વોર્ડ-૧૨
પાણીની વર્ષો જૂની સમસ્યા ક્યારે પૂર્ણ થશે તેનો જવાબ માંગતી પ્રજા
કોંગી નગરસેવકોને પ્રજાના કાર્યોમાં નહીં જમીન કૌભાંડમાં રસ : ભાજપ
રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણી નજીક આવી રહી છે વોર્ડ નંબર ૧ થી ૧૮ માં ભાજપ કોંગ્રેસ સહિત આમ આદમી પાર્ટી પણ પોતાના ઉમેડવારોને જીતાડવા એડી ચોંટી નું જોર લગાવી રહ્યા છે. ભારતીય જનતા પાર્ટી ની સામે કોંગ્રેસ પક્ષ મજબૂત ઉમેદવારો ઉતારવા માઈક્રો પ્લાન તૈયાર કરી રહી છે ત્યારે ભારતીય જનતા પાર્ટી દ્વારા પણ દરેક વોર્ડમાં દરેક સોસાયટી દીઠ મતદાર યાદી તૈયાર કરી જીત હાસિલ કરવા પ્લાનિંગ ચાલી રહ્યું છે.ગત ચૂંટણીમાં વિકાસ ગાંડો થયા ના નારા સાથે કોંગ્રેસીઓએ પ્રચાર કર્યો હતો .પરંતુ લોકોએ ભાજપ પર પોતાનો ભરોસો અકબંધ રાખ્યો હતો. આવનારી મહાનગરપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસ તમામ વોર્ડમાં મતદારોને આકર્ષવા સજ્જ બની છે ત્યારે શહેરીજનો પણ પોતાના વોર્ડમાં છેલ્લા ૫ વર્ષ દરમ્યાન થયેલા કામો જોઈને જ મત આપવાનું વિચારી રહ્યા છે. શહેરીજનોની ભાવિ નગરસેવકો પાસે અનેક આશાઓ છે ત્યારે જોવુએ રહ્યું કે આવનારી મહાનગર પાલિકા ચૂંટણીમાં બાજી કોણ મારશે?
ભાજપ શાસનમાં કોંગી નગરસેવકનું ઉણું ઉતરવું તે ભાજપ માટે ઉજળી તક
રાજકોટ મહાનગરપાલિકાની ચુંટણીમાં આ વખતે ભારતીય જનતા પક્ષની સામે કોંગ્રેસ તેમજ આમ આદમી પાર્ટીના નેતાઓ, કાર્યકરોએ એડીચોટીનું જોર લગાવવાની તૈયારી કરી દીધી છે. વિકાસ કામો લોકો સમક્ષ લઈ જવામાં ભાજપ પણ જરાય ઉણું ઉતર્યું નથી. છેલ્લા પાંચ વર્ષ દરમ્યાન રાજકોટમાં જે વિકાસ કામો થયા છે તે અંગે ભાજપ કોંગ્રેસના આગેવાનો તેમજ સામાન્ય લોકોનું શું માનવું છે તે જાણવાનો પ્રયાસ ‘અબતક’ની ટીમ દ્વારા થયો હતો.
લોકોને નેગેટિવિટીના ચશ્મા “વિકાસ માટે પડકાર
નગર સેવકો વીઆઈપી કલ્ચરમાં, પ્રજા સંપર્ક વિહોણી
જેમાં ભારતીય જનતા પક્ષ તથા કોંગ્રેસના આગેવાનોએ વિકાસ કાર્યો અંગે પોતાના મત વ્યકત કર્યા હતા. બીજી તરફ સામાન્ય લોકોએ પણ ચાલુ વર્ષે ચુંટણીમાં વિકાસ કાર્યોની વાસ્તવિક અંગે સમજી પારખી ને જ પોતાનો અમૂલ્ય મત આપવાનો નિર્ધાર કર્યો હોવાનું જાણવા મળ્યું હતું.
શહેરના વિકાસ માટે રાજ્ય સરકાર સંકલ્પબદ્ધ છે. આગામી પાંચ વર્ષમાં રાજકોટ વિકાસની હરણફાળ ભરશે તેવી રાજકોટવાસીઓને અપેક્ષા છે. આવી સ્થિતિમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં વિકાસનો પ્રશ્ન સ્માર્ટ બની જશે. ઘણો વિકાસ થયો છે, છત્તા શહેર સ્માર્ટ વિકાસને જંખે છે. નગરસેવકો કર્મનિષ્ઠા ઉપર સઘળો આધાર છે. પ્રજા પણ એવા નગરસેવકને ઈચ્છે છે જેને પાયાના પ્રશ્નો ઉકેલવામાં રસ હોય, આગામી પાંચ વર્ષ વિકાસની પરિભાષા સામાન્ય લોકો નક્કી કરશે. ભારતીય જનતા પાર્ટી, કોંગ્રેસ અથવા તો અન્ય ગમે તે પક્ષને આ પરિભાષાને માન્ય રાખી તેના મુજબ કામ કરવું પડશે.
પ્રજાનો એક નારો વિકાસ એટલે રોડ-રસ્તા, પાણી અને સફાઈ
છેવાડાનો વિસ્તાર અને છેવાડાના લોકો વિકાસ ઝંખે છે
વોર્ડ નંબર ૧૨ની વર્ષ ૨૦૧૧ની મત ગણતરી અનુસાર ૭૪,૧૧૯ની વસ્તી ધરાવનાર આ વોર્ડમાં અંતિમ મતદાર યાદી મુજબ ૫૬,૯૪૧ મતદારો આ વોર્ડમાં છે. વોર્ડનું સમીકરણ એવું છે કે, મોટાભાગે આ વિસ્તારમાં પાટીદારોના મતનું પ્રભુત્વ છે. વર્ષ ૨૦૧૫ની મનપાની ચુંટણીમાં ભાજપના ચારેય ઉમેદવારોની આ વિસ્તારમાંમાઠી સર્જાઈ હતી અને કોંગ્રેસના ચારેય ઉમેદવારો વિજયી બન્યા હતા. ત્યારે વોર્ડ નંબર ૧૨ના ભાજપના નેતાઓએ કહ્યું હતું કે, છેલ્લા પાંચ વર્ષમાં કોંગ્રેસના નગરસેવકો સક્રિય જ થયા નથી. તેમાં પણ એક તો એવા મહિલા કોર્પોરેટર તો એવા છે કે, પાંચ વર્ષમાં તેઓ વિસ્તારમાં દેખાયા જ નથી. પ્રજાના કાર્યો કરવામાં કોંગ્રેસે અરુચિ બતાવી છે. કોંગ્રેસે વોર્ડની મુખ્ય સમસ્યાઓ પૈકી પાણીની સમસ્યા પણ દૂર કરી શકી નથી. લોકો પાણીની સમસ્યાથી ત્રાહિમામ પોકારી ચુક્યા છે પણ કોંગ્રેસના નગરસેવકો જાણે જોવા તૈયાર જ ન હોય તે રીતે બસ તેમના કાર્યાલાય ખાતે બેઠા રહે છે. નગરસેવકો પ્રજાના કાર્યો નથી કરતા એટલે કોંગી કાર્યકરો પણ કોઈ જાતની રુચિ બતાવતા નથી. તેની સામે ભાજપના કાર્યકરો ભલે સતામાં ન હોય તેમ છતાં મેયર, સ્ટેન્ડિંગ ચેરમેન, ધારાસભ્યની ગ્રાંટમાંથી અહીં લોકોની નાની મોટી સમસ્યાઓનું નિરાકરણ લાવે છે. આ વિસ્તારમાં વરસાદી પાણીના નિકાલ માટે કોઈ સુચારુ વ્યવસ્થા જ હાલ સુધી કરવામાં આવી નથી તે પણ મુખ્ય સમસ્યાઓ પૈકી એક છે. કોંગ્રેસના આક્ષેપો અંગે ભાજપના નેતાઓએ કહ્યું હતું કે, જો કોંગ્રેસના નગરસેવકો એવું કહેતા હોય કે, ભાજપ મનપામાં સતામાં છે જેથી કોંગી નગરસેવકોની રજૂઆતો ધ્યાને લેવામાં આવતી નથી તો તે વાત તદ્દન ખોટી છે કારણ કે, અગાઉ જ્યારે સતામાં કોંગ્રેસ હતી પરંતુ વોર્ડ નંબર ૧૨ ખાતે ભાજપની પેનલ હતી ત્યારે પણ ભાજપે પ્રજાલક્ષી કાર્યો કર્યા જ છે. ભાજપના નેતાઓએ કહ્યું હતું કે, કોંગી નગરસેવકોને પ્રજાના કામમાં નહીં પરંતુ ફક્ત જમીન કૌભાંડ કરવામાં જ રસ છે જેથી પ્રજાની હાલત નબળી બનતી જાય છે. ભાજપે કહ્યું હતું કે, જો આગામી પાંચ વર્ષમાં ભાજપની પેનલ ચૂંટાય તો રોડ-રસ્તા, પાણી અને સફાઈની તમામ સમસ્યાઓનું અમે નિરાકરણ લાવીશું.
પાણીદાર રાજકોટની પ્રજા ફક્ત પાણીની સમસ્યાથી પિડાય છે
વોર્ડ નંબર ૧૨ની પ્રજાએ અબતક સાથે વાત કરતા એક મુખ્ય ફરિયાદ કરી હતી કે, અમને સૌથી વધુ પાણીની સમસ્યા પીડાવી રહી છે. પાણી અમને દરરોજ મળે તો છે પણ તે માત્ર શોભાના ગાંઠિયા સમાન છે. ૨૦ મિનિટ માટે મળતુ પાણી પણ એકદમ ધીમા ફોર્સથી આપવામાં આવે છે જેથી પાણીની સમસ્યાનો સામનો ખૂબ જ કરવો પડતો હોય છે. તેમાં પણ ખાસ મહિલાઓએ પાણી બાબતે રોષ ઠાલવ્યો હતો. તે ઉપરાંત મહિલાઓએ ટીપર વાન અંગે પણ કૃતિયાદ કરતા કહ્યું હતું કે, ટીપર વાનની અનિશ્ચિતતા ખૂબ વધુ છે. જ્યારે નેતાઓ સ્માર્ટસીટી અને સ્વચ્છતા અભિયાનની વાતો કરે છે ત્યારે કચરો એકત્ર કરવા આવતી ગાડીની જ અનિશ્ચિતતા છે. ક્યારેક ટીપર વાન આવે છે તો ક્યારેક આવતી જ નથી. તેમાં પણ ટીપર વાનનો સમય પણ નિર્ધારિત નથી. ક્યારેક વહેલી સવારમાં જ ટીપર વાન આવી જાય છે તો ક્યારેક ભરબપોરે આવીને જતી રહે છે જેથી કચરાનો યોગ્ય નિકાલ થઈ શકતો નથી. વોર્ડમાં અન્ય લોકોએ કહ્યું હતું કે, છેલ્લા પાંચ વર્ષમાં અમને પાકા રોડ રસ્તાની સવલત મળી છે. ઠેર ઠેર નગરસેવકોએ ડામર રોડની સુવિધા આપી છે. લોકોએ કહ્યું હતું કે, નગરસેવકો વિસ્તારમાં પણ આવે છે અને એક ફોન પર જવાબ પણ આપે છે જેથી અમારી રજુઆતનો નિકાલ જો તેમના સ્તરથી થતો હોય તો નગરસેવકો કરી દેતા હોય છે. અમને નગરસેવકો પ્રત્યે કોઈ જાતનો અસંતોષ નથી. સંજય અજુડિયા અને વિજયભાઈ વાંક અવાર નવાર વોર્ડની મુલાકાત પણ લેતા હોય છે અને અમારી જરૂરિયાતનો ખ્યાલ પણ રાખતા હોય છે. આવકના દાખલા હોય કે અડધી રાતે મરણના દાખલાની જરૂરિયાત હોય ત્યારે નગરસેવકો અમારી સાથે ઉભા રહેતા હોય છે.
લોકોની સુખાકારી માટે બનાવાયેલો પાણીના ટાંકો ઉદ્ઘાટનની રાહ જુએ છે : કોંગ્રેસ
વોર્ડ નંબર ૧૨ના કોંગી નગરસેવકોએ કહ્યું હતું કે, જ્યારથી વોર્ડમાં કોંગ્રેસની પેનલ ચૂંટાઈને આવી ત્યારે સૌ પ્રથમ વોર્ડમાં મેટલિંગ કામ હાથ ધરવામાં આવ્યું હતું. હાલ તો તમામ વિસ્તારમાં પેવિંગ બ્લોકના કામ પણ પૂર્ણ કરી લેવામાં આવ્યા છે પણ વિકાસશીલ વિસ્તાર હોવાથી અહીં મેટલિંગ અને પેવિંગના કાર્યો સતત ચાલુ રાખવા પડતા હોય છે. હાલ તમામ વિસ્તારોમાં પાકા રોડ રસ્તા પણ બની ચુક્યા છે. છેલ્લા પાંચ વર્ષમાં અમારા વોર્ડની મુખ્ય સમસ્યાઓ જેવી કે, પાણી, રોડ-રસ્તા અને સફાઈ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. આ વોર્ડમાં પાણીની ખૂબ મોટી સમસ્યા છે. ફક્ત એક જ પાણીનો ટાંકો હોવાથી ધીમા ફોર્સથી આવતા પાણીથી લોકો પીડાતા હોય હાલ નવો સંપ બનીને તૈયાર થઈ ચુક્યો છે પણ આ સત્તાધારી પક્ષ ભાજપ હજુ ઉદ્ઘાટનના વાંકે પ્રજાને પીડાવી રહ્યા છે. કોંગી નગરસેવકોએ કહ્યું હતું કે, છેલ્લા પંદર વર્ષથી આ વોર્ડમાં કોંગ્રેસની પેનલ ચૂંટાતી આવી છે. અગાઉ ૭૫ હજાર (અનુ. બારમા પાને)
લોકોને પાણીની સવલત આપવા પુનિતનગરના ટાંકાનું નિર્માણ થયું હતું પરંતુ હાલ ૬.૫ લાખ લોકો તેની પર નિર્ભર છે જેથી સમસ્યા તો સર્જાવાની છે. કોંગી નગરસેવકોએ તેમની ૫૨ કરોડની ગ્રાંટમાંથી કાંગશિયાળીની સીમમાં નવો સંપ તૈયાર કરી લીધો છે પણ સતાધારી પક્ષને ઉદ્ઘાટનની તારીખ નથી મળી રહી અને ભોગ પ્રજાનો લેવાઈ રહ્યો છે. તેમણે કહ્યું હતું કે, આ વિસ્તાર ખૂબ વિકાસશીલ વિસ્તાર છે તેમ છતાં ટી.પી. સ્કીમો અહીં ફાઇનલ થતી નથી. અમારા વોર્ડમાં ક્યાંય સીધો માર્ગ નથી તો તેની જવાબદાર ચોક્કસ રાજ્ય સરકાર છે. કોંગી નગરસેવકો આગામી પાંચ વર્ષના વિઝન અંગે કહ્યું હતું કે, જો ફરીવાર કોંગ્રેસની ઓવનલ ચૂંટાય તો અમે સ્માર્ટસીટીના બણગાં વચ્ચે ખરા અર્થમાં સ્માર્ટસીટી જેવી સુવિધાઓ આપીશું. હાલ જે રીતે પ્રજાને ફક્ત ૨૦ મિનિટ અને તે પણ ધીમા ફોર્સથી પાણી મળે છે તેને દૂર કરીને લોકોને દરરોજ એક કલાક સુધી પાણી મળી રહે તેવા પ્રયત્નો કરીશું.