જમીન પર બનતી ચીકીના વીડિયામાં જલારામ ચીકીનું નામ એડિટ કરેલો વીડિયો થયો વાયરલ
શિયાળાની સિઝનનો પ્રારંભ થતા ચીકીના ધંધાર્થીઓ દ્વારા ગળકાપ હરિફાઈને પગલે પ્રતિસ્પર્ધીને બદનામ કરવાના ઈરાદે શહેરની પ્રખ્યાત જલારામ ચીકી નામની પેઢીને બદનામ કરવાના ઈરાદે સોશિયલ મીડિયાના માધ્યમથી એક વિડીયો વાયરલ કરી જલારામ ચીકીના પેઢીના સંચાલકો દ્વારા જમીન પર ચીકી બનાવવામાં આવતો હોય તેવો વિડીયો સોશિયલ મીડિયામાં ફરી રહ્યો છે.આ મામલે જલારામ ચીકીના માલિકે શહેર પોલીસની સાયબર ક્રાઈમને લેખિત અરજી આપતી ફરિયાદ કરી છે. પોલીસે અરજીના મામલે સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ કરનાર શખ્સના મૂળ સુધી પહોંચવા કવાયત હાથધરી છે.વધુમાં શહેરના લીંબડા ચોક ખાતે આવેલી પ્રખ્યાત જલારામ ચીકીના માલિકે સાયબર ક્રાઈમમાં ફરિયાદ કરી છે કે કોઈએ વડોદરામાં જમીન ઉપર બનતી ચીકીનો વિડીયો કલીપમાં છેડછાડ કરી તેની સાથે રાજકોટની જલારામ ચીકીનું નામ જોડી દીધું છે. જલારામ ચીકીના માલિક પ્રકાશભાઈ ચોટાઈએ રાજકોટ પોલીસની સાયબર ક્રાઈમ બ્રાન્ચમાં આજરોજ ફરિયાદ કરીને જણાવ્યું છે કે, અમારી પ્રખ્યાત જલારામ ચીકીના નામે કોઈએ ખોટા ફોટા જોડી વિડીયો એડિટ કરી વાયરલ કર્યા છે. જેથી અમારા ધંધાને નુકસાન જવાની ચિંતા છે. તેમને વિશેષમાં જણાવ્યું છે કે આ વિડીયો વડોદરાની કોઈ જગ્યાએ જમીન ઉપર બનતી ચીકીનો છે. તેની સાથે છેડછાડ કરી આ વિડીયો સાથે ખોટા ઈરાદાથી જલારામ ચીકીનું નામ જોડી દેવામાં આવ્યું છે. તેમને વધુમાં જણાવ્યું હતું કે અમો આરોગ્યના તમામ ધોરણો જાળવી પુરતી કાળજી અને વ્યવસ્થા રાખી ચીકી બનાવીએ છીએ. આથી આવી ગેરમાર્ગે દોરતી વિડીઓથી ગ્રાહક અને લોકોને પણ ગેરમાર્ગે ન દોરાવા અપીલ પણ કરી છે. સાયબર ક્રાઈમના પી.આઈ એમ.એન.ઝાલાએ અરજીના આધારે તપાસ હાથધરી છે અને વિડીયો વાયરલ કરનાર શખ્સના મુળ સુધી પહોંચવા કવાયત હાથધરી છે.