પ્રથમ વખત ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી લડી રહેલી આમ આદમી પાર્ટીનું પ્રદર્શન એકંદરે સારૂં પરંતુ જનતા માટે વિકલ્પ ન બની શકી !
ગુજરાતની રાજકીય તાસીર રહી છે કે ગુજરાતની જનતા ક્યારેય ત્રીજા મોરચાને સ્વીકારતી નથી. દિલ્હી અને પંજાબમાં સત્તા હાંસલ કર્યા બાદ આમ આદમી પાર્ટીની ગુજરાતમાં એન્ટ્રી થતાં રાજકીય પંડિતો એવું માની રહ્યાં હતાં કે ‘આપ’ ખરેખર ત્રીજા વિકલ્પ તરીકે ઉભરી આવશે. પરંતુ આવું બન્યું નથી. પ્રથમ વખત ગુજરાત વિધાનસભાની ચૂંટણી લડી રહેલી આમ આદમી પાર્ટીનું પ્રદર્શન એકંદરે સારૂં કહી શકાય પરંતુ તે જનતાને ત્રીજો રાજકીય વિકલ્પ આપી શકી નથી. ‘આપ’ના કારણે કોંગ્રેસને મરણતોલ ફટકા પડ્યા છે.
સ્થાપના કાળથી ગુજરાતની જનતાએ ભાજપ અને કોંગ્રેસ સિવાય ત્રીજા મોરચાને ક્યારેય સ્વીકાર્યો નથી. રાજ્યના મુખ્ય બબ્બે પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા અને સ્વ.કેશુભાઇ પટેલે પણ ગુજરાતમાં રાજકીય પાર્ટીની સ્થાપના કરી ગુજરાતીઓને ત્રીજો રાજકીય વિકલ્પ આપવાનો પ્રયાસ કર્યો હતો. જેમાં આ બંને મોટા નેતાઓ પણ નિષ્ફળ રહ્યાં હતાં. જનતાએ ત્રીજા મોરચા નહિં સ્વીકારવાનો સિલસિલો 2022માં પણ યથાવત રાખ્યો છે. આમ આદમી પાર્ટી તમામ બેઠકો પર ચૂંટણી લડી રહી હોય ત્રિ-પાંખીયો જંગ હતો. પરંતુ આજે પરિણામના દિવસે ત્રિ-પાંખીયો જંગ જેવું કશુંક દેખાતું ન હતું. જનતાએ ‘આપ’ને પણ રિતસર જાકારો આપ્યો છે. ‘આપ’ ચોક્કસ 9 બેઠકો પર લીડ સાથે આગળ ચાલી રહ્યું છે. પરંતુ તે ગુજરાતના પરિણામ પર કોઇ અસર પહોંચાડી શક્યું ન હતું. આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રવેશથી કોંગ્રેસને મરણતોલ ફટકો પડ્યો છે.