સમાજની વંધ્યત્વની સમસ્યાથી પીડાતા પરિવાર માટે દતક બાળક બને ઈશ્ર્વરનું સાચુ રૂપ
રાજકોટની સેવા સંસ્થા શ્રી કાઠિયાવાડ નિરાશ્રિત બાલાશ્રમના માતા-પિતાથી વંચિત એવા બાળકને આજે રાજકોટના દંપતી દ્વારા દત્તક વિધાન મુજબ કાયદાકીય રીતે દત્તક લેવામાં આવ્યા છે. આ સમયે બાળકને કલેક્ટરના હસ્તે તેમના દત્તક માતા-પિતાને સોંપવામાં આવ્યા હતા. બાળકને પરિવાર મળતાં કલેકટરશ્રી, સંસ્થાનાટ્રસ્ટીઓ, કર્મીઓ સર્વેએ આનંદની લાગણી વ્યક્ત હતી અને બાળકોને ઉજ્જવળ ભવિષ્યની કામના સાથે તેમના માતા-પિતાને સોંપ્યા હતા.
કાઠિયાવાડ નિરાશ્રિત બાલાશ્રમ રાજકોટના આશરે 750 જેટલા બાળકો હાલ સુધીમાં દેશ-વિદેશમાં દત્તક લેવામાં આવ્યા છે. દત્તક વિધાનની નવી પ્રક્રિયા પ્રમાણે કોર્ટના બદલે કલેક્ટરશ્રી દ્વારા દત્તક આપવા માટેનો ઓર્ડર કરવામાં આવે છે, આ નવી અમલીકરણ પ્રક્રિયા અનુસાર આજે રાજકોટ જિલ્લામાં ત્રીજું બાળક જિલ્લા બાળ સુરક્ષા એકમ અને સમાજ સુરક્ષા અધિકારીની મદદથી પોતાના ઘરે જઈ રહ્યું છે.
પરિવાર સાથેના મેળાપના શુભ પ્રસંગે કલેક્ટરશ્રી અરૂણ મહેશ બાબુએ બાળકને દત્તક લેનાર માતા-પિતાને શુભેચ્છાઓ આપી બાળક દ્વારા તેમના પરિવારમાં આવનારી ખુશાલી અને તેમના થકી બાળકોના ઉજ્વળ ભવિષ્ય વિશેની કામના વ્યક્ત કરી હતી.
સમાજમાં જોવા મળતી વંધ્યત્વની બીમારીથી પીડાતા દંપતિઓ પોતાના બાળકની આશાએ અંધશ્રદ્ધાના માર્ગે પણ વળી જતા હોય છે ત્યારે આ દંપતિને એક દીકરી હોવા છતાં આ બાળકને દત્તક લઇ સમાજને એક આદર્શ રાહ ચીંધ્યો છે. અન્ય દંપતિઓ પણ આ આદર્શ માર્ગ પર પોતાના ભવિષ્યની કેડી કંડારી એક માતા-પિતા વિહીન બાળકને પોતાનો સહારો આપી શકે છે અને એ બાળકના જીવનને તેમજ પોતાના પરિવારને પણ સુખમય બનાવી શકે છે. ઘણીવાર દત્તક લેવા ઇચ્છતા દંપતિઓમાં દત્તકવિધાનની પ્રક્રિયા વિશે સ્પષ્ટતા પૂર્વકની સમજણ ન હોવાને કારણે તકલીફો પણ જાણવા મળી છે.
બાળક દત્તક કોણ લઈ શકે છે?
કોઈપણ દંપતિ પોતાના ત્રણ બાળકો સુધી અન્ય બાળકને દત્તક લઈ શકે છે, જો દંપતીને પોતાના ત્રણ બાળકો હોય તો તે ચોથા બાળક તરીકે બાળકને દત્તક લઈ શકે નહીં. આમ, દત્તકવિધાન વિશેની સાચી સમજ એક કરને પારણું ઝુલાવવાનો અવસર અને એક બાળકને માતા-પિતાની છત્રછાયા મેળવવાની પ્રક્રિયાનો સમન્વય થઇ પરિવારને ખુશી આપવા માટેનું માધ્યમ બની શકે છે.