જૂનાગઢ તા.૧૧ જૂનાગઢના ભવનાથ તળેટીના ભકિતમય અને પરંપરાગત મહાશિવરાત્રીના મેળાનો મહા વદ નોમના પવિત્ર દિને ભવનાથ મહાદેવને ધ્વજારોહણ સાથે વિધિવત પ્રારંભ થયો અને સાથે વહેતી થઇ ભજન-ભોજન અને ભક્તીની સરવાણી. ભવનાથ મહાદેવના સાનિધ્યમાં મહાવદ નોમથી પાંચ દિવસીય મહાશિવરાત્રીના લોકમેળાનો વિધીવત્ત પ્રારંભ થતાની સાથે દ્વિતિય દિવસે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા અને ગુજરાત યાત્રાધામ વિકાસ બોર્ડના સહયોગથી જીતુદાન ગઢવી અને મંજુલાબેન ગૈાસ્વામીનાં સુરીલા કંઠે લોકડાયરો યોજાયો હતો. લોક સંસ્કૃતિનાં આ કાર્યક્રમને જિલ્લા કલેકટરશ્રી ડો. રાહુલ ગુપ્તાએ દિપપ્રાગટ્યથી પ્રારંભ કરાવ્યો હતો. લોકડાયરા પુર્વે સોરઠ ધરાની આગવી ઓળખ સમાન રાસ અને શિવનૃત્ય જ્ઞાનબાગ ગુરૂકુળનાં છાત્રોએ રજુ કરી ભાવીકોના મન મોહી લીધા હતા.
લોક સંસ્કૃતિનો વારસો ધરાવતા ભવનાથ તળેટીમાં યોજાયેલ મહાશિવરાત્રીના મેળામા દેશભરનાવિવિધ ક્ષેત્રોમાંથી સંતો, મહંતો અને ભાવીકો પધારે છે ત્યારે ભવનાથ તળેટી ભારતવર્ષની લોકસંસ્કાર અને લોકસંસ્કૃતિનું એક્યબિંદુ બની રહી છે. સંતો-મહંતો, જતી-સતી અને ઓલીયાઓની સોરઠ ધરા પર પ્રકૃતિ દેવીની સંગાથે યોજાઇ રહેલ મહાશિવરાત્રીનો મેળો લાખો શ્રધ્ધાળુઓના આસ્થાનું કેન્દ્ર બની રહ્યો છે.
મહાશિવરાત્રી મેળાનાં દ્વિતિય દિવસની આથમતી સંધ્યાએ જીવ શિવની ઉપાસના કરવાની શુભ ભાવનાથી જોડાયેલ યાત્રીકોને લોકડાયરાનાં સંગે ભજનની રસલ્હાણીમાં તરબોળ કરનાર જીતુદાન ગઢવી અને દિવ્યેશ જેઠવાની ટીમે શ્રોતાના મનને ડોલાવી દીધા હતા. શિવરાત્રીનો મેળો જીવ દ્વારા શિવની આરાધનાનું પર્વ લેખાય છે. જીલ્લા કલેકટરશ્રી રાહુલ ગુપ્તાના માર્ગદર્શન હેઠળ મ્યુ. કમિશ્નર શ્રી વી જે રાજપુતની સુચના મુજબ વહિવટી તંત્ર દ્વારા મહાશિવરાત્રી મેળામા પધારનાર યાત્રીકોને સઘળી સવલતો ઉપલબ્ધ કરાવાઇ છે. ૧૦૦થી વધુ ઉતારા અન્નક્ષેત્રમાં ભોજન ભજન અને ભકિતની રમઝટ બોલી રહી છે.
મહાવદી દશમની સાંજે યોજાયેલ ભજન સંધ્યા સમો લોકડાયરો માણવા જૂનાગઢનાં મેયર સુશ્રી આદ્યાશક્તીબેન મજમુદાર, નાયબ મેયરશ્રી કોટેચા, નગર સેવકશ્રી સંજયભાઇ કોરડીયા, શ્રી નિર્ભયભાઇ પુરોહીત, શ્રી હિમાંશુભાઇ પંડ્યા, અગ્રણીશ્રી શ્રી પ્રદિપભાઇ ખીમાણી, ચંદ્રીકાબેન રાખશીયા, શ્રી દિવાળીબેન પરમાર, અધિક નિવાસી કલેકટરશ્રી પી.વી.અંતાણી, નાયબ મ્યુ. કમિશ્નરશ્રી નંદાણીયા, પ્રાંત અધિકારીશ્રી જ્વલંત રાવલ, મામલતદાર સુશ્રી વાછાણી સહિત સંતો, ભાવીકો શ્રોતાઓએ આ કાર્યક્રમને માણ્યો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે તા. ૧૧નાં રોજ સરસ્વતી ગૃપ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ અને પદ્મશ્રી ભીખુદાનભાઇ ગઢવીનાં સુરીલા કંઠે સંતવાણી અને લોકડાયરાની રમઝટ બોલશે. તે જ રીતે તા. ૧૨મીના રોજ ઘેડની ખ્યાતીપ્રાપ્ત મહેર રાસમંડળીની કલા રજુ કરશે. અને અમુદાનભાઇ ગઢવી અને ટીમ લોકડાયરો અને સંતવાણી રજુ કરશે.