જેનો રાજા લોકોના જાનમાલને પોતાના પ્રાણ કરતાંય મહાન
માનતો હોય તે પ્રજાને સ્વર્ગની બીજી કોઈ કલ્પના આવે જ નહીં
મુસ્લિમ રાજપુરુષોએ સમગ્ર સૌરાષ્ટ્રને પોતાનાં ચરણ તળે ચાંપવાનું સ્વપ્ન સેવ્યું હોવા છતાં તેઓ માત્ર અમુક જ સ્થળોએ પોતાનો નેજો રોપી શક્યા હતા: સૌરાષ્ટ્રની જવામર્દી આગળ તેઓનું સ્વપ્ન વાદળિયા મહેલ જેવું જ બની ગયું હતું
હવેથી દર સોમવારે નવલકથાકાર વૈદ્ય મોહનલાલ ચુનીલાલ ધામી લીખીત નવલકથા પ્રેમનો મારગ છે શૂરાનો અંક અબતકમાં પ્રસિદ્ધ થશે
ભાગ-1
સવિયાણું સરીધાર, નગરમાં ને’ચળ ભલું;
બવળાં હાર બજાર, રજવાડું રિદ્ધિ ભર્યું.
ગીરની કાંઠ પાસે આવેલી શ્રીધાર (સરીધાર)ની નાની છતાં હરિયાળી ડુંગરમાળા ઓથે આવેલું સવિયાણું ગામ ભારે સોહામણું અને રોનકવાળું છે. એની બજાર મજાની છે . બજારમાં આવેલી દુકાનો વેપારીઓની સમૃદ્ધિના પ્રતીક સમી છે.
અને સવિયાણું નાનકડું રજવાડું હોવા છતાં રિદ્ધિ સિદ્ધિથી સભર બનેલું છે . સવિયાણાનો દરબાર ધમ્મરવાળો સાઠ વર્ષને આંબી ગયો હોવા છતાં અડાભીડ ગણાય છે . એની ધાક એવી છે કે સવિયાણાની સીમમાં કોઈ પણ બહેન દીકરી સલામત રહે . કોઈની ચોરી, છેડતી થાય નહીં . કોઈ લૂંટારો કે હરામી આવે નહિ …
જેનો રાજા લોકોના જાનમાલને પોતાના પ્રાણ કરતાંય મહાન માનતો હોય તે પ્રજાને સ્વર્ગની બીજી કોઈ કલ્પના આવે જ નહીં.
ધમ્મરવાળાના રાજમાં ખેડૂતો સુખી હતા … રખવાળારૂપે માત્ર પાંચમો ભાગ આપવો પડતો … આ સિવાય બીજો કોઈ કરવેરો નાખવામાં આવ્યો નહોતો . વેપારીઓ પણ વેપારમાં પૂરેપૂરા સ્વતંત્ર હતા . જકાત માત્ર નામની લેવાતી હતી . રાજ્ય નાનું હતું પરંતુ તે સમયે રાજાઓ પ્રમાણિકરૂપે માનતા હતા કે રાજાઓનો ધર્મ પ્રજાનું રક્ષણ કરવાનો છે . વેપાર હાથમાં લઈને પ્રજાને ભિખારી બનાવવાનો નથી . એથી લોકોએ કહેવત સર્જી હતી કે જેનો રાજા વેપારી તેની પ્રજા ભિખારી.
અને તે સમયે અર્થાત આજથી લગભગ ચારસો વર્ષ પહેલાં લોકોની કમ્મર તોડી નાખે એવા કરવેરાઓ કોઈ પણ રાજ્યમાં હતા જ નહીં . રાજકર્તાઓ સમજતા હતા કે પ્રજાની કેડ તૂટી જશે તો આખું રાજ ભાંગીને ભુક્કો થઈ જશે .
આમ , ઓછા કરભારણને લીધે સવિયાણાની પ્રજા ખૂબ જ સુખી , સમૃદ્ધ અને સંતોષી હતી.
કોઈ પણ વેપારીને ચોપડામાં ખોટાં નામાં માંડવાનું કારણ જ નહોતું … કરભારણનાં કે નિયમ જંજીરોનાં જાળાં જેમ જેમ વધે તેમ તેમ વેપાર ઉદ્યોગમાં અને લોકજીવનમાં અપ્રમાણિકતાના અંશો પણ વધતા જ રહે છે.
સવિયાણાની પ્રજા મન , વચન અને કર્મથી પ્રમાણિક જ હતી . અપ્રમાણિક બનવાનું કોઈને મન પણ થતું નહોતું … કારણ કે નાનાં મોટાં બધાં રજવાડાંઓ ચાર પુરુષાર્થ યુક્ત સંસ્કૃતિના આશ્રયે જ રાજ કરતાં હતાં . સવિયાણાનું નાનું રજવાડું પણ એવું જ હતું . કોઈ વેપારીએ તોલમાપમાં ગોટાળો કર્યો હોય , માલ વેચવામાં ભેળસેળ કરી હોય કોઈએ કોઈની થાપણ ઓળવી હોય કે કોઈએ કોઈનો વિશ્વાસઘાત કર્યો હોય એવો એક પણ કિસ્સો ગામલોકની સંભારણમાં હતો જ નહીં
માનવી જ્યારે પાપને પણ કલા તરીકે પૂજે છે ત્યારે જ અન્યાય અને અધર્મનું વાતાવરણ ઘેરાતું જાય છે … પરંતુ માનવીના અંતરમાં નીતિ , સદાચાર અને ધર્મ પ્રત્યે શ્રદ્ધા ભરી હોય છે ત્યારે રાષ્ટ્ર , દેશ , પ્રદેશ , ગામ કે પરિવાર સર્વમાં એક પ્રકારનો સંતોષ છલકતો હોય છે.
ચારસો વરસ પહેલાંનો સૌરાષ્ટ્રની ધરતીનો ઇતિહાસ ભારે બિહામણો હતો … એક તરફ પ્રેમ અને શૌર્યની ગાથાઓ , બીજી તરફ , ભક્તિ અને સમર્પણની ઝાલરી રણકતી હતી . ત્રીજી તરફ બલિદાનની ધારા વહેતી હતી અને ચોથી દિશા ભારે કુરૂપ બની ચૂકી હતી . વિધર્મી મુસલમાનોનું આક્રમણ અનેક ઉલ્કાપાતો સર્જી રહ્યું હતું . રા’માંડલિકનું સિંહાસન વિધર્મીઓનું બની ગયું હતું . આમ છતાં સૌરાષ્ટ્રની જનતામાં અન્યાય , અત્યાચાર અને આક્રમણ સામે ઝઝૂમી લેવાની એક ખુમારી ભરી જ હતી . જનતાનું ખમીર તો બલિદાનમાં જ રમતું હતું.
મુસ્લિમ રાજપુરુષોએ સમગ્ર સૌરાષ્ટ્રને પોતાનાં ચરણ તળે ચાંપવાનું સ્વપ્ન સેવ્યું હોવા છતાં તેઓ માત્ર અમુક જ સ્થળોએ પોતાનો નેજો રોપી શક્યા હતા . સૌરાષ્ટ્રની જવાંમર્દી આગળ તેઓનું સ્વપ્ન વાદળિયા મહેલ જેવું જ બની ગયું હતું .
કાઠી દરબાર ધમ્મરવાળાનું સવિયાણું ગીરની કાંઠ પાસે આવ્યું હોવા છતાં વિધર્મીઓએ પાથરેલા અગ્નિથી અલિપ્ત રહ્યું હતું . એક બે ધાડાંઓ આવેલાં પરંતુ ધમ્મરવાળાના શૂરવીર સાથીઓએ ગામના પાદરમાં જ આક્રમણખોરોને ધરતી ભેગા કરી દીધેલા … એક પણ વિધર્મીને જીવતો છટકવા દીધો નહોતો.
આજ ધમ્મરવાસો સાઠ વરસની સીમા પાસે પહોંચી ગયો છે … એનું આરોગ્ય ઘણું સારું હોવા છતાં હવે તેના ચિત્તમાં રાજ ભોગવવાનો કે સંસારનાં સુખ માણવાનો કોઈ મોહ રહ્યો નથી . દેહની પળોજણ માટે માનવી ઘણું ઘણું કરે છે …. આતમરામની પળોજણ અર્થે જો જીવતરના પાછલા પ્રહરે પણ ગાફેલ રહેવામાં આવે તો જનમારો એળે જ જાય ! આવા વિચારોથી દરબાર ધમ્મરવાળો પ્રભુભક્તિ અને સત્સંગમાં જ પોતાનો સમય ગાળતો હતો.
આમ , એને કોઈ ચિંતા નહોતી . જેનું મૂલ્ય ન થાય એવી અમૂલાંબા નામની જાજરમાન અને પતિવ્રતા પત્ની હતી … જેને સરગાપરમાં ખેંચી લીધી હતી . નાગદેવતાની આરાધના કરવાથી એક સુંદર દીકરો પ્રાપ્ત થયો હતો . દીકરો આજ ઓગણીસ વર્ષનો નવજવાન બન્યો હતો . આવતી કાલે વહેલી સવારે એની જાન જવાની હતી અને ઉનડ ગીડા જેવા વીસ ગામના ધણીની રૂપવતી ક્ધયા આલણદે સાથે આવતી કાલે રાતે લગ્ન થવાનાં હતાં.
છેલ્લા પંદર દિવસથી કુંવર નાગવાળાનાં ફૂલેકાં ચડી રહ્યાં હતાં … આખું ગામ પોતાના ધણીના એકના એક પુત્રને પરણાવવા આનંદમાં ઉત્સવ ઊજવી રહ્યું હતું . છેલ્લા આઠ દિવસથી તો ચારે દિશાએથી મે’માનો આવી રહ્યા હતા અને રસોડું પણ ખોલવામાં આવ્યું હતું . આ રસોડે માત્ર મહેમાનો જ જમતા એમ નહોતું … જે કોઈ ગામના માણસો આવે તે પણ જમતા.
ધમ્મરવાળાની કીર્તિથી આકર્ષાઈને દૂરદૂરથી ચારણો , ભાટો અને ઢાઢીઓ પણ ઊભરાઈ પડ્યા હતા.
ગીત , ભજન અને દુહાઓની રમઝટ બોલતી હતી.
દરબારનો ચતુર કામદાર કપૂરચંદ શેઠ ઉમ્મરમાં હજી માંડ
પિસ્તાલીસે પહોંચ્યો હતો , પણ કામનો ભારે કરવૈયો હતો . દરબારને કોઈ પાતીની ફિકર રહેતી જ નહી.
દરબાર ધમ્મરવાળો તો ડેલીએ જ બેસી રહેતો અને આવી રહેલા મહેમાનોનું ભાવભર્યું સ્વાગત કરતો હતો . જેતપુરના ચાંપરાજવાળા આવી ગયું હતું . ચોટીલા તરફના ખાચરોના જુવાનો પણ આવી ગયા ખુમાણો પણ આવ્યા હતા અને સવિયાણું જાણે વસંત ઋતુની ફૂલવાડી સમું બની ગયું હતું.
જાનમાં જવા માટે લગભગ અઢીસો માણસોની તૈયારી કરવામાં આવી હતી અને સવાસો જેટલા રખેવાળો , દાસદાસીઓને લેવાનું વિચાર્યું હતું.
વહેલી સવારે જાનનું પ્રસ્થાન હોવાથી આજ સવારથી જ ગાડાંઓ , અશ્વો , વેલડીઓ , માજુલીઓ વગેરેનો શણગાર સજાઈ રહ્યો હતો . જાનડીઓ તરીકે બાનડીઓનું એક જૂથ તૈયાર કરવામાં આવ્યું હતું અને રાજ્ય તરફથી દરેકને રંગબેરંગી નવાં વસ્ત્રો અપાવવામાં આવ્યાં હતાં.
આખા ગામમાં હરખનો પાર નહોતો અને આનંદની છોળો ઊડતી હતી . ચોરેચૌટે ને હાટડીએ કુંવરનાં લગ્નની જ વાતો ચગી રહી હતી . દેવબારી ગામ દસ ગાઉ દૂર હતું … વાટ પણ રળિયામણી હતી..અને દેવબારી ગામ તો એ પંથકમાં ગોપીયુંના ગોકુળ જેવું વખણાતું હતું.
જાનમાં જનારા નવજવાન દેવબારીની ધીંગામસ્તીનાં અનેકવિધ સોણલાંઓ સેવી રહ્યા હતા.
અને દરબારનો ખાસ વાળંદ સવલો ! ઓહ , એ તો ઊપડ્યો ઊપડતો નહોતો . એક તો ચોવીસ વરસનો જુવાનડો ! લપેટો લેવામાં એનો હાથ ભારે મુલાયમ અને દાઢી કરે ત્યારે તો સામાને ઝોલું આવી જાય ! પણ વાતોડિયા ભારે ! અલકમલકની વાતો ઊભી કરવામાં અને આવેલી વાતુને ભાંગવામાં એના જેવો કોઈ માણસ માત્ર સવિયાણામાં નહીં પણ આસપાસના પંથકમાં કોઈ નહીં હોય ! એની હાલવાની ગતિ પણ કાંઈક ઉતાવળી … કો’કને એમ જ લાગે કે હલકારો હલકથી દોડતો જાય છે !
ધમ્મરવાળાને પગચંપી કરવામાં , તેલમર્દન કરવામાં અને હકો ભરી આપવામાં સવલો મેદાન મારી જતો.
દરબારની ડેલીએ લગભગ સોએક જેટલા મહેમાનો અને બીજા માણસો શિરામણ કરીને કસુંબાની મોજ માણી રહ્યા હતા . સવલો ઠુંગાની થાળી લઈને એક તરફ બેઠો હતો . બંધાણી ચારણો બાપુ ધમ્મરવાળાને ખમકારા દઈ રહ્યા હતા અને કસુંબાને બિરદાવી રહ્યા હતા.
આકું વાસ જંગ પંથ, શૂરા હંદા કામ;
કાયર ખડગ ન વાવરે, વેશ્યા ન દેવે દામ…’
ત્યાં તો બીજી ચારણ અષાઢના મોરલા માફક ગહેકી ઊઠ્યો .. રંગ કસુંબા , રંગ … સુરજાનાથના અમૃત કટોરાને રંગ … બાપ , ધમ્મરવાળાને કસુંબો કોઠે પડે એટલે બત્રીસે કોઠે દીવા થઈ જાય ….
‘કસુંબા કોઠે પડે ને,
અંગ લેરખડું થાય;
નેણાં તો મસત બને
ને મનડું હિલોળે જાય.’
ધોબલે ને ખોબલે કસુંબા લેવાઈ રહ્યા હતા … સવલો બધાને ઠુંગામાં સાકર આપી રહ્યો હતો … ત્યાં એક વૃદ્ધ બાનડીએ આવીને સવલા સામે જોઈને કહ્યું : અલ્યા સવલા … ડાયરે આવ્ય તંઈ તું બધુંય ભૂલી જા … નાના બાપુનું વતું ક્યારે કરીશ ?
તરત ધમ્મરવાળાએ સવલા સામે જોઈને કહ્યું : સવલા , હવે તારે નાગ પાસે જ રહેવાનું છે . જાનમાં તારે ભેગુ જવાનું છે … તે કાંઈ તૈયારીઓ તો કરી નથી … ’
બાપુ … મારી તૈયારીમાં મોળપ ન હોય ! આખી જાનને જો ગમ્મત ન કરાવું તો મેરામ મારો બાપ નંઈ … બાપુ … તંઈ હું નાના બાપુ પાસે જાઉં છું … કહી સવલાએ ઠુંગાની થાળી એક ગોલાના હાથમાં પકડાવી અને બાપુને તથા મે’માનુને નમન કરીને તે નાગવાળાની મેડીને જવા બાનડીની પાછળ ચાલતો થયો.
લટકતી ચાલે ચાલતો સવલો દરબારગઢની મેડી ઉપર પહોંચ્યો…
નવજવાન નાગવાળાના ઓરડામાં પગ મૂકતાં જ તે બોલી ઊઠ્યો : “ખમ્મા મારા નાના બાપુને … બાપલા , માફ કરજો … લગ્ન આપના એકના જ છે એવું નથી.!’
નાગવાળાના બે ભાઈબંધો ત્યાં બેઠા હતા . એકે કહ્યું : ‘અલ્યા, ગામમાં તો બીજા કોઈનું ફૂલેકું ચડ્યું સાંભળ્યું નથી !’
રામભાઈ , આખા ગામને એવો હરખ થયો છે કે બધાને જાન કાઢવાનું મન થાય છે … મારે ઘેર તો રોજ ફૂલેકાવાળીયું થાય છે . બાપુ શું બાયડી મળી છે ! હવે ઈ વાળંદાણીના પેટની મને કીયે છે કે બાપુના મંગળફેરા ફરાતા હોય તંઈ આપણે પણ શકનબદલો કરવો છે ને ફરીથી ફેરે ચડવું છે ! બાપુ , અસ્ત્રી હઠને દુનિયામાં કોઈ પૂગ્યું છે ? પણ આ સવલો કાંઈ કાચા પોચાનો સેવક નથી … નાગબાપુ જેવા છેલછોગાળાનો સેવક છે.!’
નાગવાળાએ કહ્યું : સવલા , હવે વાતુ કરવાની વેળા નથી , દાઢીવતું કરી લે … કાલ કાંઈ નંઈ થાય.’
‘બાપુ , તો ઘડીક વાટ જોવી પડશે. આપનો ખાસ સર્જયો ઘેરે પડ્યો છે . હમણાં જ દોડતો લઈ આવું છું … કહી સવલો માથું નમાવીને ચટ દઈને પાછો વળ્યો.
નાગવાળાના ભેરુ રામે કહ્યું : ‘સવલા … પાછો ક્યાંય ગોટે ચડી જાતો નંઈ.’
‘રામભાઈ … ગોટે ચડે ઈ બીજા … અબસાત આવ્યો સમજો ! કહી સવલો કૂદક કૂદક કરતો પોતાની આગવી ચાલે ચાલતો થયો . દરબારગઢથી જેવો બહાર નીકળ્યો કે તરત કપૂરચંદ કામદાર સામો મળ્યો … સવલાએ આમ ઘાંઘો થઈને જતો જોઈ કામદારે કહ્યું : ‘અલ્યા સવલા … .’
‘મુરતમાં જ ટોંકાઈ ગીયો ! કામદાર બાપુ, ગનો માફ કરજો …. જરા ઉતાવળમાં છું .. ‘સવલો રોકાયો નહીં.
કામદાર આછું હસીને ચાલવા માંડ્યો …
સવલો પોતાને ઘેર જવા નાની બજાર સોંસરવો નીકળ્યો ત્યારે શેઠિયાએ બૂમ મારી . અલ્યા સવલા … કાલ જાનમાં જવાનું છે … જરા દાઢી …’
‘નાનકચંદ કાકા … જાનમાં હું પણ ભેગો જ છું …. મારા વન્યા નાગબાપુ એક ડગલું યે ભરવા માગતા નથી … શું કરું ? ’
‘અરે પણ મારું વતું … ’
‘વતું તો કાકા એક ચપટીમાં … કાલ વાટમાં જ પતાવી દઈશ . આજ તો નાડીછોડ કરવાની યે વેળુ નથી . કહી સવલો પોતાની આગવી ગતિએ આગળ વધ્યો.
ઘર પાસે પહોંચતાં સુધીમાં ચાર છ જણાએ સવલાને બોલાવેલો અને સવલો જ્યારે પોતાના ઘરની ડેલી પાસે પહોંચ્યો ત્યારે ડેલી અંદરથી બંધ હતી.
સવલાએ કમાડ પર હાથ મૂકી મનથી કહ્યું : કપાળમાં કામદારે જ ટોકણું માર્યું …’ કહી સવલાએ ડેલીની સાંકળ ખખડાવવી શરૂ કરી.
ચાર – છ વાર સાંકળ ખખડાવી પણ કંઈ જવાબ ન મળ્યો એટલે સવલો બબડ્યો : કામદારનું ટોકણું બરાબર આડું આવ્યું ! શું બાયડી મળી છે ! રાંડ સાંભળતી જ નથી . શું અત્યાર સુધી ખાટલામાં પડી હશે ? … અરે … હજી સુધી ઘોંટાણી છો કે શું ? શું બાયડી મળી છે ! ટાણા – કટાણાની સમજણ પડે નંઈ …’
ત્યાં તો અંદરથી અવાજ આવ્યો કુણ મૂવું છે ?’
‘ લે કર્ય વાત ! અલી, સાંભળતી નથી કે હું ? તારો બાપ નથી મૂવો … તા2ો ધણી મૂવો છે …’
જવાબમાં ધડાક ક2તી ડેલી ઊઘડી અને સવલાની નવજવાન વહુ સંતલીએ કહ્યું : ગાંગરો છો શું ? નહાવા બેઠી’તી … ! ગામ આખાને અકલ આવશે પણ તમારે જ છેટું 2ઈ ગીયું . ! ’
‘સંતી, તારો નખરો જોઈને મને ઊડવાનું મન થાય છે … મારો ઓલ્યો ઉદેપુરિયો અસ્ત્રો લાવ … નાના બાપુ વાટ જોતા બેઠા છે …’
ઉદેપુરિયો અસ્ત્રો ! તમારું ય ઠેકાણે લાગતું નથી … કાલ સાંજે તો તમે જ લઈને ગીયા હતા …
‘શું કપાળમાં બાયડી મળી છે ! ’
‘ શું બોલ્યા ?’
આવતા ગગાની માવડી … હું તને નથી કહેતો … ઓલ્યા વાઢાળાની બાયડીની વાત કરું છું … રાંડને કાલ સાંજે જ અસ્ત્રો સજવા માટે આપ્યો’ તો હવે મારે એના ઘરનો ધોડો કરવો પડશે. સંતી, દરબારગઢમાંથી બા’રો નીકળ્યો ને કામદાર કાકો મળ્યો..જો એણે ટોક ન કરી હોત તો આ ધોડો થાત જ નંઈ.’
‘સંતલીએ કહ્યું : આમ ડેલીએ ઊભા ઊભા દેકારો શું કરો છો ? કાં તો અંદર આવો ને કાં વાઢાળાને ત્યાં જાઓ.’
‘અંદર આવીને શું કરું ? તે બધી તૈયારી તો કરી છે ને ?’
‘તૈયારીમાં કઈ મોટી મોથ મારવાની હતી ? ચાર કપડાંની પોટલી બાંધી લીધી છે … ને મારાં ઘરેણાં ટોકર કાકાને ત્યાં ધોવા આપ્યાં છે . તે સાંજે આવો ત્યારે લેતા આવજો ! ’
‘ટોકર કાકાને ત્યાં દઈ આવી ?’
‘તે કેમ … ઈ તો તમારું જ ઘરાગ છે .’
‘શું બાયડી મળી છે ! ટોકર સોની તો આળસુનો બાદશાહ છે ! બાપુનાં લગ્ન પત્યે જ દાગીનો પાછો આવશે … તું પણ એવી છે કે મરવાની ફુરસદ નથી ને કામનો વધારો કર્યો જાશ … હવે મારે એના ઘીરે બે ઘડીનો ધામો નાખવો પડશે … હવે મારી કોથળી તૈયાર કર્યુ … હું વાઢાળાને ત્યાં જઈ આવું . કહી સવલો ઉત્તરની અપેક્ષા રાખ્યા વગર એની આગવી ગતિએ વિદાય થયો .
સંતલીએ ધણીને જતો જોઈ મનમાં કહ્યું : વડની પૂજામાં કાંઈક ઊણપ રહી ગઈ હશે … ! આ ભવનો સથવારો કેવી રીતે પૂરો થાશે ? ’
મનમાં આ રીતે બળાપો કરતી વીસ વરસની અડદાવેગી સંતલી ડેલી બંધ કરીને પાછી વળી. (ક્રમશ:)