નર્મદા ડેમનો વિરોધ કરનારો કોંગ્રેસના નેતાના મોઢે ખેડૂત હિતની વાતો શોભતી નથી
કોંગ્રેસના નેતાઓના નિવેદનો સામે તીવ્ર પ્રતિક્રિયા આપતા ભાજપાના પ્રદેશ પ્રવક્તા ભરત પંડ્યાએ જણાવ્યુ હતુ કે, કોંગ્રેસ હજુ ૨૦૧૭ અને ૨૦૧૯ની હારની હતાશામાં જ બોલે છે અને નિરાશામાં કાર્યક્રમો કરે છે. કોંગ્રેસના બધા જ જુઠ્ઠાં આક્ષેપો દેશની જનતાએ ક્યારેય સ્વીકાર્યા નથી એટલે જ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં ભાજપાને ૨૦૧૯માં ભવ્ય બહુમતી સાથે જનતાએ જનસમર્થન અને જનમત આપ્યા હતા. ત્યારે કોઇ બોધપાઠ લેવાના બદલે કોંગ્રેસ એકની એક કેસેટ વગાડીને ૧૦૦ વાર જુઠ્ઠું બોલીને સાચુ કરવાનો નિરર્થક પ્રયાસ કરી રહી છે.
કેન્દ્ર અને રાજ્ય સરકારે ખેડુતોના હિતમાં સંખ્યાબંધ નિર્ણયો લીધા છે. ખેડુતો પાસે પાકવીમો હોય કે પાકવીમો ન હોય વાવાઝોડા અને અતિવૃષ્ટિની વિપરિત પરિસ્થિતિઓમાં તમામ ખેડુતોની સહાય કરવાની જાહેરાત કરી છે. ટેકાના ભાવે મકાઇ, મગફળી, ડાંગર, બાજરી, અડદ, મગની ખરીદી કરવાના ખેડુતહિતના નિર્ણયો કર્યા છે. ખેડુતવીમો, પાકવીમો, ખેડુતો માટે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિના રૂપિયા ૬૦૦૦ રૂપિયા સીધા તેમના ખાતામાં જમા થાય અને ટેકાના ભાવે ખરીદીની વાત કે આવા ખેડુતહિતના નિર્ણયો ક્યારેય કોંગ્રેસે તેના શાસનકાળ દરમ્યાન લીધા નથી. એટલે કોંગ્રેસે ખેડુતોને ઉશ્કેરવાનો પ્રયાસ બંધ કરે.પંડ્યાએ વધુમાં જણાવ્યુ હતુ કે, કોંગ્રેસે આ અગાઉ પણ ગુજરાતમાં જાતિવાદ, કોમવાદ ફેલાવીને જનતાને ઉશ્કેરવાના પ્રયાસો કર્યા હતા પરંતુ, ગુજરાતની જનતાએ તેને નિષ્ફળ બનાવ્યા હતા. હવે કોંગ્રેસે પોતાના શાળનકાળમાં ખેડુતોના હિતમાં કાંઇ જ કર્યુ નથી. એટલુ જ નહી પરંતુ ખેડુતહિત, ગુજરાત હિત ધરાવતી નર્મદા યોજનાને પણ અટકાવવાનું પાપ કર્યુ હતુ તેવી કોંગ્રેસ અને નર્મદા વિરોધી કોંગ્રેસના નેતા રાજીવ સાતવ સહિતના નેતાઓ હવે કયા મોઢે ખેડુતહિતની વાતો કરે છે. ગુજરાતની જનતા કોંગ્રેસના મગરના આંસુ જોઇ રહી છે. કોંગ્રેસના નકારાત્મક અને ઉશ્કેરાટવાળા કોઇપણ પ્રયાસો સફળ થવાના નથી. જો કોંગ્રેસે ખરેખર ગુજરાતનું ભલુ કરવુ હોય તો આવા નકારાત્મક કાર્યક્રમો બંધ કરીને જનતાની સેવાના કાર્યક્રમો કરવા જોઇએ.
કેન્દ્ર સરકાર સમય-સમય પર કોઇને કોઇ પેકેજ આપીને જે તે સેકટરને મજબૂત કરવાનો સતત પ્રયાસ કરે છે તે દેશની જનતા જોઇ રહી છે. આર.બી.આઇ. દ્વારા ૧,૭૬,૦૦૦ પેકેજ હોય કે પછી હમણા જ રીયલ એસ્ટેટમાં ૨૫૦૦૦ કરોડનું પેકેજ હોય. કેન્દ્ર સરકાર પ્રમાણિક રીતે અર્થતંત્રને મજબૂત બનાવવા અને રોજગારી માટે સંખ્યાબંધ નિર્ણયો લઇ રહી છે ત્યારે કોંગ્રેસ પ્રજાહિતના નિર્ણયોનો વિરોધ કરીને ટીકા કરે તે પ્રજાવિરોધી વલણ કહેવાય.