અત્યાર સુધીમાં ૩૦.૭૫ કરોડ પાનકાર્ડ આધાર સાથે જોડાયા: ૧૭.૫૮ કરોડ પાન બાકી
આધારકાર્ડ સાથે લીંક નહીં થયા હોય તેવા પાનકાર્ડ આગામી તા.૩૧ માર્ચ ૨૦૨૦થી સ્ગીત થઈ જશે તેવું આવકવેરા વિભાગ દ્વારા કહેવાયું છે. પાનકાર્ડ અને આધારકાર્ડને જોડવાની ડેડલાઈન આગામી તા.૩૧ માર્ચે પૂરી થવા જઈ રહી છે. અત્યાર સુધીમાં ૩૦.૭૫ કરોડ પાનકાર્ડને આધાર સાથે જોડી દેવામાં આવ્યા છે.
સુત્રો પાસેથી મળતા આંકડા મુજબ આવકવેરા વિભાગની કલમ ૧૩૯ એ-એ (૨) મુજબ જે વ્યક્તિ પાસે પાનકાર્ડ છે તેને આધારકાર્ડ સાથે પાનકાર્ડ જોડવું ફરજીયાત છે. ૨૦૧૮ના સપ્ટેમ્બર મહિનામાં સુપ્રીમ કોર્ટે આધારને સંવિધાનીક ટેકો આપ્યો હતો અને ઈન્કમટેકસ ભરવા તેમજ આધારકાર્ડ એલોટમેન્ટ કરવા માટે બાયોમેટ્રીક આઈડી ફરજીયાત હોવાની વાતને આધાર આપ્યો હતો. વર્ષ ૨૦૧૭ની જુલાઈ સુધીમાં જે વ્યક્તિ પાસે પાનકાર્ડ હશે તેને આધારકાર્ડ સાથે જોડવું ફરજીયાત કરાયું હતું. આ માટે સરકાર દ્વારા તા.૩૧ માર્ચ ૨૦૨૦ની ડેડલાઈન આપવામાં આવી હતી. આવા સંજોગોમાં હવે ઈન્કમટેકસ વિભાગે કહ્યું છે કે, જે પાનકાર્ડ આધાર સાથે જોડાયેલા નહીં હોય તે રદ્દ થઈ જશે. અહીં નોંધનીય છે કે, અત્યાર સુધીમાં ૩૦.૭૫ કરોડ પાનકાર્ડ આધારકાર્ડ સાથે જોડાઈ ગયા છે પરંતુ ૧૭.૫૮ કરોડ પાનકાર્ડ એવા છે જેને આધારકાર્ડ સાથે જોડવામાં આવ્યા નથી. આ પાનકાર્ડને આગામી તા.૩૧ માર્ચ સુધીમાં જોડવાના રહેશે.