ઋષિમુનિઓ જાણતા હતા કે વધુ પડતો વિકાસ એટલે વિનાશને નોતરું

વિજ્ઞાનની ઉત્પત્તિ વેદોમાંથી થઈ છે. આપના ઋષિમુનિઓ વિજ્ઞાનમાં પારંગત હતા એટલે જ હજારો વર્ષ પૂર્વે તેઓએ બ્રહ્માંડના અનેક રહસ્યો ઉકેલી નાખ્યા હતા. તેઓએ જ્યાં કરવાનો હતો ત્યાં જ વિકાસ કર્યો હતો. તેની પાછળનું કારણ એ હતું કે તેઓ જાણતા હતા કે વધુ પડતો વિકાસ એ વિનાશને નોતરે છે.

જો ઋષિમુનિઓ તે જમાનામાં જટીલ ઓપરેશનો કરી શકતા હોય તો શું તેઓ ઉંચી ઇમારતો કે વાહન ન બનાવી શકત? તેઓ આનાથી પણ ચડિયાતી વસ્તુઓ બનાવી શકત. પણ તેઓએ પોતાની જરૂરિયાતથી વધારે પર્યાવરણ અને પ્રકૃતિને મહત્વ આપ્યું. કારણકે તે રહેશે તો જ માનવ જાત રહેશે તે વાત હકીકત છે.

ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશનના અધ્યક્ષ એસ. સોમનાથે કહ્યું કે, વિજ્ઞાનની ઉત્પત્તિ વેદો માંથી થઇ છે, પરંતુ આ જ્ઞાન અરેબિયાના માધ્યમથી પશ્ચિમી દેશોમાં પહોંચ્યું અને ત્યાંના વૈજ્ઞાનિકોએ પોતાના નામે તેનો પ્રચાર કર્યો છે. આ ઉપરાંત તેમણે જણાવ્યું કે, બીજગણિત, વર્ગમૂળ, સમયની ગણતરી, આર્કિટેક્ચર, બ્રહ્માંડનો આકાર, ધાતુશાસ્ત્ર અને ઉડ્ડયન જેવી વૈજ્ઞાનિક પદ્ધતીઓનો વેદોમાં પ્રથમ ઉલ્લેખ જોવા મળે છે.

એસ. સોમનાથે કહ્યું, સમસ્યા એ હતી કે આ જ્ઞાન સંસ્કૃત ભાષામાં હતું અને આ ભાષા લખાતી ન હતી. લોકો એકબીજા પાસેથી જ્ઞાન લેતા અને તેને યાદ કરતા હતા. પછી પાછળથી, તેને લખવા માટે દેવનાગરી લિપિનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. તેઓ ઉજ્જૈનમાં આવેલ મહર્ષિ પાણિની સંસ્કૃત અને વેદ યુનિવર્સિટીમાં સંબોધન દરમિયાન આ વાતનો ઉલ્લેખ કરતા જોવા મળ્યા હતા. પાણિનીએ જ વિદ્વાન છે જેમણે સંસ્કૃતનું વ્યાકરણ લખ્યું હતું.

સોમનાથે કહ્યું કે, એન્જિનિયરો અને વૈજ્ઞાનિકોને સંસ્કૃતમાં બહુ રસ પડે છે. કમ્પ્યુટર માટે આ ભાષા ખૂબ જ સરળ છે અને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ તેને સરળતાથી વાંચી શકે છે. ગણતરીમાં સંસ્કૃતનો ઉપયોગ કેવી રીતે થઈ શકે તેના પર ઘણું સંશોધન થઈ રહ્યું છે. તેમણે કહ્યું કે, ભારતમાં સંસ્કૃતમાં સર્જાયેલું સાહિત્ય માત્ર સાહિત્યિક દૃષ્ટિકોણથી જ નહીં, પરંતુ વૈજ્ઞાનિક દૃષ્ટિકોણથી પણ મહત્ત્વનું છે. સંસ્કૃતમાં સાંસ્કૃતિક, આધ્યાત્મિક અને વૈજ્ઞાનિક અભ્યાસ વચ્ચે કોઈ તફાવત નથી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.