પડધરીમાં એક માત્ર જાહેર શૌચાલય હોય અને તે પણ મર્યાદિત સમય માટે જ ખુલ્લું રહેતું હોય આસપાસના ગામડાઓમાંથી ખરીદી અર્થે આવતા લોકો તેમજ સ્થાનિક વેપારીઓની હાલત કફોડી બની ગઈ છે. ત્યારે વિવિધ વિસ્તારોમાં જરૂરિયાત મુજબ જાહેર શૌચલય બનાવવા યુથ કોંગ્રેસ દ્વારા ટીડીઓને રજુઆત કરવામાં આવી છે.
પડધરી તાલુકા યુથ કોંગ્રેસ પ્રમુખ અભિષેક રાજપૂત દ્વારા તાલુકા વિકાસ અધિકારીને રજુઆતમાં જણાવાયું હતું કે પડધરી તાલુકામાં 58 ગામો આવેલા છે. અહીં બહારગામથી મોટી સંખ્યામાં દરરોજ લોકો ખરીદી અર્થે આવે છે. અહીં એક પણ 24 કલાક ખુલ્લું રહેતું જાહેર શૌચાલય ન હોવાથી આ લોકોને તેમજ સ્થાનિક વેપારીઓને હાલાકી વેઠવી પડે છે. જો કે ગામમાં એક માત્ર બસ સ્ટેન્ડમાં જ જાહેર શૌચાલય આવેલુ છે.
આ શૌચાલય પણ માત્ર મર્યાદિત સમય માટે જ ખુલ્લું રાખવામાં આવે છે. બાકીના સમયમાં ત્યાં તાળા લટકતા હોય છે. આ શૌચાલય 24 કલાક ખુલ્લુ રાખવામાં આવે તેવી માંગ છે.
વધુમાં યુથ કોંગ્રેસ દ્વારા શાકમાર્કેટની બાજુમાં, મૌવૈયા સર્કલ પાસે, પ્રગટેશ્વર મહાદેવ મંદિર પાસેના વિસ્તારમાં જાહેર શૌચાલય બનાવવાની માંગ કરી છે.