૧૦ દિવસથી પાણીનું ટીપું પણ મળ્યુ નથી : પાણી પ્રશ્ન વહેલી તકે નહિ ઉકેલાયતો ઉગ્ર આંદોલનની ચીમકી

મોરબીના રફાળેશ્વર ગામે પાણી પ્રશ્ન વિકરાળ બન્યો છે. છેલ્લા ૧૦ દિવસથી પાણી ન મળતા ગ્રામજનો આજે કલેક્ટર કચેરીએ દોડી આવ્યા હતાં. એક કલાક સુધી કલેકટર કચેરીનો ઘેરાવ કર્યા બાદ કલેક્ટરે યોગ્ય કરવાની ખાત્રી આપી હતી. જો કે ગ્રામજનોએ પણ આ પ્રશ્નનો તાત્કાલિક નિકાલ નહિ થાય તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી આપી હતી.

મોરબીના રફાળેશ્વર ગામે રહેતા ખોડા જગાભાઈ પાંચિયા સહિતનું ટોળું આજે પાણી પ્રશ્ને રજૂઆત કરવા જિલ્લા કલેક્ટર કચેરીએ ધસી આવ્યું હતું. ગ્રામજનોએ ૧ કલાક સુધી કલેક્ટર કચેરીનો ઘેરાવ કરીને પાણી પ્રશ્ને ભોગવવી પડતી હાલાકી વર્ણવી હતી. ગ્રામજનોએ જણાવ્યું હતું કે રફાળેશ્વર અને જાબુંડીયા સયુંકત ગ્રામપંચાયત છે. ત્યારે જાબુંડીયા ગ્રામ પંચાયત રફાળેશ્વર ગામના પાણી પ્રશ્ને ભારે બેદરકારી દાખવતી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો.

વધુમાં ગ્રામજનોએ જણાવ્યું કે રફાળેશ્વર ગામમાં છેલ્લા ઘણા સમયથી પાણીના ધાંધિયા છે. છેલ્લા ૧૦દિવસથી પાણીનું એક ટીપું પણ વિતરણ કરવામાં આવ્યું નથી. પાણી પૂતવઠા તંત્ર ગામમાં પાણીના ટેન્કર મોકલતા હોવાની વાત તદ્દન ખોટી છે.

ગામમાં પાણીના ટેન્કર આવતા જ નથી. જેથી ગ્રામજનોએ બોરના પાણીનો ઉપયોગ કરવાની ફરજ પડે છે. જે પાણી પીવાલાયક હોતું નથી. આ મુદ્દે કલેક્ટરે યોગ્ય કરવાની ખાત્રી આપી હતી. જો કે ગ્રામજનોએ સામે પ્રશ્નનું નિરાકરણ નહિ થાય તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.