પાંચમી વખત આઈપીએલના ‘સરતાજ’ મુંબઈ ઈન્ડિયન્સ ક્ષ રોહિત શર્મા, ઈશાન કિશન તથા ટ્રેન્ટ બોલ્ટ ઝળકયા
આઈપીએલની ૧૩મી સિઝનનું ફાઈનલ મેચ દુબઈ ખાતે મુંબઈ ઈન્ડિયન્સ અને દિલ્હી કેપીટલ્સ વચ્ચે રમાયો હતો. મુંબઈ ઈન્ડિયન્સે સતત છઠ્ઠી વખત ફાઈનલમાં પ્રવેશ મેળવી પાંચમી વાર આઈપીએલના સરતાજ તરીકે મુંબઈ ઈન્ડિયન્સનું નામ સ્થાપિત થયું છે. મેચની જીતમાં સુકાની રોહિત શર્મા, ઈશાન કિશન તથા ટ્રેન્ટ બોલ્ટ ઝળકયા હતા. આઈપીએલની ૧૩મી સિઝન શરૂઆતથી જ મુંબઈ પરફેકટ ઈલેવન તરીકે સામે આવી છે. દિલ્હી કેપીટલ્સે ફાઈનલમાં ટોસ જીતી પ્રથમ બેટીંગ કરવાનો નિર્ણય લીધો હતો. બેટીંગ કરવા ઉતરેલી દિલ્હી કેપીટલ્સના માર્કસ સ્ટોઈનીસ પ્રથમ બોલે જ ટ્રેન્ટ બોલ્ટનો શિકાર બન્યો હતો ત્યારે બીજી તરફ શિખર ધવન પણ નવોદિત ખેલાડી જયંત યાદવના બોલ પર કિલન બોલ્ટ થયો હતો. ફાઈનલમાં ધવન માત્ર ૧૫ રન જ બનાવી શકયો હતો જયારે અજીંકય રહાણે માત્ર બે રનનું જ યોગદાન આપ્યું હતું. સુકાની શ્રેયશ અય્યર નાબાદ રહી ૬૫ રનનું યોગદાન આપ્યું હતું અને ટીમના સ્કોરને ૧૫૦ રનથી પણ વધારે પહોંચાડવામાં મદદ કરી હતી. તેનો સાથ આપવા બેટીંગમાં ઉતરેલા રિષભ પંતે પણ ૫૬ રનનું યોગદાન આપ્યું હતું. વિસ્ફોટક બેટસમેન તરીકે પોતાની આગવી છાપ ઉભી કરનાર હેટમાયર માત્ર પાંચ રન જ બનાવી શકયો હતો.
મુંબઈ તરફથી બોલીંગ કરતા ટ્રેન્ટ બોલ્ટે સર્વાધિક ૩ વિકેટ ઝડપી હતી જયારે ફાઈનલમાં કુલ્ટર નાઈલને સમાવવામાં આવતા તેને પણ બે વિકેટ ઝડપી હતી જયારે નવોદિત જયંત યાદવે એક વિકેટ ઝડપી ટીમને ૧૫૬ રને જ સીમિત રાખ્યું હતું. ૧૫૭ રનનાં લક્ષ્યાંકને પહોંચી વળવા અને આઈપીએલ-૧૩ની સીઝનનો ખિતાબ જીતવા માટે રોહિત શર્મા અને વિકેટ કિપર ડિ કોકે બેટીંગ કરવા ઉતર્યા હતા જેમાં ડિ કોક માત્ર ૨૦ રન બનાવી સ્ટોઈનીસની ઓવરમાં આઉટ થયો હતો તો બીજી તરફ સુકાની રોહિતે ૬૮ રનનું યોગદાન આપ્યું હતું. સુર્યકુમાર યાદવ ૧૯ રન, ઈશાન કિશન ૩૩ રન, કેરન પોર્લાડ ૯ રન, હાર્દિક પંડયા ૩ રન અને કૃણાલ પંડયા ૧ રન બનાવી નાબાદ રહ્યો હતો અને મુંબઈ ઈન્ડિયન્સને પાંચમી વખત આઈપીએલનો ખિતાબ જીતવામાં મદદરૂપ સાબિત થયું હતું. દિલ્હી તરફથી બોલીંગ કરતા એન્ડ્રીચ નોર્ટજે ૨ વિકેટ, સ્ટોઈનીસ ૧ વિકેટ અને રબાડાએ ૧ વિકેટ ઝડપી હતી. મેચની શરૂઆતમાં જ દિલ્હી કેપીટલ્સની બે વિકેટ ઝડપભેર પડતા ટીમને જે સ્થિરતાની જરૂરીયાત હોય તેને આપવામાં અન્ય ખેલાડીઓ નિષ્ફળ નિવડયા હતા. બીજી તરફ દિલ્હી કેપીટલ્સ પર શરૂઆતથી જ માનસિક તણાવ જોવા મળ્યો હતો જયારે લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી મુંબઈની પરફેકટ ઈલેવન જાણે રમતા રમતા જ લક્ષ્યાંકને સિઘ્ધ કરી આઈપીએલનો ખિતાબ ફરીથી પોતાના નામે કર્યો છે.
આઈપીએલની શરૂઆતથી જ મુંબઈ ઈન્ડિયનની ટીમ ખિતાબ જીતવા માટે હોટ ફેવરીટ માનવામાં આવતી હતી ત્યારે આ ૧૩મી સિઝનમાં ટીમોમાં ઘણા ઉતાર-ચઢાવ પણ જોવા મળ્યા હતા. બેંગલોર હોય કે પછી ચેન્નઈ સુપર કિંગ્સ. ચેન્નઈની ટીમ પણ કવોલીફાઈડ થઈ શકી ન હતી જેમાં પંજાબની હાલત પણ અત્યંત કફોડી જોવા મળી હતી પરંતુ શરૂઆતથી જે રીતે મુંબઈ ઈન્ડિયન્સે પોતાનું આધિપત્ય સ્થાપિત કરી આઈપીએલમાં એક તરફી રમત રમી વિરોધી ટીમોને ઘુંટણીયે પાડવામાં અત્યંત મદદરૂપ પણ સાબિત થયું હતું. પોઈન્ટ ટેબલ પર જો વાત કરવામાં આવે તો લીગ મેચના ૧૪ મેચોમાંથી માત્ર ૫ મેચમાં જ મુંબઈ ઈન્ડિયન્સ પરાસ્ત થયું છે જયારે બાકી રહેતા ૯ મેચ સરળતાથી અને સહજતાથી મુંબઈ ઈન્ડિયન્સે મેચ જીતી કવોલીફાઈ થનારી પ્રથમ ટીમ પણ બની હતી.