્ર સહિત રાજ્યના મોટાભાગના વિસ્તારોમાંથી ખેડૂતોની ફરિયાદ ઊઠી હતી કે તેમના સર્વે નંબર બદલાયા છે અથવા તો ભળતા સર્વે નંબરોમાં જમીન દર્શાવાાઇ છે આવી હજારો વાંધા અરજી આવી હતી. આવી અરજીઓ કરવાની ડિસેમ્બર મુદતને મહેસૂલ વિભાગે 31 ડિસેમ્બર 2024 સુધી લંબાવવા માટેનું સત્તાવાર જાહેરનામુ બહાર પાડ્યું છે. આને પગલે ખેડૂતોને રિસર્વે અને પ્રમોલગેશનથી થનાર હેરાનગતિ અને વકીલની ફીના ખર્ચમાંથી મુક્તિ મળશે એવો સરકારે દાવો કર્યો છે.
રિસર્વે બાદ સૌરાષ્ટ્ર સહિત રાજ્યના મોટાભાગના વિસ્તારોમાંથી ખેડૂતોની ફરિયાદ ઊઠી હતી કે તેમના સર્વે નંબર બદલાયા છે
મહેસૂલ વિભાગે 1 જાન્યુઆરી, 2024ના રોજ જાહેર કરેલા જાહેરનામામાં જણાવ્યું છે કે, રિસર્વે બાદ ખાતેદાર ખેડૂતો દ્વારા રેકર્ડ ક્ષતિઓ સુધારવા માટે અરજીઓ કરાય છે. કાયદાકીય જોગવાઇ હેઠળ પ્રમોલગેશન પછી રેકોર્ડમાં ક્ષતિઓ સુધારવા માટે જમીન મહેસૂલ અધિનિયમની કલમ 203 હેઠળ અપીલ કરવાની રહે છે. આવી દાદ મેળવવામાં વિલંબ અને ખાતેદારોની હેરાનગતિ, વકીલની ફી, અન્ય ખર્ચ અને હાડમારી ભોગવવાનો પ્રશ્ન ઉપસ્થિત ન થાય તે માટે અપીલ અરજી કરવાને બદલે સુપ્રિટેન્ડન્ટ, લેન્ડ રેકોર્ડ્ઝને સાદી અરજીના આધારે નિકાલ કરવાની સત્તા આપવામાં આવી છે. આવી અરજીઓ કરવાની મુદત 2023 ડિસેમ્બરમાં પૂરી થતાં મહેસૂલ વિભાગે હજુ પણ કોઇ ખાતેદાર ખેડૂતને અરજી કરવાની બાકી હોય એમને તક આપવા માટે મુદતને વધુ એક વર્ષ માટે લંબાવવાનો નિર્ણય કર્યો છે.
જામનગર અને દેવભૂમિ દ્વારકા જીલ્લામાં પાયલટ પ્રોજેક્ટ તરીકે નવી માપણી કર્યા બાદ રિ-સર્વે પ્રમોલગેશનના ના-વાંધા નિકાલ માટે સરકારને અરજીઓ મળી હતી. આ અરજીઓ મુજબ ક્ષતિ સુધારણાની કામગીરી અગ્રતાના ધોરણે કરવા માટે રાજ્ય સરકાર દ્વારા નિર્ણય કરાયો હતો. એ વખતે સરકારે દાવો કર્યો હતો કે આ પાયલોટ પ્રોજેક્ટ પછી તબક્કાવાર રીતે સમગ્ર રાજ્યમાં તેનો અમલ કરાશે. જોકે, એક વર્ષ પછી પણ ફરિયાદના નિકાલની કોઇ વિગતો જાહેર કરવામાં આવી નથી.