ત્રિપુરા, નાગાલેન્ડ અને મેઘાલયનાં ચૂંટણી પરિણામોને ભાજપ અગ્રણી રાજુભાઈ ધ્રુવે વધાવ્યા
ઈશાન ભારતના ત્રણ રાજ્યો ત્રિપુરા, નાગાલેંડ અને મેઘાલયમાં વિધાનસભાની ચૂંટણીઓના આજે જાહેર થયેલા પરિણામોમાં ભાજપને મળેલી ભવ્ય સફળતાને ભાજપ અગ્રણી રાજુભાઈ ધ્રુવે ઉમળકાભેર આવકાર આપ્યો છે. તેમણે પક્ષની નેતાગીરીને અભિનંદન આપતાં જણાવ્યું છે કે, પૂર્વોત્તર ભારતમાં કેસરિયો લહેરાયો તેનો યશ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની વિકાસની રાજનીતિ, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઈ મોદીની સંગઠન શક્તિ તેમજ ભાજપના નાનામાં નાના કાર્યકર્તાની રાષ્ટ્રભક્તિ ભરેલી મહેનતને જાય છે. આ ત્રણેય બાબતો પર હવે ઇશાન ભારતના લોકોએ પણ પૂરો ભરોસો મૂક્યો છે.
એક નિવેદનમાં રાજુભાઈ ધ્રુવે જણાવ્યું છે કે, પૂર્વોત્તરના ઐતિહાસિક ચુકાદા બાદ હવે દેશના ૨૯માંથી ૨૧ રાજ્યોમાં ભાજપ કે ભાજપ નેતૃત્વ હેઠળના એનડીએને સત્તાનો જનાદેશ મળ્યો છે એ હકીકત ભાજપની વિકાસ અને સુશાસનની નીતિને લોકોએ આપેલું જબરદસ્ત સમર્થન દર્શાવે છે. આગામી સમયમાં માત્ર કોંગ્રેસમુક્ત જ નહીં, ડાબેરીમુક્ત ભારત પણ જોવા મળશે તે નિશ્ચિત છે. કેન્દ્રની ભાજપ સરકારે પૂર્વોત્તર રાજ્યોમાં આંતરમાળખાકીય વિકાસને પ્રચંડ વેગ આપ્યો એટલું જ નહીં, ભાજપની માતૃસંસ્થા આરએસએસના કાર્યકર્તાઓએ ભાજપની રાષ્ટ્રભક્તિસભર સુરાજ્યની નક્કર વાત અને વચનો છેક છેવાડાના માનવી સુધી પહોંચે તે બાબત સુનિશ્ચિત કરી તેના મીઠાં ફળ આજે ભાજપને મળ્યા છે અને તે સાથે ઇશાની રાજ્યોમાં સાચા અર્થમાં નવા યુગનાં મંડાણ થયાં છે.
ત્રિપુરામાં છેલ્લા પચ્ચીસ વર્ષથી સીપીઆઈ-એમનું શાસન હતું; ૨૦૧૩માં ભાજપને માત્ર એક જ બેઠક મળી હતી અને મોટાભાગની બેઠકો પર ડીપોઝીટ પણ ગુમાવી હતી ત્યાં આજે ભાજપ અને સાથી પક્ષોને ૫૯માંથી ૪૩ બેઠકો સાથે બે-તૃતીયાંશ બહુમતી મળી છે; ત્રિપુરામાં કોંગ્રેસને તો સમ ખાવા પૂરતી એક બેઠક પણ મળી નથી. નાગાલેન્ડમાં પણ ભાજપને ૬૦માંથી ૩૧ બેઠકો સાથે સ્પષ્ટ બહુમતી મળી છે જ્યારે મેઘાલયમાં ભાજપે બે બેઠકો સાથે ખાતું ખોલાવ્યું છે અને ત્યાં પણ સાથી પક્ષોની સરકાર રચાવા જઈ રહી છે.
દેશના ઇશાન રાજ્યોમાં શૂન્યથી શિખર સુધીની ભાજપની સફર એ ખરા અર્થમાં લોકતંત્રનો વિજય છે, પ્રજા વિકાસ અને શાંતિ ઝંખે છે, હિંસા અને જુલ્મની નકારાત્મક રાજનીતિને લોકોએ નકારી કાઢી છે. દાયકાઓથી કોંગ્રેસ અને ડાબેરીઓએ પૂર્વોત્તર રાજ્યોના લોકોને ભરમાવીને રાખ્યા હતા એટલું જ નહીં, તેઓને હિંસા તેમજ જુલ્મની રાજનીતિથી ગરીબીમાં સબડતા રાખ્યા હતા. હવે લોકોને સત્ય સમજાઈ જતાં ભાજપ પર વિશ્વાસ મૂક્યો છે. ભાજપ પૂર્વોત્તરના તમામ રાજ્યોના વિકાસ માટે સંકલ્પબદ્ધ છે અને શાંતિમય વિકાસ એ જ પક્ષની પ્રાથમિકતા છે.
ઇશાની રાજ્યોમાં હવે લેફ્ટ નહીં, રાઈટ જ લોકોની પસંદ છે અને તે જ રાઈટ ચોઈસ છે. કોંગ્રેસ અને ડાબેરી પક્ષોની ભ્રષ્ટ, રાષ્ટ્રવિરોધી, પ્રજાવિરોધી, સંકૂચિત, સ્વાર્થી અને નકારાત્મક રાજનીતિને દેશ આખાની પ્રજા ઓળખી ગઈ છે અને ધીરે ધીરે બધા રાજ્યોની પ્રજા તેઓને દરવાજો દેખાડી રહી છે. એવું રાજુભાઈ ધ્રુવે જણાવ્યું હતું.