લાલપુરના આરબલુસ નજીકના સરકારી ખરાબામાં વર્ષોથી ગેરકાયદે દબાણ કરી ઉભી કરી લેવામાં આવેલી પતરા કોલોનીને આગામી તા.૧પ સુધીમાં સ્વૈચ્છિક રીતે ખાલી કરી આપવા મામલતદારે આદેશ કર્યો છે અન્યથા ત્યાં ડિમોલિશન કરવાની ચીમકી આપવામાં આવી છે.
લાલપુર તાલુકાના કાનાલુસ ગામ સામે આવેલા આરબલુસ ગામના સરકારી ખરાબામાં વર્ષોથી કેટલાક વ્યક્તિઓએ પતરાની કેબીનો તેમજ દુકાનો બનાવી લીધી છે જેના કારણે આ સરકારી ખરાબો રિલાયન્સ કંપનીની લેબર સામેની પતરા કોલોનીથી ઓળખાતો થઈ ગયો છે તે સ્થળે કેટલાક આસામીઓએ સામે જ આવેલી લેબર કોલોનીમાં વસવાટ કરતા પરપ્રાંતિયોને જીવન જરૂરિયાતની વસ્તુઓ નજીકમાં જ ઉપલબ્ધ થાય તે માટે પરચૂરણ માલસામાનથી માંડીને ઘરવખરી સુધીની ચીજવસ્તુઓનો વ્યવસાય શરૂ કર્યો છે. આ કોલોનીમાં લાંબા સમયથી દેશી દારૂનો વ્યવસાય પણ ધમધમતો રહ્યો છે ત્યારે ગઈકાલે લાલપુરના મામલતદાર કિર્તન પરમાર (જીએએસ)એ એક નોટીસ જારી કરી છે જેમાં તેઓએ જણાવ્યા મુજબ નોટીસ જાહેર થયાના આઠ દિવસ એટલે કે તા.૧પ ફેબ્રુઆરી સુધીમાં આરબલુસના સરકારી ખરાબામાં જે આસામીઓએ પોતાની જાતે જ પતરાઓથી કે અન્ય રીતે કેબીની ખડી કરી દીધી છે તેઓએ પોતપોતાની કેબીનો સ્વૈચ્છિક રીતે હટાડી લેવી અને તેમાં રહેલો માલસામાન ખસેડી લેવો, જો તેમ કરવામાં નહીં આવે તો તા.૧પ પછી તે વિસ્તારમાં ઉભા થયેલા અનઅધિકૃત દબાણ દૂર કરવા માટે ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. તે ઉપરાંત મામલતદારે વધુમાં જણાવ્યું છે કે, તે વિસ્તારમાં કેબીન–દુકાન ચલાવતા કોઈ આસામી પાસે જો તે જગ્યાની માલિકીના આધાર હોય તો તેઓએ તેના અસલ કાગળો સાથે તા.૧ર ફેબ્રુઆરી સુધીમાં મામલતદાર કચેરી, લાલપુરનો સંપર્ક કરવો.