48 રાજમાર્ગોને સંપૂર્ણપણે દબાણ મુક્ત રાખવાના આદેશનો ઉલાળીયો: 7 દિવસમાં માત્ર 56 રેંકડી-કેબીન જપ્ત કરાઈ
શહેરમાં દિન-પ્રતિદિન ટ્રાફિકની સમસ્યા માથુ ઉંચકી રહી છે. રાજમાર્ગો પર ગેરકાયદે ખડકાયેલા દબાણોની ભરમાર જોવા મળી રહી છે. છતાં કોર્પોરેશન દ્વારા માત્ર નામ પુરતી કામગીરી કરવામાં આવે છે. 48 રાજમાર્ગોને સંપૂર્ણપણે દબાણ મુક્ત રાખવાના સ્ટેન્ડિંગ કમીટીના ચેરમેન પુષ્કર પટેલના આદેશને જાણે દબાણ હટાવ શાખા ઘોળીને પી ગઈ હોય તેવું લાગી રહ્યું છે. સાત દિવસમાં અલગ અલગ રોડ પરથી માત્ર 56 રેંકડી-કેબીનો જ જપ્ત કરવામાં આવી છે. જ્યારે 89 પરચુરણ માલ સામાન જપ્ત કરવામાં આવ્યા હોવાનું જાહેર કરાયું છે.
દબાણ હટાવ શાખા દર સપ્તાહે પોતાની કામગીરીનો અહેવાલ જાહેર કરે છે. પરંતુ તેમાં કોઈ દમ હોતો નથી. ન તો રાજમાર્ગો પરથી દબાણ ઓછા થાય છે કે, ન તો ટ્રાફિક સમસ્યા હલ થાય છે. રોજ બે શિફટમાં કામગીરી કરવામાં આવતી હોવા છતાં રોજ ગણીને ડબલ ફીગરમાં પણ રેંકડીઓ જપ્ત કરી શકાતી નથી. શહેરનો એકપણ મુખ્ય માર્ગ એવો નહીં હોય જ્યાં ગેરકાયદે દબાણની ભરમાર જોવા મળતી નહીં હોય પરંતુ આ બધુ કોર્પોરેશનના દબાણ હટાવ વિભાગને દેખાતું ન હોય તેવું લાગી રહ્યું છે.
ખુદ સ્ટે.કમીટીના ચેરમેન પુષ્કરભાઈ પટેલે મહિના પહેલા એવો આદેશ આપ્યો હતો કે, 48 મુખ્ય રાજમાર્ગો પર ખડકાયેલા દબાણો તાત્કાલીક અસરથી હટાવી દેવા પરંતુ આવા દબાણો હટાવવામાં શાખાને જાણે લાજ શરમ નડી રહ્યું હોય તેવું મહેસુસ થઈ રહ્યું છે.