અમદાવાદ અને ગાંધીનગરનું તાપમાન 42 ડિગ્રી: સૌરાષ્ટ્રમાં સુરેન્દ્રનગર 41.7 ડિગ્રી સાથે સૌથી ગરમ શહેર
ચોમાસાની સિઝન પૂર્વે પ્રિ-મોનસુન એક્ટિવીટી દરમિયાન જે પ્રકારનું વાતાવરણ જોવા મળતું હોય છે. તેવા વાતાવરણનો અનુભવ હાલ શહેરીજનો કરી રહ્યા છે. સવારના સમયે આકાશમાં આછેરા વાદળો છવાય છે. વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધી જવાના કારણે પરસેવે રેબઝેબ કરી દેતા અસહ્ય ઉકળાટનો અહેસાસ લોકો કરી રહ્યા છે. બફારા અને આકરી ગરમીના કારણે લોકો રિતસર અકળાય ઉઠ્યા છે. હજી આવા વાતાવરણમાંથી એકાદ સપ્તાહ સુધી મુક્તિ મળે તેવી કોઇ જ સંભાવના જણાતી નથી. રાજ્યમાં આગામી પાંચેક દિવસ ગરમીનું જોર પણ યથાવત રહેશે. હાલ જે તાપમાન નોંધાઇ રહ્યું છે. તેમા મોટો ફેરફાર થવાની સંભાવના ખૂબ જ ઓછી છે. લોકો આખો દિવસ બફારામાં પરસેવે નિતરી રહ્યા છે.
સોમવારે રાજ્યભરમાં ગરમીના જોરમાં સામાન્ય ઘટાડો નોંધાયો હતો. અમદાવાદ 42.1 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર રહ્યું હતું. જ્યારે પાટનગર ગાંધીનગરનું તાપમાન 42 ડિગ્રી સેલ્શીયસ નોંધાયુ હતુ. સૌરાષ્ટ્રમાં સુરેન્દ્રનગર 41.7 ડિગ્રી સાથે સૌથી ગરમ શહેર રહ્યું હતું. આ ઉપરાંત અમરેલીનું તાપમાન 41 ડિગ્રી, ભાવનગરનું તાપમાન 39.6 ડિગ્રી સેલ્શીયસ, રાજકોટનું તાપમાન 40.9 ડિગ્રી, મહુવાનું તાપમાન 36.4 ડિગ્રી, કેશોદનું તાપમાન 36.2 ડિગ્રી, દ્વારકાનું તાપમાન 32 ડિગ્રી, ઓખાનું તાપમાન 34.6 ડિગ્રી, વેરાવળનું તાપમાન 34 ડિગ્રી, દિવનું તાપમાન 41 ડિગ્રી, ડિસાનું તાપમાન 40.7 ડિગ્રી, વલ્લભ વિદ્યાનગરનું તાપમાન 41.7 ડિગ્રી, વડોદરાનું તાપમાન 41.6 ડિગ્રી, સુરતનું તાપમાન 35.6 ડિગ્રી, વલસાડનું તાપમાન 35 ડિગ્રી, દમણનું તાપમાન 34 ડિગ્રી, ભૂજનું તાપમાન 37.1 ડિગ્રી, નલીયાનું તાપમાન 35 ડિગ્રી અને કંડલા એરપોર્ટ પરનું તાપમાન 38.5 ડિગ્રી સેલ્શીયસ નોંધાયુ હતું. રાજકોટમાં સવારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ 73 ટકા નોંધાયું હતું. એક તરફ વાતાવરણમાં વધુ ભેજ છે. બીજી તરફ તાપમાનનો પારો પણ ઉંચો રહેવાના કારણે આખો દિવસ બફારાનો અનુભવ થાય છે. રાત્રિના સમયે થોડી ઠંડક થઇ જાય છે. પરંતુ બફારો યથાવત રહે છે. સવારે 11 થી સાંજના 6 વાગ્યા સુધી આકરી ગરમીનો અહેસાસ થાય છે.
કયાં કેટલું તાપમાન , અમદાવાદ – 42.1 ડિગ્રી , ગાંધીનગર – 42 ડિગ્રી , વલ્લભ વિદ્યાનગર – 41.7 ડિગ્રી , સુરેન્દ્રનગર – 41.7 ડિગ્રી , અમરેલી – 41 ડિગ્રી , રાજકોટ – 40.9 ડિગ્રી , ડિસા – 40.7 ડિગ્રી , વડોદરા – 41.6 ડિગ્રી , ભાવનગર – 39.6 ડિગ્રી , કંડલા – 38.5 ડિગ્રી