શહેર કોંગ્રેસ પ્રમુખ ઈન્દ્રનીલ રાજયગુરુએ સમયસર આમંત્રણ ન આપતા પ્રદેશ મંત્રી મહેશ રાજપૂત ઉપરાંત પ્રદિપ ત્રિવેદી, ગાયત્રીબા વાઘેલા, જયપાલસિંહ રાઠોડ સહિતના અગ્રણીઓ સંમેલનમાં ન ડોકાયા: પૂર્વ પ્રમુખ ડો.હેમાંગ વસાવડા પણ છેલ્લી ઘડીએ આવ્યા: જુથવાદની આગના લબકારા
ગુજરાતમાં રાજયસભાની ચૂંટણીમાં અનેક પડકારો વચ્ચે જીત હાંસલ કર્યા બાદ રાજયમાં ફરી બેઠી થવાની આશા રાખતી કોંગ્રેસને જૂથવાદની આગ ફરી ખાખ કરી દે તેવા એંધાણ વર્તાઈ રહ્યાં છે. સૌરાષ્ટ્રના પ્રભારી રાજીવ સાતવ અને ધારાસભ્ય શક્તિસિંહ ગોહિલની અધ્યક્ષતામાં આજે રાજકોટમાં કોંગ્રેસનું જીત નિશ્ર્ચિત સંમેલન યોજાયું હતું. જેમાં જુથવાદનો ભડકો થયો હતો. શહેર કોંગ્રેસ પ્રમુખ ઈન્દ્રનીલ રાજયગુરુએ સંમેલન માટે આમંત્રણ આજે સવારે આપતા પ્રદેશ મંત્રી મહેશ રાજપૂત સહિતના શહેર કોંગ્રેસના અનેક મોટામાથા સંમેલનમાં ડોકાયા ન હતા. તો પૂર્વ પ્રમુખ અને પ્રદેશ મહામંત્રી ડો.હેમાંગ વસાવડા પણ છેલ્લી ઘડીએ સંમેલનમાં આવ્યા હતા. વિધાનસભાની ચૂંટણીને આડે ગણતરીના જ મહિનાઓ બાકી રહ્યાં છે ત્યારે જૂથવાદ કોંગ્રેસની નૈયા ફરી ડુબાડે તેવું લાગી રહ્યું છે.સામાન્ય રીતે કોઈપણ રાજકીય પક્ષમાં જયારે મોટા કાર્યક્રમો યોજાતા હોય છે. ત્યારે જે તે પક્ષના શહેર કે જિલ્લાના પ્રદેશ આગેવાનો તથા શહેરના હોદ્દેદારોને ફોન કરી અગાઉથી જ આમંત્રણ આપી દેતા હોય છે. શહેર કોંગ્રેસ પ્રમુખ બન્યા પછી ધારાસભ્ય ઈન્દ્રનીલ રાજયગુરુનો તોર વધી ગયો હોવાનું કાર્યકરો મહેસુસ કરી ર્હયાં છે. આજે ૧૦:૩૦ કલાકે જીત નિશ્ર્ચિત સંમેલનનો આરંભ થવાનો હતો જેમાં સૌરાષ્ટ્રના રાષ્ટ્રીય પ્રભારી રાજીવ સાતવ અને ધારાસભ્ય શક્તિસિંહ ગોહિલ ઉપસ્થિત રહેવાના હતા. આ સંમેલનમાં પ્રદેશના કાર્યકારી પ્રમુખ કુંવરજીભાઈ બાવળીયા અને પરેશ ધાનાણીનું સન્માન કરવામાં આવનાર હતું. જો કે, જૂથવાદના લબકારાએ ફરી એક વખત કોંગ્રેસનું ઘર ભડભડ સળગાવી નાખ્યું છે.આજે જીત નિશ્ર્ચિત સંમેલનમાં સમયસર આમંત્રણ ન મળતા પ્રદેશ કોંગ્રેસના મંત્રી મહેશભાઈ રાજપૂત, પૂર્વ વિપક્ષી નેતા ગાયત્રીબા વાઘેલા, શહેર કોંગ્રેસ અગ્રણી પ્રદિપ ત્રિવેદી, અશોકસિંહ વાઘેલા, યુથ કોંગ્રેસના પ્રમુખ જયપાલસિંહ રાઠોડ, પ્રવિણ સુરાણી, ભિખાભાઈ ગજેરા, ગોવિંદભાઈ સભાયા, મહિલા કોંગ્રેસ પ્રમુખ ઓબીસી સેલના પ્રમુખ એ.સી. સેલના પ્રમુખ સહિતના નેતાઓ ગેરહાજર રહ્યાં હતા. જયારે શહેર કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અને પ્રદેશ મહામંત્રી ડો.હેમાંગભાઈ વસાવડા માત્ર હાજરી પુરાવા પુરતા જ સંમેલનમાં ડોકાયા હતા. જૂથવાદના કારણે ફરી એકવખત કોંગી કોર્યકરો હતાશામાં ગરકાવ થઈ જાય તેવું લાગી રહ્યું છે.