અકસ્માત બાદ માનવ જીવનને બચાવવા માટે આર.કે.યુનિવર્સિટીના વિદ્યાર્થી-પ્રોફેસર દ્વારા થયેલા સંશોધનની પેટન્ટ મહત્વની ભૂમિકા ભજવશે
માર્ગ અકસ્માતમાં પ્રથમ ક્ષણો જ વધુ મહત્વની હોય છે. આવા સંજોગોમાં ઈજાગ્રસ્તને તાત્કાલીક વાહનમાંથી સરળતાથી બહાર કાઢી સારવાર આપી શકાય તેવું સંશોધન આર.કે.યુનિવર્સિટીના વિદ્યાર્થી અને પ્રોફેસરો દ્વારા કરવામાં આવ્યું હતું. એક રીતે ગેસ વેલ્ડીંગ માટે ઓક્સિજન અને એસીટીલીન એમ બે વાયુઓની બે અલગ અલગ સીલીન્ડરને એક ભાગમાં રાખવાની ડિઝાઈન તૈયાર કરાઈ હતી.
આરકે યુનિવર્સિટીનાં મિકેનિકલ વિભાગનાં વિદ્યાર્થી કશ્યપકુમાર બારૈયા દ્વારા મિકેનિકલ વિભાગનાં હેડ અને પ્રોફેસર ડો.ચેતનકુમાર પટેલનાં માર્ગદર્શન હેઠળ અકસ્માત બાદ માનવજીવનને બચાવવામાં મદદરૂપ થઇ શકે તેવા ‘સિંગલ યુનિટ ગેસ સિલિન્ડર વિથ પાર્ટીશન (ઓ.એ.જી. સિલિન્ડર)’નું સંશોધન કરવામાં આવ્યું છે જેની પેટન્ટ ભારતીય પેટન્ટ ઓફીસ દ્વારા પ્રકાશિત કરવામાં આવી છે.
વિદ્યાર્થી અને પ્રોફેસર દ્વારા નિર્મિત આ સિલિન્ડરને ઓટોમોબાઈલ વાહન જેવા કે બસ, કાર, ફોર વ્હીલ વ્હીકલ, હેવી વ્હીકલ અને ટ્રેનો સાથે લઇ જઇ શકાય છે, જ્યાં તેનો ઉપયોગ સેફ્ટી ડિવાઇસ તરીકે કરી શકાય છે. જ્યારે અકસ્માત સર્જાય છે ત્યારે લોકો ઘણીવાર વાહનમાં ફસાઈ જાય છે અને ઇજાગ્રસ્ત લોકોને બહાર લાવવા માટે ગેસકટિંગ ટોર્ચની જરૂર પડે છે કે જે ધાતુને કાપી શકે. ઘણી વાર આવી મદદ પહોચે તે પહેલા જ અકસ્માતનો ભોગ બનનારનું મૃત્યુ થઈ જાય છે. આ નવી ડિઝાઇન સાથે, સિલિન્ડર પહેલેથી જ વાહન સાથે રાખી શકાય છે જેનો ઉપયોગ તરત જ ધાતુને કાપવા માટે કરી શકાય છે જે માનવજીવનને બચાવવામાં ખૂબ મદદરૂપ થશે.
એક જ સિલિન્ડરમાં બે વાયુનો ઉપયોગ અનેક જીવ બચાવશે
આ સંશોધન બે અલગ અલગ સિલિન્ડરને એક જ સિલિન્ડરમાં બે વિભાગમાં વહેચીને તેના ઉપયોગ અંગે છે. આ વિચારને ગેસ વેલ્ડિંગ માટે પણ દર્શાવાયો છે. ગેસ વેલ્ડિંગ માટે ઑક્સીજન અને એસિટિલીન એમ બે વાયુઓના બે અલગ અલગ સિલિન્ડર રાખવા પડે છે. આ સંશોધનને લીધે હવે બે અલગ અલગ વાયુઓને એક જ સિલિન્ડરમાં પાર્ટીશન દ્વારા અલગ રાખીને ઉપયોગમાં લઇ શકાશે. આ રીતે બનાવેલું એક સિલિન્ડર તેના ઓછા વજન અને કદને કારણે સરળતાથી ઉપયોગમાં લઇ શકાશે.