પંજાબમાં કરો યા મરોના લડાઈની શરૂઆત
ઐતિહાસિક ખેડૂત આંદોલન સમાપ્ત થયા બાદ હવે ફરી બીજું એક ખેડૂત આંદોલન આકાર લઈ રહ્યું છે.
પંજાબના ખેડૂતોનું ઘઉં પર બોનસ અને 10મી જૂનથી અનાજની વાવણી શરૂ કરવા સહિતની માગણીઓ અંગેનું વિરોધ પ્રદર્શન હવે વધારે ઉગ્ર બની રહ્યું છે. ’આપ’ સરકાર પર દબાણ બનાવવા માટે દિલ્હી જતાં અટકાવાયા બાદ ખેડૂતો મંગળવારે ચંદીગઢ-મોહાલી સરહદે ધરણાં પર બેસી ગયા હતા.
ખેડૂતો જણાવી રહ્યા છે કે, ’આ પંજાબમાં અમારા સંઘર્ષની શરૂઆત છે. જ્યાં સુધી અમારી માગણીઓ પૂરી નહીં કરવામાં આવે ત્યાં સુધી આ ચાલુ રહેશે. અત્યાર સુધી માત્ર 25 ટકા ખેડૂતો જ અહીં આવ્યા છે. કાલે વધુ આવશે. આ કરો યા મરોની લડાઈ છે.’
ખેડૂતો સ્માર્ટ વીજ મીટર લગાવવાનો વિરોધ કરી રહ્યા છે. પંજાબના વિવિધ ક્ષેત્રના ખેડૂતો રાશન, પંખા, કૂલર, વાસણો, રાંધણ ગેસના સિલિન્ડર સહિતનો સામાન લઈને મોહાલીના ગુરૂદ્વારા અંબ સાહિબ ખાતે એકત્રિત થયા છે. પ્રદર્શનકારીઓ ઈચ્છે છે કે, સરકાર તેમને 10મી જૂનથી અનાજની વાવણીની મંજૂરી આપે. તેઓ મકાઈ અને મગના ખજઙ માટે જાહેરનામુ બહાર પાડવામાં આવે તેમ ઈચ્છી રહ્યા છે.
ખેડૂતો રાજ્ય સરકાર પાસે વીજ લોડ વધારવા પર જે ચાર્જ લાગે તેને 4,800 રૂપિયાથી ઘટાડીને 1,200 રૂપિયા કરવાની અને 10-12 કલાકનો વીજ પુરવઠો અને શેરડીની બાકી ચુકવણી જાહેર કરવાની પણ માગણી કરી રહ્યા છે. ખેડૂત નેતા જગજીત સિંહ દલ્લેવાલે જણાવ્યું કે, જો મુખ્યમંત્રી ભગવંત માન બુધવાર સુધીમાં પ્રદર્શનકારીઓ સાથે ફરિયાદ નિવારણ અંગેની બેઠક નહીં કરે તો તેઓ બેરિકેડ તોડીને આગળ વધી ચંદીગઢ તરફ આગેકૂચ કરશે.
આ તરફ પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને ખેડૂતોના આંદોલનને અયોગ્ય અને અનુચિત ગણાવ્યું છે. જોકે સાથે જ તેમણે ખેડૂતો સાથે વાતચીત માટે તેમના દરવાજા ખુલ્લા જ છે તેમ પણ કહ્યું હતું. એક ખેડૂત નેતાએ જણાવ્યું કે, વિભિન્ન માગણીઓની વચ્ચે ખેડૂત પ્રત્યેક ક્વિન્ટલ ઘઉં પર 500 રૂપિયાનું બોનસ ઈચ્છે છે કારણ કે, અભૂતપૂર્વ ગરમીની સ્થિતિના કારણે ઘઉંની ઉપજ ઘટી છે.