“એસીબી પીઆઈને ડીવાયએસપીએ કહ્યું જયદેવને એરેસ્ટ કરવો અશક્ય છે કેમ કે તે આવો કોઠી કબાડામાં હોય નહી; સિવાય કે તમો ખોટી તપાસ કરો તો !”
તે સમયે સૌરાષ્ટ્રમાં ચડ્ડી બનીયન ધારી ગેંગનો લગભગ તમામ જીલ્લાઓમાં પેટ્રોલ પંપો ઉપર પથ્થર મારો કરી લૂંટ ધાડના ગુન્હા કરવાનો ત્રાસ ફેલાયેલો હતો.તેથી સમગ્ર રાજયમાં તમામ પોલીસ સ્ટેશનો વિસ્તારમાંથી પસારથતા હાઈવે ઉપરના પેટ્રોલ પંપોની સુરક્ષા માટે રાત્રીની પેટ્રોલીંગો ચાલુ કરવામાં આવેલી.
એક વખત ફોજદાર જયદેવ રાત્રીના હાઈવે પેટ્રોલીંગ માટે અગીયારેક વાગ્યે જીપ લઈને લાઠીથી રવાના થયો જીપમાં સાથે જમાલભાઈ જમાદાર તથા રાયટર નનુસીંગ અને કોન્સ્ટેબલ રાજયગુરૂ હતા જીપ પોલીસ સ્ટેશનથી શરૂ કરી સેતા પાટી, ચાવંડ દરવાજા, સરકારી દવાખાને થઈ બસ સ્ટેન્ડ ચેક કરતા કરતા કલાપી હાઈસ્કુલ પાસેથી અમરેલી હાઈવે ઉપર ચડયા. જીપ અંધારામાં મધ્યમ ઝડપે ગતિ કરી રહી હતી ઠંડી હવામાં જયદેવ રોડ સાઈડમાં આવેલ વાડી ખેતરોનો રાત્રીનો કુદરતી નજારો અને તેની મોજ માણી રહ્યો હતો. અને ચોતરફ જયાં સુધી નજર પહોચે ત્યાં સુધી જોતો હતો. જીપમાં પાછળ જવાનો પોતાની રીતે વાતો કરતા હતા તેવામાં સામેથી એક ટ્રક આવતો હતો તે પોતાની સાઈડ છોડીને પોલીસ જીપ તરફ ફંટાતાજ ડ્રાઈવર ગંભીર સિંહ જીપને ડાબી સાઈડમાં રોડથી નીચે ઉતારીદીધી એક બે જંપ માર્યા અને તમામના જીવ ઉંચાઈ થઈ ગયા પરંતુ ગંભીરસિંહે જીપને કંટ્રોલ કરી ફરીથી રોડ ઉપર ચડાવી દીધી.
જયદેવે સમગ્ર બનાવ પોતાની નજરે નીહાળ્યો હતો તેથી ગંભીરસિંહને તો ઠપકો આપવાનો કોઈ પ્રશ્ન જ ન હતો. પરંતુ ટ્રક ઓચિંતો સાવ ખોટી દિશામાં દોડયો તે ઘણી જ ગંભીર બાબત હતી. જે બાબત પોલીસ અધિકારી તરીકે ચલાવી લેવાનું જયદેવને જરાપણ વ્યાજબી લાગ્યું નહિ. તેણે મનમાં નકકી કર્યું કે માનવ જીંદગી ને સાવ મગત‚ સમજતા આવા નફકરા ટ્રક ડ્રાઈવર ને પોતે અવશ્ય બોધ પાઠ આપશે આથી તેણે ગંભીરસિંહને જીપ પાછી વાળી લાઠી તરફ ટ્રક પાછળ લેવા અને તે ટ્રકને ઓવરટેઈક કરવા સુચના કરી દીધી. થોડીવારમાં જ પોલીસ જીપે ટ્રકને ઓવરટેક કરી લાઠીથી કેરીયા ગામ રામનાથ મહાદેવ મંદિર તરફ જતા ચાર રસ્તા પાસે રોકી લીધો.
જીપમાં બેઠેલા તમામ જવાનો ને તો આ બનાવમાં મોત સામે જ દેખાઈ ગયું હતુ તેથી માનવ સહજ રીતે તમામ ઉગ્ર થઈ ગયા હતા. રાયટર નનુસીંગ એવા ઠંડા દિગામની વ્યકિત હતો કે તેને બોલતો સાંભળવો પણ દુર્લભ હતો. પછી ગુસ્સો તો કયાંથી સંભવ હોય? પણ કોન્સ્ટેબલ રાજયગુરૂ જે છ ફૂટ ઉંચો જવાન અને વળી એકસ મીલ્ટ્રી મેન આ જોઈને જાલ્યો રહે? પરંતુ ટ્રકના ડ્રાઈવરને ઓસાણ આવી ગયું હતુ કે આજે પ્રસાદી તો મળશે જ કેમકે આ ભૂલ દરરોજ થતી ભૂલ જેવી સામાન્ય નથી. પરંતુ ‘સિહની બોડમાં હાથ નાખવા’ જેવી જોખમી ભૂલ થઈ છે. તેથી પોલીસ સર્વીસ તો કરશે જ તેમ માની સ્વેચ્છાએજ પરિણામ ભોગવવા તૈયાર થઈ ગયેલો તેથી જેવી જીપ આગળ ઉભી રહી એટલે તેણે ટ્રકમાંથી ઉતરીને સીધા જ હાથ જોડીને આજીજી કરી ભૂલ થઈ ગઈ તેમ કહ્યું પરંતુ પોલીસ જવાન તેને માફી આપવાના મૂડમાં ન હતા અને ટ્રક ડ્રાઈવરને કહ્યું કે જો તું લાલ લેમ્પવાળી જીપ ઉપર ટ્રક નાંખતો હોય અને તેની જરા પણ તકેદારી રાખતો ન હોય તો બીજા બીચારા સામાન્ય લોકોનું શું? ખાસ રાજયગુરૂ તેના જુના આર્મી મીજાજમાં આક્રમક હતો. જયદેવ જીપમાં બેઠો બેઠો આ તાશીરો જોતો હતો ત્યાંથી તેણે નનુસીંગને કહ્યું કે ટ્રક ડ્રાઈવરે દારૂ પીધેલ છે. કેકેમ? તેની ખાત્રીકરો. આથી નનુસીંગે ડ્રાઈવરનું મોઢુ સુંઘ્યું અને કહ્યું પીધેલો તો નથી અને નનુસીંગ જેવા સરળ અને સીધા જવાને પણ ટ્રક ડ્રાઈવરને પહેલા મોઢેથી એક બે ચોપડાવી અને પછી હાથે થી બે ત્રણ ગાલ ઉપર ચોપડાવી દીધી.
ગુસ્સામાં થનગની રહેલો રાજયગુરૂ આર્મી અને પોલીસ બંનેની ટ્રેનીંગ લીધેલા છ ફૂટ ઉંચો જવાને ટ્રક ડ્રાઈવરને તેના જમણા હાથેથી રહેલો ફડાકો ગાલ ઉપર માર્યો અને ડ્રાઈવરનો ચહેરો જમણી તરફ વળી ગયો અને બીજો ડાબા હાથેથી ફડાકો માર્યો તે વળેલો ચહેરો સીધો થઈ ગયો. પણ થોડીજ વારમાં ટ્રક ડ્રાઈવરનો ચહેરો અને આંખો સોજીને લાલ થઈ ગઈ.
જયદેવે તેમને રોકયા અને કહ્યું બસ આટલુ પુરતુ છે અને નનુસીંગને કહ્યું આની વિરૂધ્ધ ભારતીય દંડ સંહિતાની કલમ ૨૭૯ મનુષ્યની જીંદગી જોખમાય તે રીતે બેદરકારીપૂર્વક પૂર ઝડપે અને ભયજનક રીતે પોતના હવાલાવાળુ વાહન ચલાવવા અંગે તથા મોટર વ્હીકલ એકટ કલમ ૧૮૭ (૧) અને ૧૮૪ મુજબની એફઆઈઆર અને પંચનામું તૈયાર કરો. પરંતુ ટ્રક ડ્રાઈવરે હાથ જોડી જયદેવને આજીજી કરી ફરિયાદ નહિ કરવા કરગરવા લાગ્યો. કે હવે આવી ભૂલ કયારેય નહિ થાય સાહેબ, પણ જમાલભાઈ જમાદારે ડ્રાઈવરનું નામ ઠામ જાણી લીધેલુ તેથી તેમણે જયદેવને કહ્યું ‘સાહેબ આ ડ્રાઈવર “શૈતાન કી માસી છે. અને ટ્રકનો માલીક પણ ‘શૈતાન કી માસી’ જ છે. પણ રાષ્ટ્રીય પાર્ટીનો મોટો નેતા છે. અને અકે ભૂતપૂર્વ સંસદ સભ્યનો ખાસ અંગત ટાયો પણ છે. આથી આને સાવ કોઈ કાયદેસરની કાર્યવાહી કર્યા સિવાય જવા દેવાય નહિ પુરી જ દેવાય !’ પરંતુ કોન્સ્ટેબલ રાજયગુરૂએ કહ્યું ‘સાહેબ જવાદો ને આવા મચ્છર તો કંઈક જોયા અને આ કાર્યવાહીમા રોકાયાને કયાંક ચડ્ડી બનીયન ધારી ટોળકી ઝળકી ગઈ તો વળી પાછા ધંધે લાગી જઈશુ આથી જયદેવે ડ્રાઈવરને કમને માફી આપી. પાછા જીપ લઈને અમરેલી ટોડા વરસડા તરફ રવાના થયા. ટ્રક તો અમદાવાદનું ભાડુ લઈને નીકળેલો તે ચાવંડ તરફ ઉપડયો.
લાઠી પોલીસની જીપ ટોડાના પાટીયા સુધી જઈને પાછી વળીતે દરમ્યાન અડધો પોણો કલાક થઈ ગયો હતો. જીપ લાઠી બસ સ્ટેન્ડ પાસે આવતા એક ટ્રક સામેથી આવીને પસાર થઈ અમરેલી તરફ ગયો જયદેવનું ધ્યાન બસ સ્ટેન્ડમાં હતુ પરંતુ રાજયગુરૂએ કહ્યું ‘સાહેબ આ ગયો તે ટ્રકતો પેલો ‘શેતાન કી માસી’ વાળો જ હતો. પાછો કાં વળ્યો?’
જયદેવે જીપ પાછી તે ટ્રકની પાછળ કરી ઓવરટેક કરાવી ઉભી રાખતા ડ્રાઈવર નીચે ઉતરીને આવ્યો તે પેલો જ ડ્રાઈવર હતો.જયદેવે તેને પૂછયું ‘એલા પાછો કેમ વળ્યો?’ તેણે કહ્યું સાહેબ મારી તબીયત બગડી ગઈ છે. એટલે પાછો જાઉ છું. આથી જયદેવેતેને પૂછયું ‘તને શું થાય છે?’ તેણે કહ્યું ‘સાહેબ તાવ આવી ગયો છે જયદેવે રાજયગુરૂને કહ્યું ડ્રાઈવરનું યેમ્પરેચર માપો. રાજયગુરૂએ ટ્રક ડ્રાઈવરને હાથ અડાડીને જ કહ્યું’ કાંઈ નથી ખોટો છે ઠંડો હીમ જેવો’ જમાલભાઈએ કહ્યું ‘સાહેબ હું નહોતો કહેતો આને એમ ને એમ ન જવા દેવાય આ શૈતાન ની માસી છે. આથી રાજયગુરૂએ ડ્રાઈવરને પકડીને કહ્યું સાલા ખોટા હવે તને સાચો તાવ જ આવી જાય તેવી સરભરા કરૂ છું કહીને તેની બરાબર સર્વીસ કરી દીધી.
ત્યારબાદ ટ્રકને લાઠી પોલીસ સ્ટેશનમાં લેવડાવીને ટ્રકને કંપાઉન્ડમાં રાખી કલીનરને તેની ચોકીદારી કરવાનું કહી ડ્રાઈવરને લોકઅપમાં મૂકી દીધો અને પંચનામું બનાવીને ભારતીય દંડ સંહિતા ક ૨૭૯ તથા એમ.વી. એકટ કલમ ૧૮૩ (૧) ૧૮૪ મુજબની શ્રી સરકાર તરફે એફઆઈઆર ડ્રાઈવર વિરૂધ્ધ તૈયાર કરાવી ગુન્હો દાખલ કરાવી દીધો.
જયદેવ વળી જીપ લઈને બીજા રાઉન્ડમાં ઉપડયો અને ચાવંડ તથા લાઠી બજારમાંથી રાત્રીનાં સમયે ગુન્હો કરવા રખડતા શક પડતા બહારના ગુનેગારો મળી આવતા અને તેની ઝડતી તપાસમાં છરા જેવા હથીયારો પણ મળી આવતા જેમની પાસે હથીયારો હતા તેમની વીરૂધ્ધ મુંબઈ પોલીસ અધિનિયમની કલમ ૧૩૫ મુજબ અને જેઓ શક પડતા ગુન્હો કરવાનાજ ઈરાદે મળી આવેલા તેમની વિરૂધ્ધ મુંબઈ પોલીસ અધિનિયમ કલમ ૧૨૨ મુજબના પંચનામા અને એફ.આઈ.આરો શ્રી સરકાર તરફે તૈયાર કરાવી ગુન્હા નોંધાવી દીધા અને સવારના પાંચેક વાગ્યે પોતાના નિવાસ સ્થાને ચાલ્યો ગયો.
પોલીસ સ્ટેશનમાં આવા બનતા ગુન્હાના વર્ગીકરણ મુજબ ભાગ ૬ના ગણાય છે. અને આવા ગુન્હાની તપાસો જેતે વિસ્તાર એટલે કે બીટ કે ઓ.પો.ના જમાદારો કરતા હોય છે જેમાં બાકીની કાર્યવાહીમાં સાહેદોના નિવેદનો આરોપીના આંગળાની છાપો, ફોટા, કોર્ટમાં મોકલવાના રીપોર્ટને ચાર્જશીટ વિગેરે જમાદારો કરતા હોય છે.તે રીતે આઈ.પી.કો.ક. ૨૭૯ વિ.ના ગુન્હાની તપાસ ટાઉન જમાદાર ભાલુદાદાને સોંપાયેલી.
તે દિવસોમાં લીલીયા ફોજદાર વારંવાર રજા ઉપર તથા સીક રજા ઉપર જતા તેથી લીલીયા પોલીસ સ્ટેશનનો વધારાનો ચાર્જ પણ જયદેવ પાસે રહેતો લીલીયા લાઠીથી ત્રીસેક કિલોમીટર દૂર આવેલુ હતુ.
તેજ રાત્રીના લીલીયા ટાઉનમાં એક કાપડની દુકાનમાં મોટી રકમની કાપડની ચોરી થયેલી ચાર્જ જયદેવ પાસે હોય સવારમાં જ લીલીયાથી લાઠી આ મોટી રકમનો ગુન્હો ઉચ્ચ અધિકારીના વિજીટેશન હોય જયદેવને જાત તપાસ માટે નો વાયરલેસ આવી ગયો આથી જયદેવ તે ગુન્હાની તપાસમાં લીલીયા જવા રવાના થઈ ગયો. લીલીયાથી તે કાપડની ઘરફોડ ચોરીની તપાસમાંથી રાત્રે પાછો આવ્યો ત્યારે એક કોન્સ્ટેબલે જયદેવને સમાચાર આપ્યા કે પેલા ટ્રકના ડ્રાઈવરને કોર્ટમાં રજૂ કર્યો ત્યારે તેણે પોલીસ વિરૂધ્ધ મારમાર્યાની ફરિયાદ કરતા મેજીસ્ટ્રેટ સાહેબે તેને અમરેલી સીવીલ હોસ્પિટલમા મોકલવાનું વોરંટ ભરી દીધું હતુ તેથીતેને અમરેલી સીવીલ હોસ્પિટલમાં સારવાર કરાવી જિલ્લા જેલમાં મૂકી આવ્યા છીએ જયદેવને થયું જમાદાર જમાલભાઈની વાત સાચી હતી કે ડ્રાઈવર શૈતાન ની માસી છે અનેતે ખરેખર નીકળ્યો શૈતાન ની માસી !
તે પછીનો દિવસ રવિવાર હતો આથી ડ્રાઈવરના જામીન છેક સોમવારે થયા પરંતુ જમાલભાઈ જમદારની માહિતી મુજબ ટ્રકનો માલીક પણ શૈયતાન ની માસી હતો તે હકિકત પણ સાચી પડી. આ ટ્રાન્સપોર્ટર રાજકારણીને તેનો ટ્રક રોકાયો અને તેના ડ્રાઈવરને પણ જેલમાં પુરી દીધો તેથી તેણે હુંકાર કર્યો કે મારો ટ્રક રોકનાર ફોજદાર કોણ? તેને આ બાબત અપમાન જનક લાગી કેમકે તેને ત્યાં મોટા ગજાના રાજકારણીઓ અને મોટા મોટા અધિકારીઓનો પણ આવરો જાવરો હતો. જમાલભાઈના કહેવા મુજબ એક સમયે તો આ ટ્રાન્સપોર્ટર ફોજદારોની નિમણુંક પોતાની ઈચ્છા મુજબ કરાવતો. આથી પોતાનો અહંકાર ઘવાતા તેણે એક વકીલ કે જેઓ અગાઉ સરકારી ફરજમાંથી ફરજીયાત નિવૃત કરાયેલ તેનો સંપર્ક કરી જયદેવ વિરૂધ્ધ અમરેલી સેશન્સ કોર્ટમાં ડ્રાઈવરને લઈને બીજી એક ફરિયાદ લાંચ રૂશ્વત વિરોધી ધારા ….. ની કલમો તળે નોંધાવી અને કોર્ટને વિનંતી કરી કે આ તપાસ લોકલ અમરેલી પોલીસને નહિ સોંપનાતા એન્ટીકરપ્શન બ્યુરો (એસીબી)ને જ સોંપાય અને તે રીતે તપાસ એસીબી ને જ સોંપાઈ,
ટ્રાન્સ્પોટરે રાજકીય રીતે એસીબી પીઆઈ (પોલીસ ઈન્સ્પેકટર) અમરેલીને પણ ભલામણ કરાવાઈ કે લાઠી ફોજદાર સળીયા ગણવો જોઈએ એસીબી પીઆઈ એ કહ્યું જે થશે તે કાયદેસર થશે અને પુરાવા મળે તે મુજબ કાર્યવાહી અવશ્ય થશે આ ટ્રાન્સ્પોટર અધૂરામાં પૂરુ આ બાબત દૈનિક પત્રો, છાપામાં પણ સમાચાર રૂપે પ્રસિધ્ધ કરાવી ને પોતાની પ્રસિધ્ધિ કરી ને પોલીસ દળ અને આરટીઓ તંત્રને પણ પરોક્ષ રીતે ધમકી મોકલી કે અમારા ટ્રાન્સપોર્ટની ટ્રકો વિરૂધ્ધ કાર્યવાહી કરનારનું આ પરિણામ આવે !
એસીબી પીઆઈ તે સમયે સરકીટ હાઉસમાં રહેતા અને તેમના રૂમ પાર્ટનર એક એસ.સી. એસ.ટી.સેલના ડીવાયએસપી પણ હતા છાપામાં પ્રસિધ્ધ થયેલ આ બાબતની બંને અધિકારીઓ વચ્ચે ચર્ચા થઈ. એસીબીપીઆઈએ કહ્યું સંજોગો અને રાજકારણનું પીઠબળ જોતા લાગે છે કે લાઠી ફોજદાર આ ગુન્હામાં બચી નહિ શકે. પેલા ડીવાયએસપી ઘણા લાંબા સમયથી જયદેવને ઓળખતા હતા. તેમણે કહ્યું જયદેવ કાબેલ ઓફીસર છે. તે કોઈ નબળી વાતમાં ફસાય નહિ અને વળી પેન અને કાગળનો એવો માહિર છે. કે તેને કાયદેસર રીતે પકડવો તો મુશ્કેલ જ છે.તેની હું ચેલેન્જ આપુ છું.
એસીબી પીઆઈએ આ સેશન્સ કોર્ટે સોંપેલી તપાસ એમ કેસની ધમધમાટ પૂર્વક ચાલુ કરી નિવેદનો લેવાવા માંડયા જયદેવને આ બાબતની ખબર પડતા તેણે લાઠી કોર્ટમાંથી આરોપીએજે પ્રથમ ફરિયાદ પોલીસ વિરૂધ્ધ આપેલી તેની નકલ મેળવી લીધી અને આ ફરિયાદી વિરૂધ્ધ લાઠીમાં થયેલ કાયદેસરની કાર્યવાહીના કાગળોની નકલો પણ તૈયાર કરી લીધી.
એસીબી પીઆઈ એ એકાદ મહિના પછી જયદેવ અને તેની સાથેના પોલીસ જવાનોને નિવેદનો લખાવવા માટે હાજર રહેવા યાદી મોકલી. જયદેવે સાથેના પોલીસના જવાનોને આરોપી વિ‚ધ્ધની ઈ.પી.કો.કલમ ૨૭૯ વિ. મુજબની જે એફ.આઈ.આર.જેતે દિવસે આપેલ તે તથા તે પંચનામાની વિગતથી સંપૂર્ણ માહિતગાર કરી રૂબરૂ અમરેલી જઈ નિવેદનો લખાવી દીધા અને જે રાત્રે બનાવ બનેલ તેદિવસોની વિકલી ડાયરીની નકલ, સ્ટેશન ડાયરી, કેસ ડાયરી તે એફ.આઈ.આર. પંચનામુ અને કોર્ટમાંથી મેળવેલ આ આરોપીએ જે તે દિવસે લાઠી કોર્ટમાં પોલીસ વિરૂધ્ધ કરેલ ફરિયાદની નકલ પણ રજૂ કરી દીધી. આખરે રાજકીય ટ્રાન્સ્પોર્ટરની દોડાદોડી નિષ્ફળ ગઈ અને એસીબી પીઆઈએ આએમ કેસનો ફાયનલ રીપોર્ટ વર્ગ એન.સી. સમરી માંગીને ભર્યો. કોઈ ધરપકડો થઈ નહિ.
જે તપાસમાં જયદેવ લીલીયા ગયેલો તે દુકાનમાં અગાઉ પણ થોડા દિવસ પહેલા મોટી રકમની કાપડની ચોરી થયેલી અને તે ગુન્હો પણ વણ શોધાયેલો પડયો હતો. જયદેવે તપાસ સંભાળી તે પણ રૂ ૭૫૦૦૦ના કાપડની ચોરીની ફરિયાદ હતી. જયદેવે જગ્યા જોતા દુકાનમાંથી ફરિયાદમાં જણાવેલ જથ્થા મુજબનો વિશાળ જથ્થો ચોરી થયો નહિ હોય તેમ લાગ્યું. માનો કે ઓછો જથ્થો હોય તો કાપડ અતિ ઉંચી કિંમતનું હોય પણ આવા અંતરીયાળ ગ્રામ્ય વિસ્તારમાં આ અશકય લાગ્યું. જયદેવે આ શંકા લીલીયાના ટાઉન જમાદાર પાસે વ્યકત કરતા તેમણે કહ્યું કે દુકાનદાર ચૌદસીયો છે. અને તે અંગે ચર્ચા કરીએ તો રાડારાડ કરી મુકે છે અને પોલીસને કહે છે કે ચોરી રોકતા કે પકડતા નથી અને આવા વાંધા કાઢો છો? અને અરજીઓ પણ કરવાની ટેવ વાળા છે તેથી અમારા ફોજદાર સાહેબ આની જોડે કોઈ લપ છપ કરતા નથી.
ત્યારબાદ જયદેવે દુકાનદાર પાસેથી કાપડના બીલ ટ્રાન્સપોર્ટના બીલ માંગતા જ દુકાનદાર ઉંચો નીચો થવા લાગ્યો અને થોડીવારમાં જ અમરેલીથી એક બીજા કાયદેઆઝમ પોલીસ અધિકારીનો ફોન આવ્યો. તેણે જયદેવને કહ્યું ‘બાપુ તમેતો લીલીયામાં પણ લાઠી માફક જ મહેનત અને બુધ્ધીથી કામ કરો છો. વધારાના ચાર્જમાં આવી લપ શું કરવાની? કાલે લીલીયાના ફોજદાર આવી જશે તમે મોજ કરોને!
ફોરેન્સીક સાયંસ લેબોરેટરી મોબાઈલ વાન આવી જતા મોબાઈલના નિષ્ણાંત અધિકારીઓ જગ્યાના ફોટા, ફીંગરપ્રિન્ટ વિગેરે લઈ લીધા જયદેવે આ નિષ્ણાંત અધિકારીને એક બાજુ લઈ જઈ પોતાના મનની શંકા વ્યકત કરી અને સજેશન કર્યું કે કાપડના તાકાના ઘોડાના માપ સાઈઝ લઈ હાલનો પડેલ મુદામાલ બાદ કરતા પૂરેપૂરો ભરેલો હોય તો પણ કેટલા તાકા સમાઈ શકે તેનો તારીજો કાઢવા જણાવ્યું અને નિષ્ણાંતે માપ સાઈઝ લેવાનું શરૂ કર્યુ અને બાદમાં રૂબરૂ મળવાની ચર્ચા કરી.
જયદેવે છાપરાની સ્થિતિ અને તેના બાકોરાની માપ સાઈઝ પણ લેવરાવી છાપરા ઉપર ખાસ કોઈ વધુ હેરાફેરી થઈ હોય તેવું લાગ્યું નહિ પણ આવા સંજોગોમાં ફરીયાદી જે પાકકો લુચ્ચો ગણતરી બાજ હતો. તેને જથ્થા બાબત ખોટો પાડવો મુશ્કેલ કાર્ય હતુ કેમકે ચોરીતો થયેલ જ હતી તે હકિકત હતી વળી ફરિયાદી બે ચાર દિવસમાં જ પોતાની ફરિયાદ અને દુકાનનું પંચનામું કર્યું હોય તેની નકલો માંગતો. એટલેકે તેણે દુકાનનો ચોરી સામે વિમો ઉતરાવેલો હતો.જેથી જયદેવની શંકા સાચી જ હતી કે ચોરી ભલે થતી હોય પણ જથ્થો ખોટો લખાવે છે. જયદેવે વેપારીની આ તમામ બાબતો, ગુન્હાવાળી જગ્યાની સ્થિતિ. ગામ અને વિસ્તારની પરિસ્થિતિ વિશે વિગતવાર નોંધ ગુન્હાની કેસ ડાયરીમાં કરી.
બીજે જ દિવસે લીલીયા ફોજદાર હાજર થઈ ગયા તે પછી પણ સમયાંતરે તેજ દુકાનમાં બીજી ચોરીઓ થયેલી તે તમામ ગુન્હા વણ શોધાયેલા હતા. ફરી એક વખત આજ દુકાનમાં ચોરી થઈ પરંતુ આરોપી તેજ રાત્રીના લીલીયાના રેલવે સ્ટેશન ઉપર બે પેન્ટપીસ અને બે શર્ટ પીસ સાથે પકડાઈ ગયો. જે નજીકના ગામડાનો મજૂર હતો. તેરે પોલીસની પૂછપરછમાં જણાવ્યું કે દરેક ચોરીમાં પોતે જરૂરીયાત મુજબના બેચાર પેન્ટ પીસ અને બે ચાર શર્ટ પીસ ચોરી જતો કોઈ તાકા લઈ ગયો નથી કોઈ વાહન વાપર્યું નથી. પોલીસે આ સમગ્ર હકિકતની ખાત્રી કરતા તે સત્ય જણાયેલી.
લીલીયા ફોજદારે બાકીની કાર્યવાહી એફ.એસ.એલ.નો રીપોર્ટ મેળવ્યાનો (૨) અરોપીનું નિવેદન (૩) દુકાનદારનું વિશેષ નિવેદન વગેરે તથા વિમા કંપનીને રીપોર્ટ કરવાની કાર્યવાહી પૂરી કરેલી.