મુખ્યમંત્રી વિજયભાઈના હોમટાઉનમાં ગરિમાપૂર્ણ જીત વિકાસને આભારી: વિજેતા ઉમેદવારોને અભિનંદન આપ્યા
રાજકોટ મહાનગર પાલિકાની ચૂંટણીમાં ભારતીય જનતા પક્ષે કરેલા અભૂતપૂર્વ દેખાવ બદલ રાજ્યના શિક્ષણ અને રાજકોટના પ્રભારી મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ ખુશી વ્યક્ત કરી છે અને ભારતીય જનતા પક્ષને અકલ્પનિય બહુમતી સાથે જીત અપાવવા બદલ શહેરની પ્રજાનો પણ આભાર માન્યો છે. એક નિવેદનમાં પ્રભારી મંત્રી ભુપેન્દ્રસિંહ કહ્યું છે કે રાજકોટમાં ભારતીય જનતા પક્ષના શાસનમાં થયેલા વિકાસ કાર્યો થી શહેરની પ્રજા સંતુષ્ટ છે અને આગામી સમય માટે ભારતીય જનતા પક્ષે જાહેર કરેલા વિઝનને પણ લોકોએ આવકાર્યું છે.
આજે આવેલા પરિણામ ઉપરથી એ સ્પષ્ટ થયું છે કે રાજકોટ મહાનગર પાલિકામાં ભારતીય જનતા પક્ષે પારદર્શક અને વિકાસલક્ષી વહીવટ આપ્યો છે. તેમણે એમ પણ કહ્યું છે કે રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હોમટાઉન એવા રાજકોટમાં ભારતીય જનતા પક્ષે ૭૨ માંથી ૬૮ બેઠક ઉપર જીત મેળવીને એક ગરિમાપૂર્ણ પરિણામ પ્રાપ્ત કર્યું છે.
મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ હંમેશા રાજકોટના વિકાસ માટે નું સપનું જોયું છે અને મહાનગરપાલિકામાં ભાજપના શાસકોએ આ સપનું પરિપૂર્ણ કરવા માટે સતત પ્રયાસો કર્યા છે અને આજે તેનું પરિણામ પણ સામે આવી ગયું છે.
ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ રાજકોટની પ્રજાનો તો આભાર માન્યો જ છે સાથોસાથ નવા ચૂંટાયેલા કોર્પોરેટરો નો પણ આભાર માન્યો છે અને તેમને આવનારા પાંચ વર્ષ માટે શુભેચ્છા પણ પાઠવી છે.