જામનગરમાંથી પી.જી.વી.સી.એલ.ના ૩૭ જેટલા ટ્રાન્સફોરર્મરની ચોરી થવા પામી હતી. જે પ્રકરણમાં એક ડઝન જેટલા કર્મચારી-અધિકારીની બદલીના આદેશ થયા પછી આ બદલીના ઓર્ડર સ્થગિત કરવામાં આવ્યા છે.
જામનગર શહેરના અલગ-અલગ વિસ્તારોમાંથી પી.જી.વી.સી.એલ.ના ૩૭ જેટલા વીજ ટ્રાન્સફોરર્મરની ચોરી થવા પામી હતી. આ પ્રકરણમાં પોલીસે તસ્કરને પકડી પાડ્યા પછી અને વીજ કંપનીના અધિકારીને જાણ કર્યા પછી વીજકંપનીના જવાબદાર અધિકારી દ્વારા વિધિવત્ પોલીસમાં ફરિયાદ નોંધાવાઈ હતી. એટલે કે લગભગ આઠેક માસ સુધી તસ્કરો થાંભલા ઉપરથી ટ્રાન્સફોરર્મરની ચોરી કરતા રહ્યા, પરંતુ વીજકંપનીના જવાબદારો અંધારામાં જ રહ્યા. તસ્કરો પકડાયા પછી તેને ચોરીની જાણ થવા પામી હતી.
આ પ્રકરણમાં વીજકંપની દ્વારા ખાતાકીય તપાસનો ધમધમાટ શરૃ કરવામાં આવ્યો હતો, અને આખરે બે દિવસ પહેલા જામનગરના ચાર અધિકારી ઉપરાંત આઠ લાઈનેમન મળી લગભગ ૧ર કર્મચારીઓની બદલીઓ કરવામાં આવી હતી, પરંતુ આ બદલીના ઓર્ડરને સ્થગિત રાખવાનો આદેશ કરવામાં આવ્યો છે.
હાલ તમામ અધિકારીઓની રાજકોટની કોર્પોરેટ ઓફિસમાં બેઠકનો ધમધમાટ ચાલી રહ્યો હોવાથી એક પણ જવાબદાર અધિકારીનો ટેલિફોનિક સંપર્ક થઈ શકતો નથી. આ અતિ શરમજનક ઘટના ગણી શકાય. આવા બે જવાબદાર અધિકારીઓને તો સસ્પેન્ડ કરવા જોઈએ, પરંતુ તેની બદલીનો પણ આદેશ ’ઉપરથી’ કરવામાં આવ્યો છે.
લાખો રૃપિયાની કિંમતની સરકારી મિલકતોની ચોરી થાય અને ૬ માસ સુધી તંત્રને જાણ ન થાય તે બાબત અતિ ગંભીર ગણી શકાય.
આ બદલીનો આદેશ હાલ પૂરતો સ્થગિત રાખવાનો આદેશ થયો છે. તે બાબતને અધિકારી દ્વારા સત્તાવાર સમર્થન આપવામાં આવ્યું છે, પરંતુ ક્યા કારણોસર આ બદલી રોકી દેવામાં આવી છે તેનું કારણ જાહેર કરવામાં આવ્યું નથી.
શું અધિકારીઓને વધુ આકરી સજા કરવાનું આયોજન થઈ રહ્યું છે? કે પછી ઉપરથી ભલામણ છે. શું કર્મચારી યુનિયનનું કોઈ દબાણ છે? આ બધું તો સત્ય બહાર આવે પછી જ ખુલાસા થવા પામશે.