ગીતની નકલ કરાઈ હોવાના ઓસ્ટ્રેલિયા સ્થિત ગુજરાતી સિંગરના દાવા બાદ કોર્ટે ગીત ઈન્ટરનેટ પરથી હટાવી લેવાનો તેમજ કોમર્શિયલ કાર્યક્રમોમાં ગીત ગાવાનો હુકમ કર્યો: વધુ સુનાવણી ૨૨મીએ

જાણીતી ગુજરાતી ગાયીકા કિંજલ દવેને ખુબ પ્રખ્યાત થયેલ ગીત ચાર બંગડીવાળી ગાડી ન ગાવા માટે કોર્ટે આદેશ કર્યો છે. ઉપરાંત આ ગીત ઈન્ટરનેટ પરથી હટાવી લેવાનો પણ કોર્ટ દ્વારા આદેશ કરવામાં આવ્યો છે. ઓસ્ટ્રેલીયામાં રહેતા એક ગુજરાતી સીંગરે કરેલા દાવા બાદ કોર્ટે વચગાળાનો આદેશ કરીને ૨૨મીએ સુનાવણી હાથ ધરી છે.

‘ચાર બંગડીવાળી ગાડી’ ગીતથી પ્રસિદ્ધ થયેલી ગાયિકા કિંજલ દવેને ૨૨મી જાન્યુઆરીની આગામી સુનાવણી સુધી કોઈ કોમર્શિયલ કાર્યક્રમોમાં આ ગીત ન ગાવા માટે અમદાવાદની કોમર્શિયલ કોર્ટે વચગાળાનો આદેશ કર્યો છે. ઉપરાંત આ ગાયિકા દ્વારા ગવાયેલું ગીત ઇન્ટરનેટ પરથી હટાવી લેવા માટે અને ગીત કોઈને વેચવામાં ન આવે તેવો આદેશ પણ આપવામાં આવ્યો છે. ઓસ્ટ્રેલિયામાં કાઠિયાવાડી કિંગ તરીકે જાણીતા ગુજરાતી યુવકે કોપીરાઈટ દાવો કર્યો છે કે આ ગીત તેણે લખ્યું છે અને ગાયું છે અને કિંજલ દવે દ્વારા તેની નકલ કરવામાં આવી છે.

અરજદારની કંપનીએ કોપીરાઇટ ધારા હેઠળ રજૂઆત કરી છે કે આ ગીત તેણે બનાવી તેનો વીડિયો યુટયૂબ પર વર્ષ ૨૦૧૬માં અપલોડ કર્યો હતો. તેના એક મહિના પછી ગીતમાં નહીંવત ફેરફારો કરી કિંજલ દવે એ આ ગીત ગાયું હતું અને ઓક્ટોબર-૨૦૧૬માં તેનો વીડિયો યુટયૂબ પર અપલોડ કરવામાં આવ્યો હતો. નકલ કરાયેલું ગીત ત્યારબાદ બધે પ્રસિધ્ધ થયું હતું અને આ ગાયિકાને પણ તેના કારણે ઘણાં લાભો અને ચાહના મળી છે, પરંતુ આ ગીત હકીકતમાં જેની રચના છે તેને જરાંપણ ક્રેડિટ કે ચાહના મળી નથી. માધ્યમો તેમજ બજારમાંથી ગાયિકા દ્વારા ગવાયેલું ગીત હટાવી લેવાનું જણાવતી નોટિસ પણ તેમને આપવામાં આવી હતી.  જેને ધ્યાનમાં લઈ કાર્ટે આ ગાયિકાને નોટિસ પાઠવી તેના દ્વારા ગવાયેલું ગીત તમામ ઇન્ટરનેટ માધ્યમો પરથી હટાવવા આદેશ આપ્યો છે. ઉપરાંત ગીતના વેચાણ પર પણ પ્રતિબંધ ફરમાવ્યો છે. અપલોડ યુટયૂબ કિંજલ દવે એક વર્ષ પહેલાં નોટિસ કાર્યક્રમમાં ન ગાવા મનાઇ હુકમ આપ્યો છે.

ઓસ્ટ્રેલિયામાં કાઠિયાવાડી કિંગ તરીકે જાણીતા ગુજરાતી યુવક કાર્તિક પટેલે કોપીરાઈટનો દાવો કર્યો છે અને જણાવ્યું છે કે, આ ગીત પોતે જ લખ્યું અને ગાયું છે, કિંજલ દવેએ તો કોપી મારી છે. મેલબોર્નમાં કાઠિયાવાડી કિંગ તરીકે પ્રખ્યાત અને ચાર બંગડીવાળા ગીતના ઓરીજનલ ક્રિએટર કાર્તિક પટેલે કહ્યું કે ચાર બંગડીવાળી ગીત મેં લખ્યું હતું અને તેને કિંજલ દવે એ ચોરી કરી. મને ખુશી છે કે ઇન્ડિયન કોર્ટે મને ન્યાય આપ્યો છે. કિંજલ દવેએ આ ગીતને પોતાના નામે ક્લેમ કર્યો હતો તે ખોટું છે. તમે કોઇનું ગીત કંઇ રીતે ચોરી શકો છો.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.