વિદેશી રોકાણકારો દ્વારા શરૂ કરવામાં આવેલી જોરદાર વેચવાલી, અમેરિકા દ્વારા વ્યાજદરમાં વધારો કરવા માટે ચાલી રહેલી હિલચાલ યુક્રેઇન અને રશિયા વચ્ચે યુદ્વના વાગી રહેલા ભણકારા અને બજેટમાં કેપીટલ ગ્રેઇન ટેક્સમાં વધારો થવાની દહેશત વચ્ચે છેલ્લાં પાંચ દિવસમાં ભારતીય શેરબજારમાં મંદિની મોકાણ સર્જાય છે. 18મી જાન્યુઆરીએ 61,475 પર કામ કરી રહેલું સેન્સેક્સ પાંચ જ ટ્રેડીંગ સેશનમાં 57,521 સુધી આવી ગયો છે. બજારમાં મંદિના કાળમુખા પંજા કારણે હવે રોકાણકારો માટે સાવચેતી એજ સલામતીનો રસ્તો બની ગયો છે. જે રીતે બજાર મંદિના ટ્રેક પર દોડી ગયું છે તે જોતા એવું સ્પષ્ટ લાગી રહ્યું છે કે આગામી દિવસોમાં કડાકા-ભડાકા થાય, પાંચ રાજ્યોની વિધાનસભાની ચુંટણીને ધ્યાનમાં રાખી કેન્દ્ર સરકાર બજેટમાં મતદારોને રીઝવવા માટે કેટલીક આકર્ષક યોજનાઓ જાહેર કરે તે વાત નક્કી છે.
અલગ-અલગ પરિબળોના કારણે ભારતીય શેરબજાર મંદિના ટ્રેક પર દોડવા લાગતા રોકાણકારો સાવધ રહે
આ યોજનાનો બોજ રોકાણકારોની કેડ પર ઠોકી બેસાડવામાં આવશે. વર્ષના આરંભથી જ તેજીના ટ્રેક પર દોડી રહેલું ભારતીય શેરબજાર હાલ ચોતરફ અલગ-અલગ પરિબળોથી ઘેરાઇ ગયું છે. વિદેશી રોકાણકારોના મનમાં પણ ડર બેસી ગયો છે. જેના કારણે તેઓ મુડીરોકાણ પાછું ખેંચી રહ્યા છે. જેની સિધી અસર બજાર પર વર્તાવા લાગી છે. રશિયા અને યુક્રેઇન વચ્ચે ગમે ત્યારે યુદ્વ ફાટી નીકળે તેવી દહેશત પણ વર્તાઇ રહી છે. આ ઉપરાંત અમેરિકા વ્યાજના દરોમાં વધારો કરવા જઇ રહ્યું છે. કેન્દ્ર સરકાર પણ બજેટમાં કેપીટલ ગ્રેઇન ટેક્સ વધારવાના મૂડમાં છે. જેની અસર ભારતીય શેરબજારમાં પડી રહી છે. રોજ સુરજ ઉગેને બજારમાં કડાકા બોલે છે. જેના કારણે રોકાણકારોમાં જ એક પ્રકારનો ફફડાટ પેસી ગયો છે. સામાન્ય રીતે જ્યારે પાંચ-પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણી હોય અને બજેટ જાહેર થવાની હોય ત્યારે શેરબજારમાં પ્રી બજેટ રેલી જોવા મળતી હોય છે પરંતુ આ વખતે ઉંધો સિનારીયો ચાલી રહ્યો છે.
મોદી સરકાર બજેટ ટનાટન આપશે તે વાત નિશ્ર્ચિત માનવામાં આવી રહી છે. પરંતુ રોકાણકારો પર નવો ટેક્સ બોજ લાદવામાં આવે તે પણ લગભગ ફાઇનલ માનવામાં આવી રહ્યું છે. બે પૈસા કમાવવાની આશ સાથે મૂડી રોકાણ કરતાં લોકો માટે અત્યારે સંપૂર્ણપણે સાવચેત રહેવાની સ્થિતિનું નિર્માણ થઇ ગયું છે. પાંચ દિવસમાં બજાર 4,000 પોઇન્ટ જેટલું તૂટ્યુ છે અને બજાર સંપૂર્ણપણે મંદિની ગર્તામાંથી બહાર ક્યારે નીકળશે તે કહેવું મુશ્કેલ છે. આવામાં રોકાણકારો સાવચેતીથી સલામતી રાખે તે હિતાવહ છે.