સાંજે છ વાગ્યે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સર્વપક્ષીય બેઠક મળશે, વિપક્ષ હાજરી આપશે કે નહીં તેના ઉપર પ્રશ્નાર્થ

સંસદના ચોમાસું સત્રનો પહેલો દિવસ હંગામેદાર રહ્યા બાદ આજે બીજા દિવસે પણ પેગાસસ સ્પાયવેર મામલે હંગામો મચવાનો છે. આજના દિવસે પણ વિપક્ષના આક્રમક મિજાજને કારણે ફરી સંસદ સ્થગિત રહે તો નવાઈ નહિ.

ભારતીય સંસદના મોનસૂન સત્રની શરૂઆત સોમવારે ભારે હોબાળા સાથે થઈ હતી. સત્રની શરૂઆત થતા અગાઉ પેગાસસ સ્પાયવેર દ્વારા થઈ રહેલી જાસૂસીનો એવો મુદ્દો આવી ગયો કે, જેના કારણે ભારતની રાજનીતિમાં હાહાકાર મચી ગયો છે. આ મુદ્દે સંસદમાં ચર્ચા થાય તે માટે કોંગ્રેસ અડગ છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ સરકાર પર પ્રહાર કરતા કહ્યું કે, અમને ખબર છે કે તેઓ આપના ફોનમાંથી બધું જ વાંચી રહ્યા છે. આ કહેવા પાછળ તેમનો તાત્પર્ય પેગાસસ દ્વારા જાસૂસી કરાવવાના આરોપો પર હતો.

બીજી તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ આજે સાંજે 6 વાગ્યે સર્વપક્ષીય બેઠક યોજાવા જઇ રહ્યા છે. આ બેઠકમાં કોરોના માટેની તૈયારીઓ અંગે સરકાર વિપક્ષ સામે રજૂઆત કરી શકે છે. તેમાં વેક્સિન અને વેક્સિનેશન અંગે કેન્દ્ર સરકારની આગળની વધુ તૈયારીઓ જણાવાશે. આ સાથે, બેઠકમાં કોરોના ત્રીજી લહેરની તૈયારીઓ સંદર્ભે ચર્ચા થવાની સંભાવના છે. જો કે, વિરોધ પક્ષો મીટિંગમાં હાજરી આપશે કે નહીં, તે પ્રશ્ન છે.

શુ છે પેગાસસ સ્પાયવેરનો વિવાદ ?

એક આંતરરાષ્ટ્રીય મીડિયા સંગઠને રવિવારના રોજ ખુલાસો કર્યો હતો કે, ઈઝરાયેલની એક કંપનીએ બનાવેલા જાસૂસી માટેનું સોફ્ટવેર પેગાસસ દ્વારા ભારતના 2 કેન્દ્રીય પ્રધાનો, 40થી વધારે પત્રકારો, વિપક્ષના 3 નેતાઓ અને એક ન્યાયાધીશ સહિત 300 લોકોની જાસૂસી કરવામાં આવી છે. એક રિપોર્ટ અનુસાર સંસદમાં સરકારનો વિરોધ કરતા કોંગ્રેસના નેતાઓ જ નહીં કેન્દ્રીય સંસ્કૃતિ પ્રધાન પ્રહલાદ પટેલ અને આઇટી પ્રધાન અશ્વિની વૈષ્ણવના પણ ફોન હેકિંગના ટાર્ગેટ હતા. આ ઉપરાંત વિપક્ષી નેતા રાહુલ ગાંધી અને બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીના ભત્રીજા અભિષેક બેનર્જીના ફોન પણ આ યાદીમાં સામેલ છે.

પેગાસસ એક શક્તિશાળી સ્પાયવેર સોફ્ટવેર છે. જે મોબાઈલ તેમજ કમ્પ્યુટરમાંથી ગોપનીય અને વ્યક્તિગત માહિતી ચોરી શકે છે અને હેકર્સ સુધી પહોંચાડી શકે છે. આને સ્પાયવેર કહેવા પાછળનું કારણ એ છે કે, તેને કોઈપણ વ્યક્તિના ફોનમાં મોકલીને તેની જાસૂસી કરી શકાય છે. પેગાસસ બનાવનારી કંપની એનએસઓ (NSO) નું કહેવું છે કે, તેઓ આ સ્પાયવેર અધિકૃત રીતે માત્ર સરકારોને જ વેચવામાં આવે છે. પેગાસસ દ્વારા iOS તેમજ એન્ડ્રોઈડ ઓપરેટિંગ સિસ્ટમ પર ચાલતા કોઈપણ ફોન હેક કરી શકાય છે. જ્યારબાદ તેમાંથી ફોનનો ડેટા, ઈ-મેઈલ, કોલ રેકોર્ડ્સ, ફોટોગ્રાફ્સ સહિત તમામ ગતિવિધિઓ હેકર્સ સુધી પહોંચાડવામાં આવે છે.

કઈ રીતે થાય છે જાસૂસી ?

જો પેગાસસ સ્પાયવેર આપના ફોનમાં આવી ગયો હોય તો તમે 24 કલાક હેકર્સની નજર હેઠળ હશો. તેઓ તમને મળતા મેસેજિસને પણ કોપી કરી શકે છે. આ સ્પાયવેર તમારા ફોનમાં રહેલા ફોટોગ્રાફ્સ અને ફોન કોલ્સના રેકોર્ડિંગ્સ પણ તાત્કાલિક ધોરણે હેકર્સ સુધી પહોંચાડી શકે છે. આ સ્પાયવેરમાં માઈક્રોફોન એક્ટિવ કરવાની પણ ક્ષમતા છે. જેથી તમારો ફોન જ્યારે પણ આસપાસમાં હોય ત્યારે તમે શું બોલી રહ્યા છો, તે પણ હેકર્સ સાંભળી શકશે. આ સ્પાયવેર માત્ર કોઈ લિંક પર ક્લિક કરવાથી જ નહિં, પરંતુ માત્ર એખ મિસ્ડ કોલથી પણ એક્ટિવ થઈ શકે છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.