સભ્ય સંખ્યા ન હોવાથી નિયમ મુજબ વિપક્ષની સવલતો પાછી ખેચાય છે કોઇ ગેરરીતી થઇ નથી: શાસક પક્ષ
જુનાગઢ મનપાના વિરોધ પક્ષ દ્વારા અનેક રજૂઆતો, ધાંધલ – ધમાલ અને ધરણા કરવા છતાં જુનાગઢ મનપા કચેરીમાં આવેલી વિરોધ પક્ષની કચેરીને ગઈકાલે તાળા લગાવી દેવામાં આવ્યા છે. ત્યારે વિરોધ પક્ષે પણ ભારે ધમાલ મચાવી હતી અને રજૂઆતો કરી હતી તેમ છતાં મનપાના શાસક ભાજપ દ્વારા વિરોધ પક્ષની જે સુવિધા છીનવાય છે તે નિયમ અનુસાર હોવાનું જણાવાય રહ્યું છે.
જૂનાગઢ મનપાની જનરલ બોર્ડની બેઠક મળી હતી. જેમાં વિરોધ પક્ષને મળતી કાર્યાલય, ઓફિસ, સ્ટાફ, ગાડી, ડ્રાઇવર સહિતની સવલતો સ્થગિત કરવામાં આવે તેવો શાસક ભાજપ દ્વારા બહુમતીથી નિર્ણય લેવામાં આવ્યો હતો. અને આ બાદ 3 કોંગ્રેસના અને 3 એનસીપીના મળી કુલ 6 વિરોધ પક્ષના કોર્પોરેટરો દ્વારા ભારે વિરોધ કરાયો હતો. અને બોર્ડમાંથી વોક આઉટ કરાયા બાદ કમિશનર કચેરી સામે સાંજ સુધી ધરણા કર્યા હતા. તે સાથે અનેક રજૂઆતો કરવામાં આવી હતી. બીજા દિવસે કચેરીમાં ગાદલા નાંખી જાહેરમાં ઓફિસ શરૂ કરી કમિશનર સહિતનાઓને ફરી રજૂઆત કરાઈ હતી.
જુનાગઢ મનપાના નાયબ કમિશનર દ્વારા મનપા સેક્રેટરીને લેખિતમાં જાણ કરાઈ હતી કે, વિરોધ પક્ષની રજૂઆતો ધ્યાને લઈને નિયમ અનુસાર કાર્યવાહી કરી અધિકાર પરત્વે કામ કરવામાં આવે. પરંતુ ગઈકાલ સુધી વિરોધ પક્ષને ઓફિસ ફાળવવામાં આવી ન હતી. અને ગઈકાલે જ મનપા દ્વારા વિરોધ પક્ષની કાર્યાલયને તાળા મારી દેવામાં આવ્યા હતા.
આ સમયે કોંગ્રેસના કોર્પોરેટર લલિત પરસાણાએ મેયર તથા સ્થાયી સમિતિના ચેરમેનને ઓફિસ ફાળવવા રજૂઆત કરી હતી અને નાયક કમિશનરે કરેલા આદેશ અંગે વિરોધ પક્ષના કોર્પોરેટરોને ઓફિસ ફાળવવામાં આવે તેવું જણાવ્યું હતું. પરંતુ આ બાબતે મનપાના ભાજપના સત્તાધિશો દ્વારા જે કાર્યવાહી થઈ રહી છે તે નિયમોનુંસાર થઈ રહી હોવાનું જણાવવામાં આવ્યું હતું.
આ સમગ્ર ઘટના અંગે વિરોધ પક્ષના અડ્રેમાનભાઈ પંજાએ જણાવ્યું હતું કે, મનપામાં ચાલતી લાલિયાવાડી અને સરકાર તથા પ્રજાના ટેક્સના પૈસા બેફામ રીતે વેડફતા ભાજપના સત્તાધિશો સામે અવાજ ઉઠાવી, વિપક્ષને બોલતા બંધ કરવા માટે જુનાગઢ મનપામાં ભાજપના સતાધીશો એ બહુમતીના જોરે વિરોધ પક્ષની કાર્યાલયને તાળા માર્યા છે. પરંતુ શાસક પક્ષ દ્વારા નિયમો વિરુદ્ધ પદાધિકારીઓને અનેક સવલતો આપવામાં આવી છે ત્યારે અમે અદાલતના દ્વાર ખખડાવીશું.
જો કે, સામા પક્ષે જૂનાગઢ મનપાના સ્થાયી સમિતિના ચેરમેન હરેશ પરસાણા એ જણાવ્યું છે કે, વિરોધ પક્ષની બોર્ડમાં નિયમ મુજબની સંખ્યા ન હોય અને હાલમાં 6 સભ્યો વિરોધ પક્ષના છે જેમાંના 3 કોંગ્રેસના અને 3 એનસીપીના છે તથા અત્યાર સુધીની મનપાની પરંપરા રહી છે કે, કોર્પોરેટરને ક્યારેય ઓફિસ ફાળવવામાં આવી નથી. જેથી નિયમ અનુસાર ઓફિસર આપી ન શકાય. પરંતુ તેઓને તેમના અરજદારો માટે કામગીરી કરવા માટે મનપામાં એક ટેબલ અને કોમ્પ્યુટર ફાળવેલ છે તેમના દ્વારા કામગીરી કરી શકાશે.