ગુજરાતના જુદા-જુદા શહેરો પર પોણા નવ લાખ વિદ્યાર્થીઓ લોકરક્ષકની પરીક્ષા આપી રહ્યા હતા તે પરીક્ષાનું પેપર ફુટી જવાથી પરીક્ષા રદ કરી જે બેરોજગાર વિદ્યાર્થીઓ સાથે સરકારે મજાક કરી છે તેથી ભાજપ સરકાર સામે રોષ વ્યકત કરી દલિત હકક રક્ષક સમિતિ, ઉપલેટાના ક્ધવીનર કેશુભાઈ વિંઝુડાએ સરકારને બેજવાબદાર અને ગુજરાતની શરમજનક સરકાર ગણાવી વિરોધ દર્શાવેલ છે.
કેશુભાઈ વિંઝુડાએ વધુમાં જણાવ્યું કે ભાજપ સરકારના શાસનમાં પેપર ફુટવાનો સીલસીલો શરૂ થયો છે, તે અટકતો નથી. અગાઉ તલાટી અને ટાટની પરીક્ષાના પેપર લીક થતાં પરીક્ષા રદ કરવી પડી છે. સરકાર એક પણ પરીક્ષાને સફળતાપૂર્વક પાર કરી શકતી નથી. લોકરક્ષકની પરીક્ષા માટે સામાન્ય વર્ગના યુવાનોએ છ-છ મહિના મહેનત કરી છે. તહેવારો મનાવ્યા નથી. સરકારે એક જિલ્લાના વિદ્યાર્થીઓને બીજા જિલ્લામાં પરીક્ષા આપવા માટે પરીક્ષા પઘ્ધતિ ગોઠવી છે. તેમાં એક-એક વિદ્યાર્થીને જમવાના-રહેવાના ભાડામાં ખર્ચ પેટે બે હજાર જેટલો ખર્ચ થયો છે.
આ ખર્ચ સરકાર આપશે કે કેમ ? ગરીબો અને ખેડુતોના દિકરાઓ વ્યાજે લઈને પરીક્ષા આપવા આવ્યા હતા. પરીક્ષા રદ થતાં વિદ્યાર્થીઓના સમય-શકિત અને નાણા બરબાદ થયા છે અને પેપરો પણ વર્ગ-૩ના જ ફુટે છે. આ પરીક્ષા પણ ગરીબ વર્ગના વિદ્યાર્થીઓ જ આપતા હોય છે. સરકાર હંમેશા ગરીબો સાથે મજાક કરી રહી છે. આ તેનો પુરાવો છે. ભાજપ સરકાર પરીક્ષાના પેપર જેવી ગોપનીયતા જાળવવામાં નિષ્ફળ ગઈ છે. આ સરકારને સતા પર રહેવાનો અધિકાર નથી. અંતમાં કેશુભાઈ વિંઝુડાએ જણાવ્યું કે લાખો યુવાનોના નસીબ સાથે ચેડા કરનારા સામે સરકાર કડક પગલા ભરે, ભરતી બોર્ડના ગદારોને ખુલ્લા કરે અને તંત્રની ગુન્હાહિત બેદરકારીને ડામે. નહિતર લોકો સરકારને માફ નહીં કરે અને આવતી ચુંટણીમાં ભાજપનું નસીબ ફોડી નાખશે.