રવિવારના અમદાવાદના કાંકરીયામાં બનેલ ઘટનાના પગલે જામ્યુકોનું તંત્ર હરકતમાં આવ્યું છે અને શહેરમાં જામ્યુકો સંચાલિત એમ્યુઝમેન્ટ પાર્કમાં તંત્ર દ્વારા સાવચેતીના પગલા હાથ ધરવામાં આવ્યા છે ત્યારે સોમવારથી બે દિવસ બંધ રાખવાની સુચના રાઇડના કોન્ટ્રાકટરને આપવામાં આવી છે અને રાઇડના તમામ આધાર પુરાવા કાગળો તથા રાઇડના વીમા સહિતની માહિતી આપવા તથા ફીટનેશનું પ્રમાણપત્ર રજુ કરવા જણાવવામાં આવ્યું છે.
શહેરમાં જામ્યુકો સંચાલિત એમ્યુઝમેન્ટ પાર્કમાં તમામ રાઇડનો ૧૦ વર્ષ ચલાવવા માટેનો કોન્ટ્રાકટર સંજય પાલીવાળાને આપવામાં આવ્યો છે અને કોન્ટ્રાકટર દ્વારા જુદી-જુદી કુલ ૧૬ રાઇડ ચલાવવામાં આવી રહી છે. જેમાં મેકેનીઝમવાળી નવ રાઇડ છે અને બાળકો માટેની સાત રાઇડ મળી કુલ નાની-મોટી ૧૬ રાઇડ છે અને પીડબલ્યુડીના મેકેનીકલ ઇજનેરનું પ્રમાણપત્ર મેળવવાનું ફરજીયાત છે ત્યારે અમદાવાદમાં બનેલ ઘટના પગલે તમામ મેકેનીઝમવાળી મોટી રાઇડનું પ્રમાણપત્ર મેળવ્યા વગર ચાલુ થવા દેવામાં આવશે નહી અને રાઇડ જે ચલાવવામાં આવે તેનો વીમો છે કે તેની પણ તપાસ હાથ ધરવામાં આવશે અને બે દિવસ એમ્યુઝમેન્ટ પાર્કમાં આવેલ તમામ રાઇડો બંધ રાખવા અધિકારી દ્વારા સુચના આપવામાં આવી છે અને બે દિવસ દરમિયાન પાર્કની તમામ રાઇડનું ટેકનીકલ રીતે વેરીફીકેશન કરવામાં આવશે અને બાદમાં જામ્યુકોના અધિકારીઓ જાત નિરીક્ષણ હાથ ધરશે. આમ અમદાવાદની ઘટના બનતા શહેરનું તંત્ર હરકતમાં આવતા તમામ રાઇડ અંગેની તપાસ હાથ ધરવામાં આવતા લોકોમાં ભારે ચર્ચાએ જોર પકડયું છે. જામનગરના મેયરે અમદાવાદના કાંકરીયાની ઘટનાના પગલે શહેરના એમ્યુઝમેન્ટ પાર્કની રાઇડઝ સલામતી અંગે ચેકીગ કરવા મેયર હસમુખ જેઠવાએ ફાયર અને એસ્ટેટ વિભાગને આદેશ કર્યો છે અને સલામતી પૂર્વક લોકો રાઇડર્સ માણી શકે તે અંગે તકેદારી રાખવા પણ આદેશ કર્યો છે. સૌરાષ્ટ્રમાં જન્માષ્ટમીના લોકમેળામાં લાખો લોકો ઉમટી પડે છે. ત્યારે જિલ્લા અને તાલુકા કક્ષાએ યોજાતા મેળાઓમાં તમામ રાઇડ્સની ચકાસણી કરી કોઇ પણ જગ્યાએ રાઇડ્સ નબળી જણાય તો તેને હટાવી લેવા આદેશ કરવા જરૂરી છે. અન્યથા સાતમ આઠમના મેળામાં કાંકરીયાની ઘટનાનું પૂનરાવર્તન થાય તો નવાઇ નહીં. જન્માષ્ટમીના મેળામાં કોઇ પણ રાઇડ્સમાં નિયત સંખ્યા કરતા વધુ લોકોને ન બેસાડાય તે માટે પણ કડક તાકિદ કરવી જરૂરી છે. કારણ કે, અનેક રાઇડ્સમાં નિયત સંખ્યા કે વજન કરતા વધુ વ્યક્તિ બેસાડી દેવાય છે. જેના કારણે પણ ગંભીર દૂર્ઘટના સર્જાઇ શકે છે