સુરતમાં મેટ્રોથી લઈને પાલિકાના અલગ અલગ કામો ચાલી રહ્યાં છે. સુરતના ઉધના ખરવરનગર નજીક ખાડીની સાફ સફાઈ કરવામાં આવી રહી છે, ત્યારે એક દુર્ઘટના ઘટી હતી. વજનદાર સળિયો ઉઠાવતા ક્રેન નમી પડી હતી, જેના કારણે બે શ્રમિકો ઇજાગ્રસ્ત થયા હતા જેમાંથી એકનું ઘટનાસ્થળે મો*ત નીપજ્યું હતું. જ્યારે એક ગંભીર હાલતમાં છે જેને સુરતની હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યો છે.
ક્રેઇન તૂટી પડતા શ્રમિકો નીચે દબાયા
આ અંગે મળતી માહિતી મુજબ, સુરતના ઉધના ખરવર નગર નજીક ખાડી બ્રિજ નજીક સાફ-સફાઈ કામગીરી ચાલી રહી છે. ખાડીમાં સાફ સફાઈ માટે વિવિધ મશીનરીઓ મૂકવામાં આવી છે, ત્યારે આજે શ્રમિકો ખાડીમાં સફાઈ કરવા માટે વજનદાર સળીયો કાપવાનું કામ કરી રહ્યા હતા, ત્યારે અચાનક જ ક્રેન ચાલકે સળીયો ઉઠાવી લેતા ક્રેઇન તુટી પડી હતી. જેથી બે શ્રમિકો ક્રેન નીચે દબાઈ ગયા હતા. જેમાંથી એક શ્રમિકનું ઘટના સ્થળે મો*ત નીપજ્યું હતું. જ્યારે એક શ્રમિક ઇજાગ્રસ્ત થયો હોવાથી તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. તેમની હાલત ગંભીર હોવાનું સામે આવ્યું છે.
હાલત ગંભીર હોવાથી હોસ્પિટલ ખસેડાયો આ અંગે ત્યાં કામ કરતા ધર્મેન્દ્રકુમારે જણાવ્યું હતું કે, આજે સવારે અમે આઠ વાગ્યે ખાડીમાં સફાઈ કરવા માટે પહોંચ્યા હતા. ત્યારે વજનદાર સળિયો ક્રેન વડે ઉચકાવવાનો હતો, પરંતુ તેનો વજન વધારે હોવાથી પહેલા તેને કાપવાનો હતો, જેથી અમે શ્રમિકો સળિયો કાપવાનું મશીન લેવા માટે ગયા હતા. આ દરમિયાન અચાનક જ ક્રેન ચાલકે સળિયો ઉઠાવી લેતા ક્રેન નમી પડી હતી અને ત્યાં ઉભેલા બે શ્રમિકો દટાઈ ગયા હતા. જેમાંથી એક શ્રમિકનું ઘટના સ્થળે મો*ત નીપજ્યું છે. જ્યારે એકની હાલત ગંભીર હોવાથી તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.