- રૂ.74.20 કરોડના ખર્ચે નિર્માણ પામી રહેલો બ્રિજ નિયત સમય મર્યાદામાં પૂર્ણ થઇ જવાની શક્યતા
શહેરના જામનગર રોડ પર આશરે પાંચ દાયકા જુનો સાંઢીયા પુલને તોડી પાડી કોર્પોરેશન દ્વારા અહિં રૂ.74.20 કરોડના ખર્ચે નવો ફોર લેન બ્રિજ બનાવવામાં આવી રહ્યો છે. છેલ્લા એક વર્ષથી બ્રિજના નિર્માણની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. 37 ટકા જેટલી કામગીરી પૂર્ણ થઇ જવા પામી છે. સંભવત: આવતા માર્ચ માસમાં બ્રિજને વાહનચાલકો માટે ખુલ્લો મૂકી દેવામાં આવશે.
આ અંગે વધુ માહિતી આપતા કોર્પોરેશનના સેન્ટ્રલ ઝોન કચેરીના ઇન્ચાર્જ સિટી એન્જીનીંયર અતુલ રાવલે જણાવ્યું હતું કે ટ્રાફિકની સમસ્યા હલ કરવા માટે કોર્પોરેશન દ્વારા શહેરના જામનગર રોડ પર સાંઢીયા પુલના સ્થાને નવો ફોર લેન બ્રિજ બનાવવાની કામગીરી ગત માર્ચ મહિનામાં લોકસભાની ચુંટણીની આચાર સંહિતા લાગૂ પડે તે પૂર્વે શરૂ કરવામાં આવી હતી. જુનો સાંઢીયા પુલ માત્ર ટુ ટ્રેક હતો. હવે રૂ.74.20 કરોડના ખર્ચે બની રહેલો નવો બ્રિજ ફોર લેન હશે. જેની લંબાઇ 600 રનિંગ મીટરની અને પહોળાઇ 16.40 મીટરની રાખવામાં આવી છે. રેલવે ટ્રેકથી બ્રિજની ઉંચાઇ 6.10 મીટર રાખવામાં આવી છે. બંને તરફ વાહનોની અવરજવર માટે અલાયદા રસ્તા રહેશે અને સર્વિસ રોડ સહિતની સુવિધાઓ પણ ઉપલબ્ધ થશે.
તેઓએ વધુમાં જણાવ્યું હતું કે સાંઢીયા પુલની જગ્યાએ નિર્માણ પામી રહેલા ફોર લેન બ્રિજમાં કુલ 20 પુટીંગ ભરવાના થાય છે. જે પૈકી આજની તારીખે 16 પુટીંગ ભરાઇ ગયા છે. બ્રિજમાં કુલ 40 પીયર બનાવવાના છે. જે પૈકી 26 પીયર તૈયાર થઇ ચુક્યા છે. જ્યારે 20 પૈકી 50 ટકા પીયર કેપ એટલે કે 10 પીયર કેપ લગાવી દેવામાં આવી છે. બ્રિજમાં કુલ 120 ગર્ડર આવે છે. જે પૈકી 78 ગર્ડર હાલ તૈયાર થઇ ચુક્યા છે. ફિઝીકલ પ્રોગ્રેસ રિપોર્ટને ટકાવારીની દ્રષ્ટિએ જોવામાં આવે તો 37 ટકા કામગીરી પૂર્ણ થઇ ગઇ છે. બ્રિજ નિર્માણની અવધિ માર્ચ-2026 સુધી નિયત કરવામાં આવી છે. હાલ જે રીતે પ્રોગ્રેસ ચાલી રહ્યો છે તે જોતાં એવું કહી શકાય કે નિયત સમય મર્યાદામાં વાહનચાલકો માટે નવો ફોર લેન સાંઢીયા પુલ ખુલ્લો મુકી દેવામાં આવશે.
અત્રે ઉલ્લેખનીય છે કે આ બ્રિજ રાજકોટનો પ્રથમ એવો બ્રિજ છે કે જેમાં હયાત ટુ લેન પુલને તોડી નવો ફોર લેન બ્રિજ બનાવવામાં આવી રહ્યો છે. જેનું નિર્માણ કાર્ય પુરૂં થતા વાહનચાલકોને ટ્રાફિકની સમસ્યામાંથી મોટી રાહત મળશે.