જૂનાગઢ ચૂંટણીસભા સંબોધવા જતાં પૂર્વે વડાપ્રધાનનું રાજકોટ એરપોર્ટ પર ટુંકું રોકાણ
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આજે જુનાગઢમાં ચુંટણીસભા સંબોધવા જતાં પૂર્વે રાજકોટ એરપોર્ટ પર ટુંકું રોકાણ કર્યું હતું અને શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મિરાણી, મેયર બીનાબેન આચાર્ય, ધારાસભ્ય અરવિંદભાઈ રૈયાણી અને ગોવિંદભાઈ પટેલ સાથે વાતચીત કરી હતી.
સવારે ૧૦:૨૫ કલાકે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું રાજકોટ એરપોર્ટ પર આગમન થયું હતું જયાંથી તેઓ હેલીકોપ્ટર મારફત જુનાગઢ જવા રવાના થયા હતા. તેઓ રાજકોટમાં માત્ર ૪ વ્યકિતઓને જ મળ્યા હતા. જેમાં શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મિરાણી, મેયર બીનાબેન આચાર્ય, ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ અને અરવિંદભાઈ રૈયાણીનો સમાવેશ થાય છે. વડાપ્રધાને શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મિરાણીને એવી ટકોર કરી હતી કે, હું ઘણા સમયથી તને કવ છું કે શરીર ઉતાર પરંતુ તું કંઈ ધ્યાન આપતો નથી. પક્ષની બહુ ચિંતા કરે છે છતાં તારું શરીર કેમ ઉતરતું નથી. કમલેશ મિરાણીએ વડાપ્રધાનને એવું કહ્યું હતું કે, તમારું શરીર ખુબ જ સરસ થઈ ગયું છે ત્યારે વડાપ્રધાને સામે એવી ટકોર કરી હતી કે, હું તારા શરીરની વાત કરુ છું ત્યારે ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલે વડાપ્રધાનનું ધ્યાન દોરતા જણાવ્યું હતું કે, ખરેખર શહેર ભાજપ પ્રમુખ તરીકે કમલેશભાઈ મિરાણી ખુબ જ પક્ષની ચિંતા કરે છે.