લોકોના કામો કરવા અમારી પાસે પૈસા અને પ્રબળ રાજકીય ઈચ્છા શક્તિ પણ છે: મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી
રાજ્યનું બજેટ પહેલા માત્ર ૮-૯ હજાર કરોડ હતું જે આજે વધીને રૂ.૨.૧૦ લાખ કરોડ થયું છે
મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું છે કે, સમગ્ર વિશ્વમાં કોરોના મહામારીને કારણે વિકાસની ગતિ થંભી ગઇ છે, પણ ગુજરાતે આ મહામારીનો મજબૂતાઇથી સામનો કરીને વિકાસની ગતિ અવિરત રાખી છે. કોરોના કાળ ચાલતો હોવા છતાં પણ છેલ્લા પાંચ માસમાં રાજ્યમાં રૂ. ૨૫ હજાર કરોડના વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરી લોકસુવિધાને બહેતરીન બનાવવામાં આવી છે.
રાજ્યના તમામ ઘરોમાં વર્ષ ૨૦૨૨ સુધીમાં નલ સે જલ પહોંચાડવાના દૃઢ સંકલ્પને દોહરાવતા મુખ્યમંત્રીએ જણાવ્યું કે, ગુજરાતને પાણીદાર રાજ્ય બનાવવું છે. રાજ્યમાં વીજગ્રિડ અને ગેસની ગ્રિડની જેમ જ પાણી વિતરણ માટે એક લાખ કિલોમિટર લાંબી પાઇપ લાઇનની વોટર ગ્રિડ ઉભી કરી છેવાડાના ઘર સુધી પીવાનું શુદ્ધ પાણી પહોંચાડ્યું છે. મા નર્મદા ગુજરાતની પરિક્રમા કરવા નીકળી છે. રાજ્યમાં છેલ્લા એક માસમાં પાણી પુરવઠાની વિવિધ યોજનાઓના રૂ. ૫૭૦૦ કરોડના કામો હાથ ધરવામાં આવ્યા હોવાનું તેમણે ઉમેર્યું હતું.
મુખ્યમંત્રીએ વિકાસ વિરોધીઓની આલોચના કરતાં કહ્યું કે, ભૂતકાળની સ્થિતિ જો જોવામાં આવે તો પહેલા માત્ર ૨૬ ટકા ઘરોમાં જ નળ જોડાણની સુવિધા હતી. તે અમારી સરકારે વધારીને ૮૨ ટકા કરી છે. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીનો સંકલ્પ વર્ષ ૨૦૨૪ સુધીમાં નલ સે જલ યોજના સાકાર કરવાનો છે. પણ, ગુજરાત વર્ષ ૨૦૨૨ સુધીમાં રાજ્યના તમામ એટલે ૧૦૦ ટકા ઘરોમાં નળથી જળ પહોંચાડી દેશે, તેવું સુદ્રઢ આયોજન કર્યુ છે.
રૂપાણીએ કહ્યું કે, પહેલા રાજ્યનું બજેટ માત્ર ૮-૯ હજાર કરોડ હતું. તે આજે વધીને રૂ. ૨. ૧૦ લાખ કરોડ થઇ ગયું છે. લોકોના કામો કરવા માટે અમારી પાસે પૈસા પણ છે અને પ્રબળ રાજકીય ઇચ્છાશક્તિ પણ છે.
તેમણે વિરોધીઓને આડેહાથ લેતા ઉમેર્યું કે, તેમને સપના જોતા પણ આવડતું નથી. પાણીની યોજનાઓ બાબતે વિરોધીઓ કહેતા હતા કે પાઇપ લાઇનમાંથી માત્ર હવા જ નીકળશે. પણ, અમે યોજનાઓ સાકાર કરી દેખાડતા વિરોધીઓની હવા નીકળી ગઇ છે. આ યોજનાઓને મુંગેરી લાલના સપના જેવી ગણાવતા લોકોને અમે સ્પષ્ટ કહીએ છીએ કે અમે દિવસે સ્વપ્ન જોઇ તેને સાકાર કરવાની, જમીન પર ઉતારવાની ક્ષમતા ધરાવીએ છીયે.
તેમણે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી દ્વારા આરંભવામાં આવેલી જનકલ્યાણની યોજનાઓની માહિતી આપતા જણાવ્યું કે, દરેક ઘરમાં શૌચાલયો બનાવી નારીઓને ગૌરવપૂર્ણ જીવવાનો રાહ ચિંધ્યો છે. આટલું જ નહીં.,
આવાસ યોજના તથા પાક મકાનો બનાવવામાં આવ્યા છે. ગરીબ ગૃહિણીઓના આરોગ્યની ચિંતા કરીને ઉજ્જવલા યોજના હેઠળ ઘરેલું ગેસ જોડાણ પૂરા પાડ્યા છે અને જલ જીવન મિશન હેઠળ સમગ્ર ભારતવર્ષમાં નળથી જળ આપવાનું મહાઅભિયાન ઉપાડ્યું છે.