“શ્રમ સેતુ પોર્ટલ” “શ્રમિક અન્નપુર્ણા યોજના” હેઠળ
ધન્વન્તરી આરોગ્ય રથ મારફત નિ:શુલ્ક આરોગ્ય સેવાનો લાભ લેતા 4 લાખથી વધુ શ્રમિકો
ગુજરાતમાં શ્રમિકો માટે તાજેતરમાં જ “આંતરરાષ્ટ્રીય શ્રમિક દિવસ”નાં રોજ અદ્યતન “શ્રમ સેતુ પોર્ટલ” લોન્ચ કરવામાં આવ્યું હતું. જેના માધ્યમથી શ્રમયોગીઓ ઘરેબેઠાં પોતાની સમસ્યાનું નિવારણ મેળવી શકે છે. શ્રમયોગીઓને ગ્રેચ્યુઈટી ચૂકવણી અધિનિયમનો લાભ સરળતાથી મળી રહે, તેમજ ‘ઔદ્યોગિક વિવાદ અધિનિયમ’ હેઠળ છૂટા કરવાના કે માંગણીને લગતા પ્રશ્નોનું સરળતાથી નિવારણ કરવા માટે ‘કેસ એન્ડ કલેઈમ મોડ્યુલ’ પણ પોર્ટલમાં વિકસાવવામાં આવ્યું છે. માત્ર પાંચ રૂપિયાના નજીવા દરે “શ્રમિક અન્નપુર્ણા યોજના” હેઠળ શ્રમિકોને ભોજન પૂરું પાડનારું ગુજરાત દેશનું એકમાત્ર રાજ્ય બન્યું છે. શ્રમિકોનાં આરોગ્યની જાળવણી માટે આશીર્વાદરૂપ આવી જ એક યોજના એટલે ધન્વન્તરી આરોગ્ય રથ.
રાજ્ય સરકારના શ્રમ કોશલ્ય વિકાસ અને રોજગાર વિભાગના ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ અને ઈ.એમ.આર.આઈ. ગ્રીન હેલ્થ સર્વિસના સંયુક્ત ઉપક્રમે રાજકોટ જિલ્લામાં કુલ 12 ધનવંતરી રથ કાર્યરત છે, જે શ્રમિકોનાં કાર્યસ્થળે જઈને આરોગ્યલક્ષી સુવિધાઓ વિના મૂલ્યે પુરી પાડે છે. આ યોજનાના પ્રોજેક્ટ કો-ઓર્ડીનેટર જયેન્દ્ર સોલંકીએ જણાવ્યું હતું કે, “તંદુરસ્ત શ્રમિક પરિવાર, તંદુરસ્ત સમાજ અને તંદુરસ્ત રાષ્ટ્ર નિર્માણ” સૂત્રને સાર્થક કરવાની નેમ સાથે રાજકોટમાં જિલ્લા લેવલે 4 અને તાલુકા લેવલે ગોંડલ ખાતે 1 રથ કાર્યરત હતો, જેમાં ફેબ્રુઆરી માસમાં લોકાર્પિત જેતપુર, ઉપલેટા, ધોરાજી, જસદણ, પડધરી, શાપર, કુવાડવા માટે 07 રથ સહીત હાલ રાજકોટ જિલ્લામાં કાર્યરત કુલ 12 ધન્વન્તરી આરોગ્ય રથ દ્વારા એપ્રિલ માસમાં કુલ 15,573 સહીત અત્યાર સુધીમાં આશરે 4,03,783 શ્રમયોગીઓના આરોગ્યની વિનામૂલ્યે ચકાસણી કરવામાં આવી હતી.
જેમાં કાલાવડ રોડ વિસ્તારમાં એપ્રિલ માસમાં 1113; અત્યાર સુધીમાં 1,37,994, મોરબી રોડ વિસ્તારમાં એપ્રિલ માસમાં 1462; અત્યાર સુધીમાં કુલ 78,222,ગોંડલ રોડ વિસ્તારમાં એપ્રિલ માસમાં 1370; અત્યાર સુધીમાં 87,154, જામનગર રોડ વિસ્તારમાં એપ્રિલ માસમાં 1258; અત્યાર સુધીમાં 42,422, ગોંડલમાં એપ્રિલ માસમાં 1258; અત્યાર સુધીમાં 34,575, જેતપુરમાં એપ્રિલ માસમાં 1341; અત્યાર સુધીમાં 3485, ઉપલેટામાં એપ્રિલ માસમાં 1584; અત્યાર સુધીમાં 4199, ધોરાજીમાં એપ્રિલ માસમાં 1465; અત્યાર સુધીમાં 3774, જસદણમાં એપ્રિલ માસમાં 1058; અત્યાર સુધીમાં 2928, પડધરીમાં એપ્રિલ માસમાં 1366; અત્યાર સુધીમાં 3366, શાપરમાં એપ્રિલ માસમાં 1043; અત્યાર સુધીમાં 3072, કુવાડવામાં એપ્રિલ માસમાં 1042; અત્યાર સુધીમાં 2592 શ્રમયોગીઓએ લાભ મેળવ્યો હતો. જયારે એપ્રિલ માસમાં 2501 સહીત અત્યાર સુધીમાં કુલ 58,670 શ્રમયોગીઓનાં લેબ ટેસ્ટ કરવામાં આવ્યા છે.રાજ્યના શ્રમિકો માટેના લઘુત્તમ વેતનમાં આજ સુધીનો સૌથી વધુ 25 ટકા જેટલો વધારો કર્યો છે.