કેસની વધુ સુનાવણી ૧૫મી નવેમ્બરે મુકરર
રાજ્યમાં કાયમી DGPની નિમણૂકના મુદ્દે થયેલી રિટમાં હાઇકોર્ટના ચીફ જસ્ટિસની ખંડપીઠે ચૂંટણી પંચને પક્ષકાર તરીકે જોડવાનો આદેશ કર્યો છે. સાથે જ હવે આ કેસની વધુ સુનાવણી ૧૫મી નવેમ્બરે મુકરર કરી છે. ઉલ્લેખનીય છે કે રાજ્ય સરકાર તરફથી અગાઉ એવી રજૂઆત કરવામાં આવી હતી કે, રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીની જાહેરાત થઇ છે અને આચારસંહિતા લાગુ થઇ ગઇ છે. જેથી તમામ વહીવટી સત્તાઓ ચૂંટણીપંચને હસ્તક છે. તેથી તેઓ આ મુદ્દે હાલ કંઇ કરી શકે તેમ નથી.
આ સમગ્ર મામલે પૂર્વ IPS રાહુલ શર્માએ હાઇકોર્ટ સમક્ષ જાહેરહિતની અરજી કરી હતી. જેમાં એવા મુદ્દા ઉપસ્થિત કરવામાં આવ્યા હતા કે,રાજકીય હસ્તક્ષેપના લીધે રાજ્યમાં લાંબા સમયથી DGPજેવી અગત્યની પોસ્ટ પર કાયમી નિમણૂક થતી નથી. પોલીસના આત્મગૌરવની રક્ષા માટે DGPની કાયમી પોસ્ટ હોવી આવશ્યક છે. કાયદાકીય જોગવાઇ પ્રમાણે રાજ્યમાં DG અને IGP નિમણૂક કરવી પ્રાથમિક ફરજ છે. તેને કારણે કાયદાકીય પ્રક્રિયા પણ પ્રભાવિત થાય છે. જેને કારણે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિમાં કડક પગલાં લઇ શકાતા નથી. જે બાબતની નોંધ સુપ્રીમ કોર્ટે પણ કેટલાક કેસોમાં લઇ જાહેરહિતમાં પોલીસની તેમજ કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે કેટલાક જરૂરી સુચનો કર્યા છે.
બોમ્બે પોલીસ એક્ટ (ગુજરાત એમેન્ડમેન્ટ) ૨૦૦૭માં સ્પષ્ટ જોગવાઇ છે કે, રાજ્યમાં DG અને IGP પદે કાયમી અધિકારીની નિમણૂક થવી જોઇએ. તે વ્યક્તિની ઓછામાં ઓછી બે વર્ષનો કાર્યકાળ બાકી હોવો જોઇએ. કાયમી પદ પર અધિકારીની નિમણૂક નહીં કરવાનો અર્થ થાય છે કે, સરકાર પોલીસને પોતાના પંજામાં દબાવીને રાખવા ઇચ્છે છે. એવું અવાર-નવાર સાંભળવા મળે છે કે, અધિકારીઓ રાજકીય મોભીઓ સાથે ગુપ્ત બેઠકો કરે છે અને તે બાબતે DGને વિશ્વાસમાં લેવાતા નથી. લાંબા સમય સુધી ઇન્ચાર્જ DGP તરીકે પી.પી. પાંડેય રહ્યા છે.
સરકાર કેટલાક કિસ્સામાં હાઇકોર્ટને પણ ગેરમાર્ગે દોરે છે. પાંડેય વચગાળાની નિમણૂક હોવાનું કહીને સરકારે તેમને એક વર્ષ કરતા વધારે સમય એક્સટેન્શન આપ્યું હતું. પાંડેયને ચોથી એપ્રિલ ૨૦૧૭ના રોજ હટાવ્યાને પણ છ મહિના થવા છતાં હજુ સુધી કાયમી નિમણૂક અપાઇ નથી તેવા આક્ષેપો કરાયા છે.