રમજાન માસ દરમિયાન આતંકવાદીઓના સફાયાનું કામ ભારતીય સેનાએ બંધ કરતા આતંકીઓની પ્રવૃતિઓમાં ભયંકર વધારો: આતંકી સંગઠનોમાં જોડાતા સ્થાનીક યુવાનો ચિંતાનો વિષય
કાશ્મીર સહિત દેશભરમાં આતંક ફેલાવવા ૨૪૩ આતંકવાદીઓ સંતાયેલા છે. આ આતંકવાદીઓમાં ૬૦ વિદેશી આતંકીઓનો પણ સમાવેશ થાય છે. કાશ્મીરના ખીણ વિસ્તારમાં આવા આતંકવાદીઓને શોધી-શોધી ખાત્મો બોલાવવા ભારતીય સેનાએ ઓપરેશન ઓલ આઉટ શરૂ કર્યું છે.
કાશ્મીરમાં છેલ્લા ઘણા સમયી આતંકી હુમલાનું પ્રમાણ સતત ચાલુ છે. મોટાભાગના આતંકીઓ સ્થાનિક યુવા છે. જેઓ બેરોજગારી અથવા તો બ્રેઈન વોશીંગનો ભોગ બન્યા છે. આવા યુવાન આતંકીઓ દેશ ઉપર વધુ ખતરો છે માટે સરકારે યુવા આતંકીઓને ફરીથી સામાન્ય પ્રવાહમાં ભેળવવા પુન:વસનનો નિર્ણય પણ કર્યો હતો. જેમાં મહદઅંશે સફળતા મળી હતી. સરકારે કાશ્મીરી યુવાનોને રોજગારી આપવા સ્કીલ ડેવલોપમેન્ટ સહિતના પ્રયાસો કર્યા હતા.
વરિષ્ઠ પોલીસ અધિકારીના જણાવ્યા મુજબ કાશ્મીરની ખીણમાં હાલ ૨૪૩ આતંકવાદીઓ સક્રિય છે. જેમાં ૬૦ આતંકીઓ વિદેશના છે. રમઝાન મહિનામાં ભારતીય સેનાએ આતંકીઓના ખાત્મા માટેનું ઓપરેશન બંધ કર્યું હતું. પરિણામે આ સમયગાળામાં આતંકી ગતિવિધિ વધી છે. પરિણામે હવે આતંકીઓના સફાયા માટે ઓપરેશન ઓલ આઉટને વધુ તિવ્ર બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
આતંકવાદીઓના ખાત્મા સામે હવે પીડીપીનું દબાણ સરકારને નહીં રહે તેથી ઓપરેશન વધુ સુદ્રઢ બની જશે. હીઝબુલ મુઝાહીદ્દીન સહિતના આતંકી સંગઠનોના આર્થિક વ્યવહારો કાપવા માટે પણ સુરક્ષા તંત્ર વધુ પ્રયાસ કરી રહ્યું છે. સૌથી મોટો પ્રશ્ન સ્થાનિક યુવાનોના બ્રેઈન વોશીંગ અને બેરોજગારીનો છે. આંકડા મુજબ વર્ષ ૨૦૧૭માં ૧૨૭ કાશ્મીરી યુવાનો આતંકી સંગઠનોમાં જોડાયા હતા. ચાલુ વર્ષે પાંચ મહિનાના સમયગાળામાં જ ૭૫ યુવાનો આતંકી પ્રવૃતિ કરી રહ્યાં છે. બે વર્ષમાં યુવા આતંકીઓનું પ્રમાણ વધી ગયું છે.
અહીં ઉલ્લેખનીય છે કે, આતંકી પ્રવૃતિમાં જોડાનાર કાશ્મીરી યુવાનોમાં સૌથી વધુ યુવાનો ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરેલા છે. ઘણા એવા દાખલા છે જેમાં ધો.૧૨માં ૭૦ી વધુ ટકા તેમજ ફિઝીકસમાં પોસ્ટ ગ્રેજયુએશન પણ કરેલા યુવાનો આતંકી પ્રવૃતિમાં જોડાઈ ગયા છે. માટે સરકાર યુવાનોને આતંકી ગતિવિધિઓમાં સંડોવાતા રોકવા માટે વિવિધ પ્રોજેકટ પણ ચલાવી રહી છે.
નકસલીઓનો લેન્ડમાઇન બ્લાસ્ટ: ૬ જવાનો શહીદ
ઝારખંડના ગારવા જિલ્લામાં નકસલીઓએ લેન્ડમાઈન બ્લાસ્ટ કરતા ઝારખંડ જેગુઆર ફોર્સના ૬ જવાનો શહિદ થયા છે. ચીન્જો અને ગારવામાં નકસલવાદીઓ છુપાયા હોવાની બાતમીના આધારે સુરક્ષા જવાનો સર્ચ ઓપરેશન માટે પહોંચ્યા હતા. જયાં નકસલીઓએ લેન્ડમાઈન બ્લાસ્ટ કરી બેફામ ગોળીબાર કર્યો હતો. આ બનાવમાં ૬ જવાનો શહિદ થયા છે. ઉપરાંત અનેક જવાનોને ઈજાઓ પહોંચી છે. અહીં ઉલ્લેખનીય છે કે, નકસલીઓના ખાત્મા માટે ઝારખંડની પોલીસે ખાસ જેગુઆર ફોર્સની રચના કરી છે.