કુતરાનો પણ ક્યારેક દિવસ હોય છે!!!
કલાકો બાદ વન વિભાગે બાથરૂમનો દરવાજો ખોલતા કૂતરો સલામત બહાર આવ્યો!
દરેક કૂતરાનો પણ એક દિવસ હોય છે આ ઉક્તિ કર્ણાટકમાં સાચી ઠરી છે. એક બંધ બાથરૂમમાં કૂતરું અને દીપડો બંને આશરે ચાર કલાક સુધી બંધ રહ્યા છતાં કૂતરું બાથરૂમમાંથી સહી સલામત બહાર આવતા આશ્ચર્ય થયો છે. સમગ્ર ઘટનાના ફોટો પણ સોશ્યલ મીડિયામાં વાયરલ થયા છે.
ઘટના કર્ણાટક રાજ્યની છે. ઇન્ડિયન ફોરેસ્ટ સર્વિસ ઓફિસર પરવીન કાસવાન નામના અધિકારીએ તેમના ટ્વિટર એકાઉન્ટ પર સમગ્ર ઘટનાનો ફોટો સાથે ઉલ્લેખ કર્યો છે. તેમણે ટ્વિટર પર સમગ્ર ઘટના શેર કરી છે. કાસવાને ટ્વિટર હેન્ડલ પર મૂકેલા ફોટોમાં કૂતરો અને દીપડો એક જ બાથરૂમમાં સંકળામણ સાથે સામ-સામે કલાકો બેઠા જોવા મળે છે. કાસવાને ટ્વિટર હેન્ડલ પર લખ્યું છે કે, ’દરેક કૂતરાનો એક દિવસ આવે છે’. કલાકો સુધી કૂતરો બંધ બાથરૂમમાં દીપડાની સાથે રહ્યો છતાં કૂતરો સલામત બહાર આવ્યો જે ખૂબ આશ્ચર્ય પમાડે તેવી ઘટના છે, આવી ઘટનાઓ ફક્ત ભારતમાં જ બની શકે છે.
અધિકારીના જણાવ્યા અનુસાર દીપડો શિકાર કરવા માટે કૂતરાનો પીછો કરી રહ્યો હતો. કૂતરો ભાગતા-ભાગતા બાથરૂમમાં ઘૂસ્યો અને તેની પાછળ દીપડાએ પણ બાથરૂમમાં પ્રવેશ કર્યો. અહીં મકાન માલિકે દીપડાનો પ્રવેશ બાથરૂમમાં થતા જોઈને બાથરૂમનો દરવાજો બંધ કરી દીધો હતો. આ ઘટના દક્ષિણ કર્ણાટકના કદબા જિલ્લામાં બની હતી તેવું અધિકારીએ અન્ય એક ટ્વિટમાં જણાવ્યું છે. ઘટનાની જાણ થતાં વન વિભાગે પ્રાણીઓને રેસ્ક્યુ કર્યા હતાં. નોંધનીય છે કે, સમગ્ર ઘટના અંગે અધિકારી દ્વારા કરાયેલી ટ્વિટર પોસ્ટને ૩૫૦ વધુ શેર મળ્યા છે.