ભાજપના વરિષ્ઠ નેતા ઈરફાન અહેમદે ખેડૂત આંદોલનને રાષ્ટ્રની તરક્કી સામે અવરોધરૂપ ગણાવી જણાવ્યું હતું કે, આપણો દેશ લાંબા સમયથી આયાતી દાળ ખાઈ રહ્યો છે. બે વર્ષ પહેલા વડાપ્રધાન મોદીએ દાળની આયાત પર પાબંદીની શરૂઆત કરી હતી અને હવે સંપૂર્ણપણે બંધ કરી દેવાઈ છે. સાથે સાથે કઠોળનું ઉત્પાદન દેશમાં વધારવા માટે ખેડૂતોને પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યાં છે. કૃષિ બીલ તો એક બહાનુ હતું. ખરેખર સરકારના વિરોધનો સીલસીલો 2005માં મનમોહનસિંહે દાળ ઉપર આપવામાં આવતી સબસીડીને નાબૂદ કરી ત્યારથી બે વર્ષ બાદ સરકારે નેધરલેન્ડ, ઓસ્ટ્રેલીયા, કેનેડા સાથે કરાર કરીને દાળની આયાત કરવાનું શરૂ કર્યું હતું. કેનેડાએ પોતાને ત્યાં લેટીન દાળના મોટા-મોટા ખેતરો ઉભા કર્યા અને કેનેડાના પંજાબી શીખોએ તેનું ઉત્પાદન કરવાનું સોંપી દીધું. કેનેડાથી ભારતમાં મોટાપાયે દાળની આયાત થવા લાગી. એ વાત પણ જાણવી જરૂરી છે કે, કેનેડા ભારતથી ત્રણ ગણુ મોટુ છે, કેનેડામાં દાળ ખવાતી નથી અને ઉત્પાદન સૌથી વધુ થાય છે. મોટા આયાતકારોમાં સૌથી વધુ પંજાબ અને મધ્યપ્રદેશના નેતા હતા જે વિવિધ પક્ષો સાથે જોડાયા છે.
જેવી મોદી સરકારે દાળની આયાત પર પ્રતિબંધ લગાવ્યો કે, કેનેડાથી દાળની આયાતમાં જે લોકોનું હિત હતુ તેવા લોકોના ખેલ શરૂ થયા અને કેનેડાના ખેતરો સુકાવા લાગ્યા, ખાલીસ્તાનીઓની નોકરીઓ જવા લાગી. આ કારણે કેનેડાના વડાપ્રધાન જસ્ટીન ટુંડોએ ભારતમાં ખેડૂત આંદોલનને સમર્થન આપ્યું હતું. હવે ધમકી આપવામાં આવી રહી છે કે, કેનેડાના ખાલીસ્તાની શીખોને પંજાબ ઘરભેગા કરી દેવાશે. ભારતમાં કૃષિ કાયદાનો સૌથી વધુ વિરોધ વિદેશી પરિબળો અને ખાલીસ્તાની શીખો કરી રહ્યાં છે. જ્યારે ભારતના ખેડૂતો પૈસાદાર થશે તો આવા લોકોને તકલીફ થશે.
મોદીએ ભારતના વિકાસ માટે વ્યક્તિગત જવાબદારી ઉઠાવી લીધી છે અને ભારતીયો પણ સાથ આપી રહ્યાં છે. જલ્દીથી ભારતની આર્થિક સ્થિતિ વિશ્ર્વમાં સૌથી વધુ સધ્ધર બનશે કેમ કે જે દેશમાં અનાજ બહારથી ખરીદવું નથી પડતું તે દેશ સૌથી વધુ વિકસીત થાય છે.2016માં જ્યારે જીયો નેટવર્ક નહોતું ત્યારે મોબાઈલનું બીલ કેટલું આવતું હતું, લોકો કેટલા લૂંટાતા હતા. હવે કંપનીઓ રેટ ઘટાડવા મજબૂર બની છે. દેશના ગરીબો પણ ઈન્ટરનેટ વાપરવા લાગ્યા છે. રિલાયન્સ રિટેલ, રિલાયન્સ ડિજીટલ સમગ્ર દેશમાં ફેલાઈ રહ્યાં છે. અદાણી, અંબાણી, પતંજલીનો વિરોધ થઈ રહ્યો છે તેમાં દેશ કરતા વિદેશનું હિત છે. વામપંથીઓ, પરિવાર પક્ષોને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની દેશહિતની નીતિઓ આંખના કણાની જેમ ખુંપી રહી છે. એટલે જ વિદેશી હાથા બનીને કિશાન આંદોલન જેવી નકારાત્મક પ્રવૃતિઓ થાય છે અને ખેડૂત આંદોલનો રાષ્ટ્રની પ્રગતિમાં અવરોધરૂપ થતાં હોવાનું ભાજપના વરિષ્ઠ આગેવાન ઈરફાન અહેમદે પોતાના નિવેદનમાં જણાવ્યું હતું.