રૂ.136 કરોડના અટલ તળાવ પ્રોજેક્ટનું કામ જૂનમાં પૂર્ણ
રોબસ્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું કામ મે માસના અંત સુધીમાં પૂર્ણ થઇ જાય તેવી સંભાવના: 930 એકરમાં ફેલાયેલું સ્માર્ટ સિટી રાજકોટની રોનક વધારશે
કેન્દ્ર સરકાર દ્વારા દેશના 100 શહેરોને સ્માર્ટ સિટી તરીકે વિકસાવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તેમાં રાજકોટ શહેરનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. છેલ્લા ઘણા વર્ષોથી શહેરના રૈયા વિસ્તારમાં સ્માર્ટ સિટીનું કામ યુદ્વના ધોરણે ચાલી રહ્યું છે. જે હવે પૂર્ણતાના આરે છે. સ્માર્ટ સિટીના અદ્ભૂત નજરાણાં એવા અટલ લેકનું કામ 75 ટકા જેટલું પૂર્ણ થઇ ગયું છે. આગામી જૂન માસના અંતમાં રાજકોટવાસીઓ માટે અટલ સરોવર ખૂલ્લુ મૂકી દેવામાં આવશે. જ્યારે રોબર્સ્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું 82 ટકા કામ પૂર્ણ થઇ ગયું છે. જે પ્રોજેક્ટ મે માસના અંતમાં પૂર્ણ થઇ જાય તેવી સંભાવના જણાઇ રહી છે.
આ અંગે વધુ માહિતી આપતા કોર્પોરેશનના સિટી એન્જીનીંયર વાય.કે. ગોસ્વામીએ જણાવ્યું હતું કે શહેરના રૈયા વિસ્તારમાં 930 એકર વિસ્તારમાં સ્માર્ટ સિટીનું કામ ચાલી રહ્યું છે. જેમાં અલગ-અલગ બે મુખ્ય પ્રોજેક્ટ પર હાલ યુદ્વના ધોરણે કામ થઇ રહ્યું છે. 136 કરોડના ખર્ચે અટલ સરોવરનું કામ ચાલી રહ્યું છે. આ પ્રોજેક્ટનો કોન્ટ્રાક્ટ ક્યૂબ ક્ધસ્ટ્રક્શનને આપવામાં આવ્યો છે. આજ સુધીમાં 75 ટકા કામ પૂર્ણ થઇ ગયું છે. જે જૂન માસના અંતમાં સંપૂર્ણ આટોપી લેવામાં આવશે અને જુલાઇ માસમાં રાજકોટવાસીઓને હરવા-ફરવા માટે એક નવલું નજરાણું પ્રાપ્ત થશે. અટલ સરોવર પ્રોજેક્ટ અંતર્ગત પાંચ ગાર્ડનનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે.
જેમાં બોટોનીકલ ગાર્ડન, સિનિયર સિટીઝન પાર્ક, એક્વા ગાર્ડન અને ચિલ્ડ્રન પ્લે એરિયા સહિતનો સમાવેશ થાય છે. બે એમપી થિયેટર, ચકડોળ, ટોય ટ્રેન, મ્યુઝિકલ ફાઉન્ટેન, જોગીંગ અને સાયકલ ટ્રેક જેવી સુવિધાઓ હશે. સમગ્ર સ્માર્ટ સિટી એરિયાના 930 એકર જમીનમાં વરસાદનું પાણી અટલ સરોવરમાં આવે તે રીતની કામગીરી કરવામાં આવી છે. ઉનાળામાં જ્યારે પાણી ઘટી જાય ત્યારે રિસાયકલ થતું 8 એમએલડી પાણી પણ અટલ સરોવર ઠાલવવામાં આવશે. સ્માર્ટ સિટીમાં કુલ ત્રણ તળાવ આવેલા છે. સ્માર્ટ સિટીના અન્ય એક એવા રૂ.505 કરોડના પ્રોજેક્ટનો કોન્ટ્રાક્ટ એલ.એન્ડ ટી. કંપનીને આપવામાં આવ્યો છે.
હાલ આ પ્રોજેક્ટ અંતર્ગત 82 ટકા જેટલી કામગીરી પૂર્ણ થઇ ગઇ છે. જેમાં પીવાના પાણીની પાઇપલાઇન, રિસાયકલ વોટર માટેની પાઇપલાઇન, પાવર ડર્ક, ફૂટપાથ, સાયકલ ટ્રેક, રોડ નેટવર્ક, સ્ટ્રોંમ વોટર પાઇપલાઇન, બીઆરટીએસ ટ્રેક, ડીવાઇડર, વીજપોલ સહિતના કામનો સમાવેશ થાય છે. સ્માર્ટ સિટીના મોટાભાગના કામ હવે પૂર્ણતાના આરે છે. સાતમ-આઠમ પહેલા સ્માર્ટ સિટી શહેરીજનો માટે ખૂલ્લું મૂકી દેવામાં આવશે.