સમગ્ર વિશ્વમાં કોરોનાને રોકવા માટેસ શોધનો થઈ રહ્યાં છે અને કોરોનાને અટકાવવા રસી પણ શોધાઈ રહી છે. તેવા સંજોગોમાં ઓક્સફોર્ડ યુનિવર્સિટીએ બનાવેલી કોરોના રસીનું હાલ બીજા અને ત્રીજા તબક્કાનું પરિક્ષણ ચાલી રહ્યું છે. ભારતમાં પૂના ખાતે એક ગાયનેક સહિત બેને આ રસીના ડોઝ આપવામાં આવ્યા હોવાનું બહાર આવ્યું છે.
પૂનાની ભારતી હોસ્પિટલમાં ઓક્સફોર્ડ યુનિવર્સિટીની કોરોના રસીનું પરિક્ષણ કરવામાં આવ્યું છે. આ રસી બે વ્યક્તિને આપવામાં આવી છે. જેમાં એક ૪૮ વર્ષના સ્વયંસેવક પૂનાની ખાનગી હોસ્પિટલમાં ફરજ બજાવતા ગાયનેકોલોજીસ્ટ છે. જ્યારે બીજા સ્વયંસેવક ૩૨ વર્ષના ડોકટરેટ છે. જે એક ખાનગી કંપનીમાં ફરજ બજાવે છે.
રસીનો પહેલો ડોઝ ૩૨ વર્ષના સ્વયંસેવકને બુધવારે બપોરે ૧.૩૫ કલાકે આપવામાં આવ્યો હતો. જ્યારે બીજા સ્વયંસેવકને રસીનો ડોઝ પંદર મિનિટ બાદ એટલે ૧.૫૦ કલાકે અપાયો હતો. અત્રે એ યાદ આપીએ કે દસ વર્ષ અગાઉ સ્વાઈન ફલુની રસીના પરિક્ષણ માટે સ્વયંસેવક તરીકે સેવા આપી હતી.
ભારતી વિદ્યાપીઠ મેડિકલ કોલેજ હોસ્પિટલના ચિકિત્સા નિર્દેશક ડો.સંજય લાલવાણીએ જણાવ્યું હતું કે, મંગળવારે પાંચ સ્વયંસેવકોની તપાસ કરવામાં આવી તેના આરટી પીસીઆર અને એન્ટીબોડી ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાં ત્રણ વ્યક્તિમાં એન્ટી બોડી જોવા મળ્યા એનો એ અર્થ કહી શકાય કે તે ક્યાંકને ક્યાંક સંક્રમિત છે એટલે એ ત્રણ વ્યક્તિને ટ્રાયલ માટે લેવામાં આવ્યા ન હતા. આ રસીનું ૧૬૦૦ લોકો પર પરિક્ષણ કરવામાં આવશે. ડ્રગ કંટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયા (રાષ્ટ્રીય ડ્રગ રેગ્યુલેટર)એ ૩ ઓગષ્ટે પૂનાની સીરમ ઈન્સ્ટીટયુટ ઓફ ઈન્ડિયાને ભારતમાં રસીના બીજા અને ત્રીજા તબક્કાના માનવીય પરીક્ષણ તબીબી ટ્રાયલની મંજૂરી આપી છે.
૧૫ વર્ષમાં ૫૦થી વધુ તબીબી પરીક્ષણ
ભારતી વિદ્યાપીઠના સ્વાસ્થ્ય વિજ્ઞાન વિભાગના કાર્યકારી નિર્દેશક ડો.અસ્મિતા જગતાપે જણાવ્યું હતું કે, અમારી સંસ્થાએ છેલ્લા ૧૫ વર્ષમાં ૫૦થી વધુ તબીબી પરીક્ષણો થઈ ચૂકયા છે. તેમણે વધુમાં જણાવ્યું કે, તબીબી પરીક્ષણ માટે સ્વયંસેવક તરીકે કામ કરવા અનેક લોકોના ફોન રોજે રોજ આવી રહ્યાં છે જે આવા તબીબી પરીક્ષણમાં ભાગ લેવા ઈચ્છે છે.
પરીક્ષણ માટે સ્વયંસેવકો ઉમટ્યા
રસીના પરીક્ષણ માટે સ્વયંસેવકોની ભારે ભીડ જોવા મળી હતી. પૂનાની ચાર જગ્યા ઉપર ૨૫૦ થી ૩૦૦ સ્વયંસેવકો એકઠા કરાયા હતા. જેમાં સ્ક્રીનીંગ કરીને કેટલાક લોકોની યાદી બનાવવામાં આવી હતી. રસીનો ડોઝ લેનાર ગાયનેકે જણાવ્યું હતું કે, હું આ ટ્રાયલમાં ભાગ લેતા સમયે ઉત્સાહિત થયો નથી કારણ કે મેં આ વાયરસથી મરતા કેટલાય લોકોને જોયા છે. રસી એક જ આ વાયરસથી બચવાનો ઈલાજ છે.