નાસભાગ કરવાની જગ્યાએ, હથિયારોથી સજ્જ યુદ્ધમાં નિપુણ સેના સામે પણ આમ નાગરિકો મેદાને ઉતર્યા

સમગ્ર વિશ્વની નજર રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધ પર છે. યુક્રેન પર ત્રણ ગણી વધુ વસ્તી ધરાવતા અને પરમાણુ શસ્ત્રોથી સંપન્ન વિશ્વ શક્તિ રશિયાના હુમલા ચાલુ છે. યુક્રેનની સરહદમાં ઘૂસી ગયેલી રશિયન સેના સતત હવાઈ હુમલા, મિસાઈલ સ્ટ્રાઈક અને ટેન્ક તેમજ અત્યાધુનિક શસ્ત્રો વડે યુક્રેનિયન શહેરોમાં તબાહી મચાવી રહી છે. ત્યારે યુક્રેનિયનોની દેશભક્તિએ વિશ્વ આખાને સ્તબ્ધ કર્યું છે. નાસભાગ કરવાની જગ્યાએ, હથિયારોથી સજ્જ યુદ્ધમાં નિપુણ સેના સામે પણ આમ નાગરિકો મેદાને ઉતર્યા છે.

જ્યારે રશિયાએ તેનો હુમલો શરૂ કર્યો, ત્યારે તેણે મોટા પાયે યુક્રેનિયન સૈન્ય અને વાયુસેનાના સ્થાનોને નિશાન બનાવ્યા અને રશિયન દળો જોતજોતામાં ચેરનોબિલ જેવા શહેરો પર વિજય મેળવતા રાજધાની કિવ તરફ આગળ વધી રહ્યા હતા. ત્યારે વિશ્વભરના સંરક્ષણ નિષ્ણાતો માનવા લાગ્યા કે માત્ર થોડા જ કલાકોમાં રશિયન સેના રાજધાની કિવ પર કબજો કરી લેશે. રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કી દેશ છોડીને ભાગી જશે, અને ટૂંક સમયમાં રશિયા તખ્તાપલટ કરીને તેની પસંદગીની સરકાર બનાવશે.રશિયન રાષ્ટ્રપતિ પુતિને પણ યુદ્ધની ઘોષણા કરતા કહ્યું કે તેઓ યુક્રેનને ડિમિલિટરાઇઝ કરશે અને સૈન્યના જે લોકો બચવા માંગે છે તેઓ તેમના શસ્ત્રો હેઠા મૂકીને ઘરે ચાલ્યા જાય.

પરંતુ ત્રણ દિવસની લડાઈ બાદ હવે સ્થિતિ એવી દેખાવા લાગી છે કે રશિયાના સપનાઓ પૂરા નથી થઈ રહ્યા. ભલે પછી રશિયા યુદ્ધ જીતી જાય, પરંતુ અત્યારે યુક્રેનની સેના અને નાગરિકો યુક્રેનના તમામ મોટા શહેરોમાં રશિયન સૈનિકો સાથે આમને સામને યુદ્ધ લડી રહી છે. રશિયન સેનાને મોટું નુકસાન થયું હોવાના અહેવાલ છે.આ સ્થિતિમાં યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમિર ઝેલેન્સકીના સમગ્ર વિશ્વમાં વખાણ થઈ રહ્યા છે. તેઓએ ભાગવાને બદલે સેના અને નાગરિકો સાથે રહીને તેઓનો ઉત્સાહ વધાર્યો છે.

 

 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.