અફઘાન અને પાકિસ્તાનની સરહદ વચ્ચે વસવાટ કરતી પશ્તૂન
પ્રજા પાકિસ્તાનના નાપાક સૈન્યના અત્યાચારો સામે રોષિત
બીજાના ઘરમાં અટક ચારા કરનાર પાકિસ્તાનનું પોતાનું ઘર અંદરથી સળગવા લાગ્યું છે. બલુચિસ્તાન બાદ હવે પશ્તૂન પ્રજાની આઝાદીની ભુખ વધી છે. જેના પરીણામે ગઈકાલે પાકિસ્તાનના લાહોર સુધી પશ્તૂન લોકોની વિશાળકાય રેલી થઈ હતી.
પાકિસ્તાનનું નાપાક સૈન્ય પશ્તૂન પ્રજા પર અમાનવીય અત્યાચાર કરી રહ્યું હોવાના આક્ષેપો અનેકવખત થઈ ચુકયા છે. પશ્તૂન લોકોને પાકના અત્યાચારથી છુટકારો અપાવવા પશ્તૂન પ્રોટેકશન મુવમેન્ટ શરૂ થઈ છે. આ મુવમેન્ટના માધ્યમથી વૈશ્ર્વિક સમુદાયને પાકના કૃત્યો અંગે માહિતગાર કરવામાં આવી રહ્યા છે.
અહીં ઉલ્લેખનીય છે કે પશ્તૂન પ્રજા અફઘાનિસ્તાન અને પાકિસ્તાનની બોર્ડર વચ્ચે વસે છે. આ પ્રજા બંને તરફની વફાદાર ગણવામાં આવે છે જોકે અફઘાનિસ્તાન અને પાકિસ્તાનના તાલીબાની આતંકીઓને સાથ આપતો હોવાની શંકાએ પાકિસ્તાનનું સૈન્ય અવાર-નવાર હુમલા કરતું હોય છે. પશ્તૂન પ્રજા તાલીબાની આતંકીઓ અને પાકિસ્તાનના લશ્કરના અત્યાચારનું બની રહી છે. આ બંને વચ્ચેની લડાઈમાં અનેક પશ્તૂન લોકોનો ભોગ લેવાઈ ગયો છે.
ગઈકાલે પાકિસ્તાનના લાહોર સુધી યોજાયેલી રેલીમાં ૫૦૦૦થી વધુ લોકો ઉભરાયા હતા. અગાઉ પણ રેલીઓ અને સભાનું આયોજન કરી પાકિસ્તાનના ત્રાસ અંગે વિશ્ર્વને જાણ કરાઈ હતી. પાકિસ્તાનના સૈન્ય દ્વારા થતા આતંક મુદ્દે પશ્તૂન પ્રજા વર્ષોથી પીડાઈ રહી છે જેની વિગતો ધીમે-ધીમે લોકો સમક્ષ આવી રહી છે. પાકિસ્તાનના નાપાક સૈન્યએ બહોળી સંખ્યામાં પશ્તૂન લોકોને કોઈ કારણ વગર જેલના સળીયા પાછળ ધકેલી દીધા હોવાનો ઘટસ્ફોટ પણ થયો છે. અત્યારસુધી ભારતમાં આતંકવાદને પોષણ આપનાર પાકિસ્તાનને હવે ઘરમાં જ વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે. હાલ શાંતીપૂર્ણ દેખાતા આ પ્રદર્શનો ટુંક સમયમાં લોહીયાળ બને તેવી દહેશત પણ છે. પશ્તૂન પ્રજાને ન્યાય નહીં મળે તો હજી મોટાપાયે આંદોલન થશે તેવું માનવામાં આવી રહ્યું છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com