જિલ્લા કલેકટર અને જિલ્લા પોલીસ વડા દ્વારા મગફળી કૌભાંડને ભેદવા ગુપ્ત ઓપરેશન
વહેલી સવારે બે ડઝન નાયબ મામલતદારોની ટીમ ગુપ્ત સ્થળોએ રવાના
જિલ્લા પુરવઠા અધિકારીની આગેવાની હેઠળ સીલ બંધ કવરોમાં કયાં પહોંચવું તે ટાર્ગેટ અપાયા
સમગ્ર રાજયમાં ચકચાર જગાવનાર મગફળી કૌભાંડમાં રોજેરોજ નવા-નવા ફણગા ફુટી રહ્યા છે ત્યારે ટેકાના ભાવે ખરીદાયેલી મગફળીમાંથી મલાઈ તારવનારા કૌભાંડકારોના મુળ સુધી પહોંચવા જિલ્લા કલેકટર અને જિલ્લા પોલીસ દ્વારા સંયુકત રીતે ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે અને આજે વહેલી સવારે જિલ્લા કલેકટરે બે ડઝન જેટલા નાયબ મામલતદારોની ફૌજને શંકાસ્પદ ગોડાઉનો ચેક કરવા મેદાનમાં ઉતાર્યા હોવાનું જાણવા મળ્યું છે.
પ્રાપ્ત વિગતો મુજબ સરકાર દ્વારા નાફેડ અને ગુજકોટ મારફતે ખરીદવામાં આવેલી ટેકાના ભાવની મગફળીમાં કાકરા, ધુળ, ઢેફાની મિલાવત કરી પ્રજાના પૈસા હડપ કરી જવાનું કૌભાંડ જેતપુર તાલુકાના પેઢલા ગામેથી ઝડપાયા બાદ ગુજકોટના મેનેજર એવા મગન ઝાલાવડિયાની સીધી સંડોવણી ખુલ્લી પડતા જિલ્લા કલેકટર અને જિલ્લા પોલીસ વડા દ્વારા અત્યારસુધીમાં કુલ ૨૯ જેટલા આરોપીઓને ઝડપી લઈ તપાસને વેગવંતી બનાવવામાં આવી છે. જોકે મગફળી કૌભાંડ પેઢલા પુરતુ સીમીત ન રહેતા અન્ય ગોડાઉનમાં પણ આવી જ પરિસ્થિતિ હોવાની દ્રઢ શંકા વચ્ચે જિલ્લા કલેકટર ડો.રાહુલ ગુપ્તાએ ગઈકાલે બારદાન આગ પ્રકરણના અંકોડા પણ આ તપાસ સાથે જોડયા હતા.બીજી તરફ ટેકાના ભાવે ખરીદાયેલી મગફળી હાલમાં જિલ્લામાં જુદા-જુદા ૨૬૯ ગોડાઉનમાં સંગ્રહાવવામાં આવેલી હોય અને આ કૌભાંડીયા તત્વોએ ત્યાં પણ ઘાલમેલ કરી હોવાની શંકા જતા તંત્ર દ્વારા આજે વહેલી સવારે બે ડઝન જેટલા નાયબ મામલતદારોને પુરવઠા વિભાગની આગેવાની હેઠળ આવા ગોડાઉનો ચેક કરવા માટે મેદાનમાં ઉતાર્યા છે અને સાંજ સુધીમાં મોટા કડાકા-ભડાકા થાય તેવા પણ સાફ-સાફ સંકેતો મળી રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે, જિલ્લા કલેકટર દ્વારા મગફળી કૌભાંડના મુળ સુધી પહોંચવા માટે હાથ ધરવામાં આવેલી આ મેરેથોન તપાસમાં ભારે ગુપ્તતા જાળવવા માટે ગઈકાલે મોડીરાત્રે જિલ્લા પુરવઠા અધિકારીને વિશેષ જવાબદારી સોંપવામાં આવી હતી અને વહેલી સવારે ડઝનબંધ નાયબ મામલતદારોને કલેકટર કચેરી પહોંચી જવા કહેણ મોકલવામાં આવ્યું હતું અને છેલ્લી ઘડી સુધી કઈ ટીમે કયાં જવાનું છે તે અંગેની માહિતી જાહેર કરવામાં આવી ન હતી અને ગુપ્તતા પૂર્વક જ આ ઓપરેશન પાર પાડવા નકકી કરાયું હોવાનું જાણવા મળ્યું છે.
દરમિયાન સમગ્ર રાજયને હચમચાવનાર આ મગફળી કૌભાંડની તપાસમાં અનેક ચોંકાવનારી બાબતો પણ સામે આવી છે ત્યારે ટોચના વર્તુળોએ એવું પણ જણાવ્યું હતું કે, અગાઉ જે-જે ગોડાઉનમાં આગ લાગવામાં આવી છે અને સબ સલામતના રીપોર્ટ આવ્યા છે તેવા ગોડાઉન મામલે પણ પુન: તપાસ થનાર હોવાનું તેમજ પેઢલા ગોડાઉનમાં ભેળસેળ કરનારા તત્વો ગોડાઉન આગ પ્રકરણમાં સંડોવાયેલા હોવાની કડીઓ પણ મળી રહી હોય પોલીસ તેમજ મહેસુલ વિભાગ દ્વારા સંયુકતપણે ટેકાના ભાવે ખરીદાયેલી મગફળી કૌભાંડના તળીયે સુધી પહોંચવા માટે પ્રયાસો હાથ ધર્યા છે.